Get The App

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું - 'એવું ન થાય કે..'

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
Kumar Vishwas Advice to BJP
(IMAGE - IANS)

Kumar Vishwas Advice to BJP: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હવે રાજ્યમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ બની છે. ભાજપ આગામી 9 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજવાની યોજના બનાવી રહ્યું છે. આ ઐતિહાસિક ક્ષણ પહેલા જાણીતા કવિ કુમાર વિશ્વાસે ભાજપને એક સૂચક સલાહ આપી છે. તેમણે ચેતવણી આપી છે કે સરકારમાં એવા લોકોનો સમાવેશ ન થવો જોઈએ જેઓ માત્ર સત્તા માટે પક્ષ બદલતા રહે છે.

સત્તા પરિવર્તન અને કુમાર વિશ્વાસની સલાહ

કુમાર વિશ્વાસે ભાજપની નવી સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આ વિજય જે કાર્યકરોના બલિદાન અને સંઘર્ષને કારણે મળ્યો છે, ખરા અર્થમાં તેમનું જ સન્માન જળવાવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે લોકો અગાઉ ડાબેરી શાસનમાં સક્રિય હતા અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા, જો એવા જ તકવાદી લોકો ફરીથી પક્ષ બદલીને ભાજપમાં આવી જશે તો બંગાળની જનતાની મુશ્કેલીઓનો ક્યારેય અંત નહીં આવે. સત્તા મેળવવા માટે વેશ બદલનારા આવા લોકોથી બંગાળને બચાવવું અત્યંત મહત્ત્વનું છે.

મમતા બેનરજીની હાર અને લોકશાહીની મર્યાદા

મમતા બેનરજીના રાજીનામાના મુદ્દે કુમાર વિશ્વાસે ભારપૂર્વક જણાવ્યું કે લોકશાહીમાં નિયમોનું પાલન થવું જોઈએ. જે પક્ષ પાસે સૌથી વધુ ધારાસભ્યો હોય, રાજ્યપાલ તેમના નેતાને જ સત્તા સોંપતા હોય છે. તેમણે મમતા બેનરજીને આ પરાજય પર મંથન કરવાની સલાહ આપતા કટાક્ષ કર્યો કે, મમતાએ જે અનિષ્ટ શક્તિઓ સામે લડત શરૂ કરી હતી, કાળક્રમે એ જ તત્વો તેમની પાર્ટીમાં ભળી ગયા હતા. કુમાર વિશ્વાસના મતે, આ જ બાબત તેમની હાર માટે જવાબદાર છે અને હવે બંગાળના રાજકારણમાં નૈતિકતા જળવાય તે ઘણું મહત્ત્વનું છે.

આ પણ વાંચો: VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો

અતિની સામે પ્રજાનો દંડ

મમતા બેનરજીની હાર પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે 'અતિ સર્વત્ર વર્જયતે'. જ્યારે કોઈ નેતા નિરંકુશ બનીને સમાજની ભાવનાઓને સતત ઠેસ પહોંચાડે છે, ત્યારે પ્રજા આ પ્રકારે જ દંડ આપે છે. તેમણે પોતાનો વ્યક્તિગત અનુભવ પણ શેર કર્યો હતો કે કેવી રીતે બંગાળમાં બે મહિના પહેલા તેમના પાંચ કાર્યક્રમો કોઈ પણ કારણ વગર રદ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા ખાનગી જગ્યાએ પણ કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

9 મેના રોજ શપથ ગ્રહણની તૈયારી

પશ્ચિમ બંગાળમાં 207 બેઠકો પર પ્રચંડ જીત મેળવ્યા બાદ ભાજપ પ્રથમ વખત રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે. 9 મેના રોજ યોજાનારા આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. બંગાળના રાજકારણમાં આ ફેરફાર ઘણો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. પોલીસ અને તંત્ર દ્વારા પણ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું - 'એવું ન થાય કે..' 2 - image