Get The App

'24 કલાકમાં પોસ્ટરથી ગુમ...' નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
'24 કલાકમાં પોસ્ટરથી ગુમ...' નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ 1 - image

Patna News: બિહારમાં સત્તા પરિવર્તન અને નવી સરકારના શપથ ગ્રહણ વચ્ચે નિવેદનબાજીએ જોર પકડ્યું છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. રોહિણીએ એક સરકારી જાહેરાતનું પોસ્ટર શેર કરીને તેને નીતિશ કુમારની ઘોર બેઇજ્જતી ગણાવી છે.

24 કલાકમાં જ પોસ્ટરોમાંથી ચાચાજી ગાયબ

રોહિણી આચાર્યએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, નીતિશ કુમારના રાજીનામાને હજુ 24 કલાક પણ નથી થયા અને તેમને સરકારી પોસ્ટરો તથા જાહેરાતોમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, રાજીનામા પહેલા નીતિશ કુમાર બિધકે (ડરી જાય) તેવો ડર હતો, તેથી તેમને તાડ પર ચઢાવવામાં આવી રહ્યા હતા. પરંતુ જેવા તેમણે રાજીનામું આપ્યું, કે તરત જ ગિર્ગિટની(કાચીંડા) જેમ રંગ બદલતી જમાતને હવે તેમની તસવીરથી પણ એલર્જી થવા લાગી છે.

આ પણ વાંચો : વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી

નીતિશ કુમારની હાલત કેચ-22 જેવી

રોહિણીએ નીતિશ કુમારની વર્તમાન સ્થિતિની સરખામણી ‘Catch-22’ સિચ્યુએશન સાથે કરી છે. આ એક એવી મુશ્કેલ પરિસ્થિતિ છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હોય છે. તેમણે એક જૂની કહેવતનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, દુવિધા મેં દોનો ગયે, માયા મિલી ન રામ. રોહિણીનો ઇશારો સ્પષ્ટ હતો કે, નીતિશ કુમારે સત્તા તો સોંપી દીધી છે, પણ હવે તેમને પહેલા જેવું સન્માન કે સત્તા પર પકડ મળશે નહીં.

ભાજપ પર પણ સાધ્યું નિશાન

માત્ર નીતિશ કુમાર જ નહીં, રોહિણીએ ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે સમ્રાટ ચૌધરી તરફ ઇશારો કરતાં કહ્યું કે, ભાજપને પોતાનો મુખ્યમંત્રી બનાવવા માટે એક ઘુમંતૂ (ભટકતા નેતા) જ મળ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્થાપનાના 46 વર્ષ પછી પણ ભાજપ બિહારમાં એવા નેતા તૈયાર કરી શકી નથી જે પોતાના દમ પર સરકાર બનાવી શકે અથવા મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે. બિહારમાં નવી સરકારની રચના સાથે જ શરૂ થયેલું આ પોસ્ટર વૉર અને રોહિણી આચાર્યના આકરા પ્રહારોથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.