બુદ્ધની તપોભૂમિ સારનાથને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો, ભારતમાં સાંસ્કૃતિક વિરાસત ગણાતા કુલ 45 સ્થળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sarnath UNESCO World Heritage: તાજેતરમાં દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં યોજાયેલી યુનેસ્કો સમિતિની બેઠકમાં ભારત માટે એક ગૌરવપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વારાણસી નજીક આવેલું પ્રાચીન બૌદ્ધ સ્થળ ‘સારનાથ’ હવે યુનેસ્કોની પ્રખ્યાત વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (વિશ્વ વારસા સ્થળ) ની યાદીમાં સામેલ થઈ ગયું છે.
આ સાથે જ ભારતમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંખ્યા હવે 45 થઈ ગઈ છે, જે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપે છે. 1972થી શરૂ થયેલી આ વૈશ્વિક યાદીમાં અત્યાર સુધીમાં વિશ્વભરના 1,200થી વધુ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સારનાથનું પવિત્ર અને ઐતિહાસિક મહત્ત્વ
ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ગૌતમ બુદ્ધને બોધગયામાં જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. એ પછી તેમણે જે પ્રથમ ઉપદેશ આપ્યો હતો તે સ્થળ સારનાથ હતું. આમ, સારનાથથી જ બૌદ્ધ ધર્મ અને ફિલસૂફીની શરૂઆત થઈ હતી. આ જ કારણે સારનાથ બૌદ્ધ ધર્મના ચાર સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક ગણાય છે.
સારનાથના પુરાતત્વીય અવશેષો, પ્રાચીન મઠો અને મંદિરના પાયા સદીઓ જૂના સ્થાપત્યની ઝાંખી કરાવે છે. અહીં આવેલો ધમેક સ્તૂપ બુદ્ધના પ્રથમ ઉપદેશની સાક્ષી આપે છે. 40 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી આ વિશાળ નળાકાર રચના પર થયેલી જટિલ કોતરણી ગુપ્ત યુગની ઉત્કૃષ્ટ કારીગરીનો નમૂનો છે.
હેરિટેજ સાઇટ પસંદગીની સમગ્ર પ્રક્રિયા
કોઈપણ સ્થળને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન અપાવવા માટે કડક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમ કે-
- ફાઇલ રજૂઆત અને અભ્યાસ: કોઈપણ દેશ પોતાના સ્થળની વિગતોની ફાઇલ યુનેસ્કોને મોકલે છે. યુનેસ્કો તેનો ઇતિહાસ, ભૌગોલિક નકશો અને દાવાઓની સત્યતા ચકાસે છે.
- સ્થળની રૂબરૂ મુલાકાત: આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને તે અસલ સ્વરૂપમાં છે કે કેમ અને આધુનિક ફેરફારોથી નુકસાન થયું છે કે નહીં, તેની તપાસ કરે છે.
- કાનૂની અને સુરક્ષા કવચ: દેશના કાયદા દ્વારા તે સ્થળને કાનૂની સંરક્ષણ મળેલું છે કે નહીં, તેમજ પ્રવાસીઓની ભીડ, પ્રદૂષણ અને કુદરતી હોનારતો સામે બચાવની સિસ્ટમ ચકાસવામાં આવે છે.
- બફર ઝોન અને સ્થાનિક સહયોગ: સ્થળની આસપાસનો વિસ્તાર સુરક્ષિત છે કે નહીં અને સ્થાનિક લોકોનો સહયોગ કેવો છે તે પણ જોવામાં આવે છે.
કયા માપદંડોના આધારે યુનેસ્કો હેરિટેજ સાઈટની પસંદગી થાય છે?
નવેમ્બર 1972ના 'વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન' મુજબ 10 નિર્ધારિત માપદંડોમાંથી ઓછામાં ઓછો એક માપદંડ પૂર્ણ કરવો પડે છે.
