India

જમ્મુ-કાશ્મીરમાં ગોળીઓથી વીંધી નાખેલા બે શહીદ પોલીસ અધિકારીઓના મૃતદેહ ડમ્પરમાં લવાયા, કોંગ્રેસ ભડકી

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકી હુમલામાં શહીદ થયેલા 2 SPO જવાનોના પાર્થિવ દેહને ડમ્પરમાં લાવવાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે અધિકારીઓ પર આક્ષેપ કર્યો કે જવાનોના દેહને તાબૂત વગર ડમ્પરમાં લવાયા, જે શહીદોનું અપમાન છે. કોંગ્રેસે પણ આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા. શુક્રવારે કરિયાર ગામે અંતિમ સંસ્કાર કરાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જમ્મુ-કાશ્મીરમાં ગોળીઓથી વીંધી નાખેલા બે શહીદ પોલીસ અધિકારીઓના મૃતદેહ ડમ્પરમાં લવાયા, કોંગ્રેસ ભડકી

Jammu Kashmir 2 SPO Died News : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરાયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ના પાર્થિવ દેહને તેમના વતન પહોંચાડવાની પદ્ધતિને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કિશ્તવાડથી ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે અધિકારીઓ સામે આક્ષેપ કર્યો છે કે બંને શહીદ જવાનોના નશ્વર દેહને કોઈ પણ પ્રકારના તાબૂત (કોફિન) વગર સીધા ડમ્પરમાં રાખીને તેમના પૈતૃક ગામ લાવવામાં આવ્યા હતા, જે ડ્યુટી દરમિયાન શહીદ થયેલા જવાનોનું સીધું અપમાન છે. શુક્રવારે કિશ્તવાડના કરિયાર ગામે બંને જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પવન ખેડાના ગૃહમંત્રી શાહ પર પ્રહાર

જમ્મુ-કાશ્મીરના કિસ્તવાડમાં આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ જવાનોના પાર્થિવ દેહને ડમ્પરમાં લાવવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. પવન ખેડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, બ્રિટિશરોને દયાની અરજીઓ લખવાના ઇતિહાસ સાથે જોડાયેલી વૈચારિક પૃષ્ઠભૂમિમાંથી આવતા અમિત શાહ ક્યારેય કોઈ શહીદના બલિદાનનું મહત્ત્વસમજી શકતા નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ જ કારણ છે કે તેમના શાસનમાં શહીદોના પાર્થિવ શરીરને કોફિન વગર ડમ્પર ટ્રકમાં લાવવામાં આવે છે.

અંતિમ સંસ્કાર દરમિયાન ભાવુક થયા ધારાસભ્ય

શુક્રવારે કરિયાર ગામે યોજાયેલા અંતિમ સંસ્કાર વખતે ભાજપના ધારાસભ્ય શગુન પરિહાર અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શગુન પરિહાર અત્યંત ભાવુક થઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પર રોષે ભરાતા નજરે પડે છે. તેમણે આકરી નારાજગી વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે દેશ માટે જીવ આપનાર જવાનો સાથે આવું અસન્માનજનક વર્તન કેમ કરવામાં આવ્યું?

બુધવારથી લાપતા હતા બંને જવાનો

ઉલ્લેખનીય છે કે બુધવારે બપોરે મારવાહના દેહરના જંગલ વિસ્તારમાં ગોળીબારની સૂચના મળ્યા બાદ રશપાલ સિંહ અને બોબી ચંદ નામના આ બંને SPO લાપતા થઈ ગયા હતા. ગુરુવારે સવારે સુરક્ષાદળોને જંગલમાંથી બંનેના ગોળીઓથી વિંધાયેલા શબ મળી આવ્યા હતા, જ્યારે તેમની સર્વિસ રાઇફલ્સ પણ ગાયબ હતી. બંને જવાનો સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) નો ભાગ હતા અને આતંકી ઘટના બાદ હાલ સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારમાં હુમલાખોરોની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.