India

પંજાબ CMની કેમ્પ ઑફિસ પર CBIના દરોડા, ટ્રાન્સફર-પોસ્ટિંગ કેસમાં OSDના ઘરે પણ રેડથી ભડક્યા ભગવંત માન

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ચંદીગઢ સ્થિત કેમ્પ ઑફિસ સહિત OSDના ઘર પર મંગળવારે CBIએ દરોડા પાડ્યા. ટ્રાન્સફર-પોસ્ટિંગમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી થઈ છે. હાઇકોર્ટે 2 મહિનામાં રિપોર્ટ માંગ્યો છે, જોકે પંજાબ સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી. માને ભાજપ પર બદનામ કરવાનો આરોપ લગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબ CMની કેમ્પ ઑફિસ પર CBIના દરોડા, ટ્રાન્સફર-પોસ્ટિંગ કેસમાં OSDના ઘરે પણ રેડથી ભડક્યા ભગવંત માન

CBI Raids Punjab CM Bhagwant Mann Camp Office: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની કેમ્પ ઑફિસ પર સીબીઆઇએ મંગળવારે 6 ઑક્ટોબરે દરોડા પાડ્યા છે. ચંદીગઢના સેક્ટર-2 સ્થિત હાઉસ નંબર 50 પર સીબીઆઇની ટીમ તપાસ માટે પહોંચી છે. આ બંગલાને પંજાબ સીએમની કેમ્પ ઑફિસ-કમ-ગેસ્ટ હાઉસ કહેવાય છે. આ સાથે જ મુખ્યમંત્રીના OSD રાજબીર સિંહ ઘુમ્મનના પૂર્વજોના ગામ ઘરાચો સ્થિત ઘર પર પણ દરોડા પડ્યા છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે, જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચાર અને ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે સીબીઆઇને ફોજદારી ગુનો નોંધીને તપાસ કરવા અને બે મહિનામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી. પંજાબ સરકારે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ટ્રાન્સફર-પોસ્ટિંગ કેસમાં CBIએ ગુનો નોંધ્યો

સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સીએ ટ્રાન્સફર અને પોસ્ટિંગ સાથે જોડાયેલા કેસમાં ગુનો નોંધ્યો છે. કેસ નોંધાયા બાદ જ તપાસના ભાગરૂપે અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાઇકોર્ટ સમક્ષ મામલો પહોંચ્યા બાદ કોર્ટે સીબીઆઇને સ્વતંત્ર તપાસ માટે કેસ પોતાના હાથમાં લેવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એજન્સીને બે મહિનામાં પોતાનો રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. હાઇકોર્ટના આ આદેશ વિરૂદ્ધ પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકારની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેમ કરવાનો ઇન્કાર કરી દીધો, જે બાદ સીબીઆઇએ આ પગલાં લીધા છે.

ભગવંત માને ભાજપ પર લગાવ્યા આરોપ

સીબીઆઇના દરોડાને લઈને મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કેન્દ્રની સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું હતું. માને આરોપ લગાવ્યો કે, ભાજપે પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને તેમની સરકાર તથા તેમને બદનામ કરવા માટે સીબીઆઇ અને ઈડીનો કથિત દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. માને કહ્યું કે, તેમની કેમ્પ ઑફિસમાં સીબીઆઇના દરોડા પાડવામાં આવ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, પંજાબની જનતા તરફથી મળી રહેલા સમર્થનને જોઈને ભાજપ ગભરાઈ ગઈ છે.