સાંસ્કૃતિક માપદંડો
- માનવ સર્જનાત્મક પ્રતિભા (Human Creative Genius): માનવ સર્જનાત્મકતાનું અસાધારણ ઉદાહરણ. (ઉદા. તાજમહેલ, ભારત)
- માનવ મૂલ્યોનું આદાન-પ્રદાન (Interchange of Human Values): સ્થાપત્ય કે નગર-આયોજનમાં મૂલ્યોની આપ-લે. (ઉદા. સિલ્ક રૂટ, મધ્ય એશિયા)
- અનોખી સંસ્કૃતિ/સભ્યતાની સાક્ષી (Unique Testimony): લુપ્ત કે જીવંત પરંપરાના પુરાવા. (ઉદા. ધોળાવીરા, ભારત)
- માનવ ઇતિહાસનો મહત્ત્વનો તબક્કો (Architectural/Building Ensemble): ઐતિહાસિક તબક્કો દર્શાવતું સ્થાપત્ય. (ઉદા. સારનાથ અને સાંચીના સ્તૂપ, ભારત)
- પરંપરાગત માનવ વસાહત (Traditional Human Settlement): પાણી કે વિશિષ્ટ જમીન પરની વસાહત. (ઉદા. વેનિસ શહેર, ઇટલી)
- ઘટનાઓ કે વિચારો સાથે જોડાણ (Association with Events or Beliefs): વૈશ્વિક ઘટના કે શ્રદ્ધા સાથે સીધું જોડાણ. (ઉદા. હિરોશિમા પીસ મેમોરિયલ, જાપાન)
કુદરતી માપદંડો
- અસાધારણ કુદરતી સૌંદર્ય (Natural Beauty): અદ્ભુત પ્રાકૃતિક પરિવેશ. (ઉદા. ગ્રાન્ડ કેન્યોન, અમેરિકા)
- પૃથ્વીના ઇતિહાસનું પ્રતિનિધિત્વ (Earth's History): ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ કે જીવાશ્મો. (ઉદા. વેલી ઓફ ધ ડાયનાસોર, અમેરિકા)
- ઇકોલોજિકલ અને જૈવિક પ્રક્રિયાઓ (Ecological Processes): અનોખી ઇકોસિસ્ટમ. (ઉદા. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, ભારત)
- જૈવ વિવિધતા અને રહેઠાણનું સંરક્ષણ (Biological Diversity): જોખમી પ્રજાતિઓનું કુદરતી નિવાસસ્થાન. (ઉદા. ગ્રેટ બેરિયર રીફ, ઓસ્ટ્રેલિયા)
28 વર્ષ પહેલા સારનાથને હેરિટેજના દરજ્જા માટે અપીલ
માપદંડ પૂર્ણ કર્યા બાદ ICOMOS અને IUCN દ્વારા સ્વતંત્ર આકારણી થાય છે અને તે સ્થળને 'કામચલાઉ યાદી' (Tentative List) માં ઉમેરાય છે. સારનાથ જુલાઈ 3, 1998 થી આ કામચલાઉ યાદીમાં હતું. એટલે કે અંતિમ વર્લ્ડ હેરિટેજ ટેગ મેળવવામાં 28 વર્ષ નો સમય લાગ્યો!
નવા ઉમેરાયેલા અન્ય વૈશ્વિક સ્થળો
બુસાન બેઠકમાં સારનાથ ઉપરાંત વિશ્વના અન્ય પ્રખ્યાત સ્થળોને પણ સ્થાન મળ્યું છે.
- બીજા વિશ્વયુદ્ધના ડી-ડે લેન્ડિંગ બીચ
- ગ્રીસનો આઇકોનિક માઉન્ટ ઓલિમ્પસ
- જાપાનની પ્રાચીન રાજધાની અસુકા અને ફુજીવારા
- દક્ષિણ સુદાનનું બોમા-બડિંગિલો સ્થળાંતરિત લેન્ડસ્કેપ
હાલ વિશ્વના 170 દેશોના 1,200થી વધુ સ્થળો આ યાદીમાં છે, જેમાં 972 સાંસ્કૃતિક, 235 કુદરતી અને 41 મિશ્ર સ્થળો સામેલ છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવાના ફાયદા અને પડકારો
યુનેસ્કો ટેગ મળવાથી સ્થળની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધે છે, સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓનું આગમન વધે છે અને પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળે છે.
જોકે, વધુ પડતું પર્યટન ક્યારેક સમસ્યા પણ સર્જે છે. જેમ કે સ્લોવાકિયાના ‘વ્લોકોલિનેક’ ગામને 1993માં વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયા બાદ પ્રવાસીઓનો અતિશય ઘસારો વધતા સ્થાનિક લોકોની પ્રાઇવસી પર માઠી અસર પડી હતી.
ભારતની 45 હેરિટેજ સાઇટ્સમાં ગુજરાતનો ફાળો
ગુજરાતના 4 સ્થળ- ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય પાર્ક (2004), રાણીની વાવ-પાટણ (2014), ઐતિહાસિક અમદાવાદ શહેર (2017) અને ધોળાવીરા (2021) ને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. આ ઉપરાંત તાજમહેલ, અજંતા-ઇલોરાની ગુફાઓ, કોણાર્કનું સૂર્ય મંદિર, શાંતિનિકેતન અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવી કુલ 45 ભારતીય સાઇટ્સ આ વૈશ્વિક યાદીમાં ભારતનું ગૌરવ વધારી રહી છે.









