ભાજપ સાંસદની પુત્રીએ ધર્મેન્દ્ર પ્રધાન અંગે ચોંકાવનારી પોસ્ટ કરતાં ખળભળાટ, ઈન્સ્ટા એકાઉન્ટ બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Archita Rahar Instagram Deleted : કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભુવનેશ્વરના ભાજપ સાંસદ અપરાજિતા સારંગીની પુત્રી અર્ચિતા સચિન રાહરની સોશિયલ મીડિયા પોસ્ટ વિવાદનું કારણ બની છે. આ પોસ્ટ બાદ ઓડિશા ભાજપના અનેક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી, અને પાર્ટી અનુશાસનનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહરે પાછળથી કરેલી બીજી પોસ્ટમાં પણ પોતાનું વલણ ન બદલવાની વાત કહી હતી, જોકે બાદમાં તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું હતું.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, ભુવનેશ્વરના ભાજપ સાંસદ અપરાજિતા સારંગીની પુત્રી અર્ચિતા સચિન રાહરની સોશિયલ મીડિયા પોસ્ટે ઓડિશા ભાજપમાં નારાજગી ઊભી કરી છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વચ્ચે આ પોસ્ટને લઈને ચર્ચા તેજ બની છે. રાહરે ઈન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રીય ધ્વજની પૃષ્ઠભૂમિમાં ધર્મેન્દ્ર પ્રધાનની તસવીર શેર કરતા લખ્યું કે, 'નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું.' જોકે, હવે અર્ચિતા રાહરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું છે.
પુત્રીની પોસ્ટ પર સાંસદ કાર્યાલયની પ્રતિક્રિયા
બીજી તરફ, ઓડિશા ભાજપના નેતાઓ, જેમાં તેમની માતા અપરાજિતા સારંગી પણ સામેલ છે, તેમણે ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. સાંસદના કાર્યાલય સહાયક ધનેશ્વર બારિકે પીટીઆઈ સાથે ફોન પર વાતચીતમાં જણાવ્યું કે, 'દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. તેમની પુત્રી પણ Gen-Z પેઢીની છે, અને તેણે કહ્યું છે કે, તે પોતાના નિવેદન પર કાયમ છે. તેને પોતાની વાત કહેવાનો પૂરો હક છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું રાહરની સોશિયલ મીડિયા પોસ્ટથી ભુવનેશ્વરના સાંસદ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, તો બારિકે કહ્યું, 'એ તો સમય જ બતાવશે.' જોકે, આ મુદ્દે પ્રતિક્રિયા આપવા માટે બે વારના સાંસદ અપરાજિતા સારંગી ઉપલબ્ધ થઈ શક્યા નહોતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યાલયથી ફોન આવ્યા બાદ, સાંસદે તેમની પુત્રીને પોસ્ટ હટાવવા માટે કહ્યું હતું. જોકે, લાંબા સમય સુધી આ પોસ્ટ તેમની પ્રોફાઈલ પર રહી હતી, અને બાદમાં તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું હતું.
અર્ચિતા સચિન રાહરે શું પોસ્ટ કરી હતી?
રાહરે બીજી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, 'ડીપી (ધર્મેન્દ્ર પ્રધાન)ના અંગત સહાયક, જેઓ મારી માતાને મારી અગાઉની સ્ટોરી હટાવવા માટે મેસેજ મોકલવાના છે, (આવું પહેલા પણ થઈ ચૂક્યું છે), તેમને કહેવા માંગુ છું કે હેરાન ન થાઓ. હું આને નહીં હટાવું. જય જગન્નાથ! જય હિંદ!' પુત્રીના પોતાના વલણ પર કાયમ રહ્યા બાદ અપરાજિતા સારંગીએ શનિવારે રાત્રે 'X' પર લખ્યું, 'ધર્મેન્દ્ર પ્રધાને આજે પોતાનું રાજીનામું સોંપી દીધું છે. નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું એ બહુ મોટી હિંમતનું કામ છે. આ મુશ્કેલ સમયમાં હું તેમની સાથે છું. આગામી દિવસો માટે તેમને મારી શુભેચ્છાઓ. ભગવાન જગન્નાથ તેમના પર કૃપા બનાવી રાખે.'
ઓડિશા ભાજપના નેતાઓએ વ્યક્ત કરી નારાજગી
ઓડિશા ભાજપના નેતાઓએ રાહરની પોસ્ટની ટીકા કરી હતી. ભુવનેશ્વર સેન્ટ્રલ વિધાનસભા બેઠક પરથી 2024ની ચૂંટણી હારેલા ભાજપ નેતા જગન્નાથ પ્રધાને કહ્યું, 'પ્રધાન આ માટીના પુત્ર છે. તેમના રાજીનામાથી અમને ઊંડું દુઃખ પહોંચ્યું છે. ઓડિશાના લોકોએ બિહારની પુત્રી (અપરાજિતા)નું સ્વાગત કર્યું, અને તેમને બે વાર સાંસદ બનાવ્યા.' તેમણે વધુમાં ઉમેર્યું કે, 'સારંગીએ પોતાના પરિવારના સભ્યો પર નિયંત્રણ રાખવું જોઈએ. તેમની પુત્રીએ પ્રધાન સામે જે ટિપ્પણી કરી છે, તે માટે તેમણે ઓડિશાની માફી માંગવી જોઈએ. એક શિક્ષિત વ્યક્તિ હોવાના નાતે સાંસદની પુત્રીએ ધર્મેન્દ્ર પ્રધાન જેવા નેતા સામે આવા નિવેદનો ન આપવા જોઈએ.'
ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, 'ભાજપ એક પરિવાર છે, અને જ્યારે પણ પરિવારનો કોઈ સભ્ય મુશ્કેલીમાં હોય, ત્યારે સૌએ તેની સાથે ઊભા રહેવું જોઈએ. સારંગીની પુત્રીનું પાર્ટીના વરિષ્ઠ નેતા સામે જવું, એ ભાજપ જેવા શિસ્તબદ્ધ પક્ષમાં સ્વીકાર્ય નથી.' આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.









