- રાત્રે ઉંઘી રહેલા પરિવારના ઘર પર બોમ્બ ફેંકાતા લોકોમાં ભારે રોષ
- 2023 માં જ્યાંથી હિંસાની શરૂઆત થઇ ત્યાં જ તંગદિલી : બે ક્રૂડ ઓઇલ ટેન્કર, એક ટ્રક સહિત અનેક વાહનો આગ હવાલે
- ટોળાને વિખેરવા ગોળીબાર કરાયો, પાંચ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરાઇ, સુરક્ષાદળો તૈનાત
ઇમ્ફાલ : મણિપુરમાં ફરી હિંસા ભડકી હતી, વિષ્ણુપુર જિલ્લામાં સોમવારે રાત્રે કેટલાક શંકાસ્પદ ઉગ્રવાદીઓએ રોકેટ અને મિસાઇલો સાથે હુમલો કર્યો હતો. જેમાં બે બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે તેમની માતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા હતા અને હિંસા ભડકી ઉઠી હતી. ટોળાને વિખેરવા માટે બાદમાં સુરક્ષાદળ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો જ્યારે પ્રશાસને ચાર જિલ્લામાં કરફ્યૂ લાગુ કર્યો હતો.
સુરક્ષાદળો દ્વારા કરાયેલા આ ગોળીબારમાં અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. જેથી હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ, કાકચિંગ, વિષ્ણુપુર સહિત પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સર્વિસ થોડા સમય માટે અટકાવી દીધી હતી. જ્યારે ચાર જિલ્લામાં કરફ્યુ લદાયો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ટ્રોંગલાઓબી વિસ્તારમાં રાત્રે એક વાગ્યે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બોમ્બ ફેકતા પાંચ વર્ષના યુવક અને છ મહિનાની બાળકીનું મોત નિપજ્યું હતું. આ ધમાકો એટલો વિકરાળ હતો કે જે રૂમમાં બાળક અને તેની માતા ઉંઘી રહ્યા હતા તેનો નાશ પામ્યો હતો. બોમ્બ બ્લાસ્ટના મામલાની તપાસ એનઆઇએને સોંપવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
ઘર પર બોમ્બ બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારના નાગરિકોમાં ભય ફેલાયો છે, પરિણામે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. એટલુ જ નહીં બે ક્રૂડ ઓઇલ ટેન્કરો અને એક ટ્રક સહિત અનેક વાહનોને ટોળાએ આગ લગાવી દીધી હતી. જ્યારે એક પોલીસ ચોકી પર પણ હુમલો કરાયો હતો અને ભારે તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે પ્રદર્શનકારીઓ બેકાબુ થઇ ગયા ત્યારે ગોળીબાર કરવો પડયો હતો. જે વિસ્તારમાં આ ઘટનાઓ અને હિંસા ફાટી નીકળી તે ચુરાચંદપુર જિલ્લાની નજીક આવેલો છે જ્યાં ત્રણ મે ૨૦૨૩માં મણિપુર હિંસાની શરૂઆત થઇ હતી. મુખ્યમંત્રી વાઇ. ખેમચંદસિંહે આ હુમલાની ટીકા કરી હતી અને સમગ્ર મામલાની તપાસ એનઆઇને સોપવા નિર્ણય લીધો છે.


