એકતરફી ટેરિફ કે આર્થિક દબાણ નહીં ચાલે: બ્રિક્સ સમિટમાં 'નવી દિલ્હી ડિક્લેરેશન' સર્વસંમતિથી પાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BRICS New Delhi Declaration Passed Unanimously: નવી દિલ્હી ખાતે આયોજિત BRICS સમિટના અંતે સભ્ય દેશોએ સર્વસંમતિથી ઐતિહાસિક New Delhi Declaration જાહેર કર્યું છે. આ જોઇન્ટ ડિક્લેરેશનમાં વૈશ્વિક વેપારને નુકસાન પહોંચાડતા એકતરફી ટેરિફ અને બળજબરીપૂર્વકના આર્થિક પગલાં સામે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું ઉલ્લંઘન કરતા ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો સામે સ્પષ્ટ ચેતવણી આપતાં BRICS જૂથે આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ લેવાતા એકતરફી પગલાંઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે.

આ સાથે જ, ઘોષણાપત્રમાં વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષોને રોકવા માટે મૂળ કારણોને ઉકેલવા, પરમાણુ યુદ્ધના વધતા જોખમો સામે સાવચેત રહેવા અને તમામ આંતરરાષ્ટ્રીય વિવાદોને માત્ર સંવાદ, સલાહ-મસલત અને કૂટનીતિ દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

વૈશ્વિક વેપાર અને એકતરફી ટેરિફ સામે આકરું વલણ
- વિશ્વ વેપાર સંગઠનના નિયમોની વિરુદ્ધ જઈને લાદવામાં આવતા એકતરફી ટેરિફ અને નોન-ટેરિફ નિયંત્રણો વૈશ્વિક વેપારને વિકૃત કરે છે.
- આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરીને લાદવામાં આવતા એકતરફી આર્થિક પ્રતિબંધો અને બળજબરીપૂર્વકના પગલાં અસ્વીકાર્ય છે.
- કોઈપણ વૈશ્વિક સમસ્યાના ઉકેલ માટે તમામ દેશોના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ અને હિતોનું સન્માન કરતી બહુપક્ષીય પદ્ધતિ જ શ્રેષ્ઠ છે.
નાણાકીય સહયોગ અને ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ
ઘોષણાપત્રમાં સભ્ય દેશો વચ્ચે સ્થાનિક ચલણ અને ક્રોસ-બોર્ડર પેમેન્ટ નેટવર્કને વ્યવહારુ બનાવવા માટે ચાલી રહેલી વાટાઘાટોને ચાલુ રાખવા પ્રોત્સાહિત કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય વેપાર કોઈપણ એક કરન્સી કે પશ્ચિમી પેમેન્ટ સિસ્ટમના જોખમથી મુક્ત રહી શકે.

નવી દિલ્હી ઘોષણાપત્રમાં લેવાયેલા મુખ્ય સંકલ્પો
- યુદ્ધ નિવારણ અને મૂળ કારણોનો ઉકેલ: સંઘર્ષો અને તણાવ અટકાવવાના પ્રયાસો ઝડપી બનાવવા પડશે. આ માટે વિવાદોની મૂળ વજહ સુધી પહોંચી તેને ઉકેલવા પર ભાર મુકાયો છે.
- સંવાદ અને કૂટનીતિ જ એકમાત્ર માર્ગ: આંતરરાષ્ટ્રીય સ્તરના તમામ વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન માત્ર વાતચીત, પરસ્પર સલાહ-મસલત અને રાજદ્વારી માર્ગે જ થવું જોઈએ.
- એકતરફી ટેરિફ અને આર્થિક દબાણનો વિરોધ: WTOના નિયમોનું ઉલ્લંઘન કરતા એકતરફી ટેરિફ અને નોન-ટેરિફ નિયંત્રણો સામે ઊંડી ચિંતા દર્શાવાઈ છે. આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ જઈને લાદવામાં આવતા આર્થિક દબાણવાળા પગલાંઓની આકરી નિંદા કરાઈ છે.
- પરમાણુ જોખમ સામે સાવચેતી: વિશ્વમાં વધી રહેલા પરમાણુ ટકરાવ અને ન્યુક્લિયર ખતરા સામે સભ્ય દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
- ક્રોસ-બોર્ડર પેમેન્ટ સિસ્ટમ: સભ્ય દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં વ્યવહારો સરળ બનાવવા અને સીમા પાર પેમેન્ટ્સને સરળ કરવા વ્યવહારુ પગલાં લેવા પર ચર્ચા ચાલુ રહેશે.
- ગ્લોબલ સપ્લાય ચેઈન અને ઊર્જા પ્રવાહ: વૈશ્વિક વેપાર, સપ્લાય ચેઈન અને એનર્જીની અવિરત હેરફેર જાળવી રાખવા BRICS દેશો સાથે મળીને કામ કરશે.
ગ્લોબલ સાઉથ હવે નિયમો નક્કી કરશે: PM મોદીએ
સમિટના આ સત્રના સમાપનમાં વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ગ્લોબલ સાઉથને માત્ર નવી ટેકનોલોજી મેળવવામાં જ નહીં, પરંતુ તેના વૈશ્વિક નિયમો અને માપદંડો નક્કી કરવાની પ્રક્રિયામાં પણ સમાન ભાગીદારી મળવી જોઈએ.




