Digital Transactions at Toll Plazas: દેશના નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હવે ટોલ પ્લાઝા પર રોકડ (Cash) વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે મુસાફરોએ ટોલ ટેક્સ ભરવા માટે માત્ર FASTag અથવા UPI જેવા ડિજિટલ વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે. 1 એપ્રિલ 2026થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન
છેલ્લા કેટલાક વર્ષોમાં FASTagનો ઉપયોગ 98 ટકાથી વધુ વધી ગયો છે, જેના કારણે ટોલ કલેક્શન સિસ્ટમમાં મોટો ફેરફાર આવ્યો છે. હાલમાં મોટાભાગના વ્યવહારો RFID આધારિત FASTag દ્વારા થઈ રહ્યા છે, જે વાહનોને રોકાયા વગર ટોલ પસાર કરવામાં મદદ કરે છે. હવે તેની સાથે UPI પેમેન્ટની સુવિધા પણ જોડવામાં આવી છે જેથી મુસાફરો સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકે.
શા માટે લેવાયો આ નિર્ણય?
ટોલ પ્લાઝા પર કરવામાં આવેલા આકલન મુજબ, રોકડ વ્યવહારને કારણે નીચે મુજબની સમસ્યાઓ સર્જાય છે:
ટ્રાફિક જામ: રોકડ આપવા અને પરચુરણ લેવામાં સમય બગડે છે, જેનાથી પીક અવર્સમાં લાંબી લાઇનો લાગે છે.
વિવાદો: પૈસાની લેવડદેવડ બાબતે કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે વારંવાર બોલાચાલી થાય છે.
સમયનો બચાવ: ડિજિટલ પેમેન્ટથી વાહનો ઝડપથી પસાર થઈ શકે છે, જેનાથી ઇંધણ અને સમય બંનેની બચત થાય છે.
રોકડમાં ચુકવણી કરશો તો મોંઘું પડશે
નિયમો મુજબ, જો કોઈ વાહન માન્ય FASTag વગર ટોલ પ્લાઝામાં પ્રવેશે છે અને રોકડમાં ચુકવણી કરે છે, તો તેની પાસેથી નિર્ધારિત ટોલ કરતાં બમણો (2 ગણો) ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે UPI દ્વારા ચુકવણી કરવા પર 1.25 ગણો ચાર્જ લેવામાં આવે છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રોકડ વ્યવહારથી દૂર કરી ડિજિટલાઇઝેશન તરફ વાળવાનો છે.
સમગ્ર દેશમાં 1,150 થી વધુ ટોલ પ્લાઝા પર આ વ્યવસ્થા લાગુ થવાથી હાઇવે પર મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. જો તમે પણ હાઇવે પર મુસાફરી કરવાના હોવ, તો તમારા FASTagમાં પૂરતું બેલેન્સ રાખવું અથવા UPI એપ તૈયાર રાખવી હિતાવહ છે.


