'સરહદોના બંધન' તૂટ્યા! પાકિસ્તાનથી 150 દુલ્હનો ભારત પહોંચી, અમદાવાદ સહિતના શહેરોમાં લગ્ન સંપન્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistani Brides India Marriage : ઓપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ બાદ સરહદો બંધ થઈ જતાં અનેક યુગલોના લગ્ન અદ્ધરતાલ થઈ ગયા હતા. વાઘા-અટારી બોર્ડર બંધ થઈ જવાને કારણે આમને-સામને અવરજવર મુશ્કેલ બની ગઈ હતી, પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ખાસ છૂટછાટના કારણે આશરે 150 જેટલી પાકિસ્તાની દુલ્હનો મસ્કટ, કોલંબો, ઢાકા, દુબઈ અને કતાર થઈને કનેક્ટિંગ ફ્લાઇટ્સ દ્વારા ભારત પહોંચી હતી. આ યુવતીઓ પોતાના પરિવારો સાથે નાગપુર, જોધપુર, અમદાવાદ, રાયપુર, પુણે અને ભોપાલ જેવા શહેરોમાં આવીને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ હતી.
450 થી વધુ સગાંઓ સાથે સાદગીપૂર્ણ લગ્ન
ભારતના વીઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકો સામાન્ય રીતે વાઘા બોર્ડરથી સીધા આવી શકે છે, પરંતુ જમીની સરહદ બંધ હોવાથી તેમને હજારો કિલોમીટરનો ફરતો હવાઈ પ્રવાસ કરવો પડ્યો હતો. એપ્રિલથી જૂન વચ્ચે દુલ્હનો સાથે તેમના આશરે 450 સગાં-સંબંધીઓ પણ ભારત આવ્યા હતા. નિયમો મુજબ સગાંઓએ નક્કી કરેલી સમયમર્યાદામાં પરત ફરવું જરૂરી હોવાથી આ તમામ લગ્ન ખૂબ જ સાદગીથી યોજાયા હતા.
વાઘા બોર્ડરથી માત્ર 1 કિમી દૂર રોકાવું પડ્યું હતું
ભારતમાં લાંબા સમયના વીઝા પર રહેતા ઇનકેશ જશનાનીની સગાઈ અગાઉ જ થઈ ચૂકી હતી. તેમની મંગેતર આરતી મે 2025 માં સિંધના ખાનપુરથી વાઘા બોર્ડરથી માત્ર 1 કિમી દૂર પહોંચી ગઈ હતી, પરંતુ બોર્ડર બંધ થઈ જતાં તેને અટકી જવું પડ્યું હતું. આશરે 1 વર્ષથી વધુ સમયની રાહ જોયા બાદ આરતી મસ્કટ થઈને નાગપુર પહોંચી હતી અને માર્ચમાં તેના લગ્ન સંપન્ન થયા હતા. વીઝાની પાબંદીઓને કારણે માત્ર તેનો ભાઈ જ સાથે આવી શક્યો હતો, જ્યારે માતા-પિતા પાકિસ્તાનમાં જ રહી ગયા હતા.
દુલ્હન જ નહીં, પાકિસ્તાનથી વરરાજા પણ ભારત આવ્યો
આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે માત્ર દુલ્હનો જ નહીં પરંતુ વરરાજા પણ ભારત આવ્યા છે. સિંધના ઘોટકીથી રાભેલ જસવાણી પોતાના માતા-પિતા સાથે નાગપુરમાં શ્રેયા સાથે લગ્ન કરવા માટે ભારત આવ્યા હતા. લગ્ન બાદ તેઓ હાલ ભારતમાં જ સ્થાયી થયા છે. રાભેલ જણાવે છે કે તેઓ ભારતમાં જ વસવાટ કરવા માંગે છે અને ભવિષ્યમાં સરહદો ખુલતાં પોતાના પરિવારના અન્ય સભ્યોને પણ અહીં લાવવા ઈચ્છે છે.









