India

ભાજપ નેતા ગરબામાં મુસ્લિમો અંગે બોલતા ભાન ભૂલ્યાં, વિવાદ થતાં સ્પષ્ટતા કરવી પડી

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
મધ્યપ્રદેશમાં ભાજપ નેતા રામેશ્વર શર્માએ ગરબામાં મુસ્લિમ યુવકોના પ્રવેશને લઈ વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે, જો મુસ્લિમ યુવકોને ગરબા રમવાનો શોખ હોય તો પોતાના પરિવારની મહિલાઓને પણ સાથે લઈને આવે. કોંગ્રેસે શર્મા પર નિશાન સાધતા, આરિફ મસૂદે કહ્યું કે તેઓ માત્ર નફરત ફેલાવે છે. વિવાદ વધતા શર્માએ સ્પષ્ટતા કરી. આ ઉપરાંત, મંત્રી કૈલાશ વિજયવર્ગીયે પણ મહિલા કાઉન્સિલર વિશેની ટિપ્પણી બદલ માફી માંગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપ નેતા ગરબામાં મુસ્લિમો અંગે બોલતા ભાન ભૂલ્યાં, વિવાદ થતાં સ્પષ્ટતા કરવી પડી

BJP Leader Rameshwar Sharma Controversial Statement: મધ્ય પ્રદેશમાં ભાજપના નેતા રામેશ્વર શર્માએ ગરબામાં મુસ્લિમ છોકરાઓની એન્ટ્રીને લઈને એવી વાત કહી દીધી, જેના પર હવે રાજકારણ ગરમાયું છે. વાસ્તવમાં મધ્ય પ્રદેશમાં નવરાત્રિ દરમિયાન મોટા પાયે ગરબાનું આયોજન થાય છે. કેટલાક સંગઠનોએ ગરબામાં મુસ્લિમ છોકરાઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. રામેશ્વર શર્મા પણ આના સમર્થનમાં છે, પરંતુ તેઓ આવેશમાં શબ્દોની મર્યાદા ભૂલી ગયા. ભોપાલના એક કાર્યક્રમમાં રામેશ્વર શર્માએ કહ્યું કે, જો મુસ્લિમ છોકરાઓને ગરબા રમવાનો શોખ હોય તો પોતાના પરિવારની મહિલાઓને પણ સાથે લઈને આવે. ત્યારબાદ તેમણે જે શબ્દો કહ્યા તે વાંધાજનક અને અશોભનીય હતા.

કોંગ્રેસે શર્મા પર સાધ્યું નિશાન

રામેશ્વર શર્મા ભાજપના જૂના નેતા છે પરંતુ બડબોલા છે. ઘણીવાર પોતાના નિવેદનોના ચક્કરમાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને માફી માંગે છે. આજે પણ એવું જ થયું. તેમણે મુસ્લિમ બહેન-દીકરીઓ માટે અપમાનજનક વાત કહી તો કોંગ્રેસના નેતાઓએ તરત જ રામેશ્વર શર્માને ઘેર્યા. કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદે કહ્યું કે, રામેશ્વર શર્મા માત્ર નફરત ફેલાવે છે. આ વખતે તેમણે શબ્દોની તમામ મર્યાદા વટાવી દીધી છે. હજુ પણ સમય છે કે તેઓ સુધરી જાય, નહિતર તેમને સુધારી દેવામાં આવશે.

વિવાદ વધતાં આપવી પડી સ્પષ્ટતા

પોતાના નિવેદન પર વિવાદ વધતા રામેશ્વર શર્માએ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસી નેતાઓ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.' ત્યારબાદ રામેશ્વર શર્મા હિન્દુત્વ પર આવી ગયા. તેમણે કહ્યું, 'ગરબા પંડાલ હિન્દુઓ માટે પૂજાનું સ્થળ છે, જે લોકો મૂર્તિપૂજા નથી કરતા તેઓ બળજબરીથી ત્યાં શા માટે આવવા માંગે છે. જો તેમ છતાં કોઈને ગરબા આટલા પસંદ હોય, હિન્દુ રીત-રિવાજો અને તહેવારો પસંદ હોય તો પોતાનો ધર્મ બદલી લે અને પછી ખૂબ ગરબા રમે.' આ પછી રામેશ્વર શર્માએ આરિફ મસૂદને નિશાના પર લીધા અને કહ્યું કે, જો તેઓ પોતાની પર આવી ગયા તો આરિફ મસૂદને ભોપાલમાં સંતાવાની જગ્યા નહીં મળે.

રામેશ્વર શર્માએ બે દિવસ પહેલા પણ પોતાના નિવેદન માટે સ્પષ્ટતા આપવી પડી હતી. તે સમયે તેમણે કાઝી ચોક પર મિસાઈલ છોડવાની વાત કહી હતી. હવે ફરી સ્પષ્ટતા આપતા ફરી રહ્યા છે. જોકે, મધ્ય પ્રદેશમાં નિવેદનબાજીના ચક્કરમાં ફસાનારા રામેશ્વર શર્મા એકમાત્ર નેતા નથી.

પોતાના નિવેદન અંગે કૈલાશ વિજયવર્ગીયએ માગવી પડી માફી

મોહન યાદવની સરકારમાં મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ પણ આજે માફી માગવી પડી હતી. વાસ્તવમાં કૈલાશ વિજયવર્ગીય ઈન્દોરમાં વિકાસ કાર્યોની શરૂઆત કરવા ગયા હતા. આ દરમિયાન તેઓ વોર્ડની સમસ્યાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા. મંચ પર વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર સંધ્યા યાદવ પણ હાજર હતા. કૈલાશ વિજયવર્ગીયએ સંધ્યા યાદવ પર એવી ટિપ્પણી કરી, જેના કારણે તેમને ખુદ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

કૈલાશ વિજયવર્ગીયની આ ટિપ્પણીને કોંગ્રેસે મહિલાઓ પ્રત્યે ભાજપની વિચારસરણીનો પુરાવો ગણાવી દીધી. શોભા ઓઝાએ કહ્યું કે, 'મહિલાઓનું અપમાન કરવું એ ભાજપના નેતાઓની ટેવ બની ગઈ છે અને કૈલાશ વિજયવર્ગીયનું નિવેદન આનો પુરાવો છે.'

સંધ્યા યાદવ મારી દીકરી જેવી- કૈલાશ વિજયવર્ગીય

વાત વધી તો કૈલાશ વિજયવર્ગીયએ પહેલાં સ્પષ્ટતા આપી અને પછી માફી માગી. તેમણે કહ્યું કે સંધ્યા યાદવ મારી દીકરી જેવા છે. તેમણે હળવા-ફુલકા અંદાજમાં વાત કહી હતી પરંતુ તેને જે રીતે રજૂ કરવામાં આવી તે ખોટું છે. ત્યારબાદ તરત જ કાઉન્સિલર સંધ્યા યાદવે નિવેદન જાહેર કર્યું. તેમણે કહ્યું કે, 'કૈલાશ વિજયવર્ગીય મારા પિતા સમાન છે. તેમણે જે કહ્યું તે મજાકમાં કહ્યું છે અને તેને બિનજરૂરી મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.'