India

'કોંગ્રેસથી સાવધ રહેજો', મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઇતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહાર

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરતો 'મહિલા અનામત અધિનિયમ 2023' ગુરુવારથી અમલી બની ગયો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ કાયદાના અમલીકરણને લઈને બહુજન સમાજ પાર્ટી(બસપા)ના વડા માયાવતીએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સાત મુદ્દાઓ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે

Summarized by AI; it may make mistakes. Check important info

'કોંગ્રેસથી સાવધ રહેજો', મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઇતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહાર
(IMAGE - IANS)

Mayawati on Women Reservation Bill: લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરતો 'મહિલા અનામત અધિનિયમ 2023' ગુરુવારથી અમલી બની ગયો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ કાયદાના અમલીકરણને લઈને બહુજન સમાજ પાર્ટી(બસપા)ના વડા માયાવતીએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સાત મુદ્દાઓ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

માયાવતીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ આજે મહિલા અનામતમાં SC, ST અને OBC વર્ગની વાત કરી રહી છે, તે જ પાર્ટીએ કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં ક્યારેય આ વર્ગોના અનામત કોટાને પૂરો કરવાની પહેલ કરી નહોતી. તેમણે વધુમાં ઉમેર્યું કે મંડલ કમિશનના રિપોર્ટ મુજબ OBC સમાજને શિક્ષણ અને નોકરીમાં 27% અનામત અપાવવા માટે પણ બસપાએ પ્રયત્નો કરવા પડ્યા હતા, ત્યારે તત્કાલીન વી.પી. સિંહની સરકારે તેને અમલમાં મૂક્યો હતો.

બસપાએ લીધેલા નિર્ણયોની અપાવી યાદ

સમાજવાદી પાર્ટી(સપા) પર પ્રહાર કરતાં માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પછાત મુસ્લિમોને OBCનો લાભ આપવા માટેનો રિપોર્ટ સપા સરકારે ઠંડે બસ્તે નાખી દીધો હતો, જેને જૂન 1995માં બસપાની સરકારે આવતાની સાથે જ લાગુ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે સપા જ્યારે સત્તામાં નથી હોતી ત્યારે અલગ વલણ અપનાવે છે અને સત્તામાં હોય ત્યારે જાતિવાદી વલણ દાખવે છે.

આ પણ વાંચો: મહિલા અનામત પર આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, નંબર ગેમમાં ફસાઈ મોદી સરકાર?

2011ની જનગણના મુજબ પરિસીમણ કરવાની સલાહ

પરિસીમણ અને જનગણનાના મુદ્દે માયાવતીએ સ્પષ્ટ કર્યું કે જો આ અનામતને વહેલી તકે લાગુ કરવું હોય તો 2011ની જનગણનાને આધારે જ પરિસીમણ કરવું જોઈએ. તેમણે છેલ્લે SC, ST, OBC અને મુસ્લિમ સમાજને સલાહ આપી હતી કે હાલમાં મહિલા અનામતમાં જે કંઈ મળી રહ્યું છે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈના બહેકાવવામાં આવ્યા વગર આત્મનિર્ભર બનવા પર ધ્યાન આપવું જોઈએ.