India

VIDEO : નેપાળમાં પૂર બાદ બિહાર-યુપી ઍલર્ટ મોડ પર, NDRF તૈનાત: CMએ કહ્યું- ગભરાવાની જરૂર નથી, ગંડકમાંથી 3 મૃતદેહ મળ્યા

By GS Team
27 Aug 20263 mins read
TukuTouch Logo
નેપાળમાં સર્જાયેલી જળહોનારત બાદ બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પૂરનું સંકટ ઊભું થયું છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. NDRFની 9 ટીમો અને SSBના જવાનો તૈનાત કરાયા છે. ગંડક નદીના જળસ્તરમાં ઘટાડો થતાં હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. PM અને ગૃહમંત્રી પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : નેપાળમાં પૂર બાદ બિહાર-યુપી ઍલર્ટ મોડ પર, NDRF તૈનાત: CMએ કહ્યું- ગભરાવાની જરૂર નથી, ગંડકમાંથી 3 મૃતદેહ મળ્યા

Bihar Flood Alert : તિબેટ અને નેપાળમાં સર્જાયેલી ભારે જળહોનારત બાદ બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પૂરનું સંકટ ઊભું થતાં સમગ્ર વહીવટી તંત્ર હાઈ ઍલર્ટ પર આવી ગયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને બિહારના સરહદી વિસ્તારોમાં NDRF ની 9 ટીમો તેમજ SSB ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી વાલ્મીકિનગર બેરેજની મુલાકાત લીધી હતી. પીએમ અને ગૃહમંત્રી પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગંડક નદીના જળસ્તરમાં ઘટાડો થતાં હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી તંત્રએ લોકોને ગભરાવાની જરૂર નથી તેવી ખાતરી આપી છે.

મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ બગહા, વાલ્મીકિનગર, બેતિયા અને મોતીહારી સહિતના સરહદી વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે વાલ્મીકિનગર પહોંચીને ભારત-નેપાળ સરહદ પર આવેલા ગંડક બેરેજ અને દરવાજાઓનું જાત-નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી સતત સંપર્કમાં રહીને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. હાલ ગંડક નદીમાં પાણીનો પ્રવાહ ઘટીને નિયંત્રણ હેઠળ આવી ગયો છે, જેથી સ્થિતિ સુધરી રહી છે અને ચિંતાનો વિષય નથી.

બિહાર અને ઉત્તર પ્રદેશમાં NDRFની ટીમો તહેનાત

NDRFના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ માહિતી આપી હતી કે, ચીન અને નેપાળમાં પૂર આવ્યા બાદ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના સંકલન સાથે બિહાર અને ઉત્તર પ્રદેશમાં સંભવિત પૂરનું આકલન કરવામાં આવ્યું હતું. બિહાર સરકારની માગણી પર વધારાની ટીમો મોકલવામાં આવી છે અને હાલ બિહારમાં NDRFની 9 ટીમો કાર્યરત છે. ઉત્તર પ્રદેશના ગોરખપુર નજીક આવેલા કુશીનગર વિસ્તારમાં પણ પૂરની શક્યતાને જોતા એક ટીમ ત્યાં રવાના કરવામાં આવી છે.

વાલ્મીકિનગર બેરેજ પર SSB અને જળ સંસાધન વિભાગ સતર્ક

બગહામાં ગંડક બેરેજ પર જળ સંસાધન વિભાગ અને સશસ્ત્ર સીમા બલ (SSB)ની 21મી બટાલિયનના જવાનો હાઈ ઍલર્ટ પર છે. ટીમો દ્વારા નેપાળ તરફથી આવી રહેલા પાણીના પ્રવાહ અને તેની સાથે વહીને આવતા કાટમાળ પર 24 કલાક ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પૂર સુરક્ષા અને બચાવ કામગીરી માટે વાલ્મીકિનગર સરહદે SSB ના જવાનોએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

ગંડક નદીમાંથી 3 મૃતદેહો મળ્યા

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના નિચલૌલ વિસ્તારમાં ગંડક નદીમાંથી 3 મૃતદેહો મળી આવ્યા છે. SDRFના જવાનોના જણાવ્યા મુજબ, નેપાળમાં અચાનક આવેલા પૂરમાં તણાઈને આ મૃતદેહો સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં આવ્યા હોવાની શક્યતા છે.

મંત્રી દિલીપ કુમાર જયસ્વાલની અપીલ

બિહાર સરકારના મંત્રી દિલીપ કુમાર જયસ્વાલે જણાવ્યું હતું કે, તિબેટ અને નેપાળ થઈને બિહાર તેમજ ઉત્તર પ્રદેશ સુધી પહોંચેલું આ પૂર એક મોટી કુદરતી આપત્તિ છે. તેમણે કહ્યું કે નેપાળ અને ભારતના પ્રભાવિત વિસ્તારોમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે સૌએ પ્રાર્થના કરવી જોઈએ. આ મુશ્કેલ સમયમાં બધાએ સાથે મળીને આપત્તિનો સામનો કરવો જરૂરી છે.

ગંગા અને કોસી સહિતની નદીઓ ભયજનક સપાટીએ

નેપાળના જળગ્રહણ વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી, બૂઢી ગંડક અને ઘાઘરા નદીઓની જળસપાટીમાં વધારો થયો હતો. સરહદી જિલ્લાઓમાં ઘણી જગ્યાએ નદીઓ ભયજનક સપાટીને સ્પર્શી ગઈ હતી અથવા તો ચેતવણી સ્તર સુધી પહોંચી ગઈ હતી.

ગંડક નદીનું જળસ્તર ઘટતાં મોટો ખતરો ટળ્યો

બિહાર અને ઉત્તર પ્રદેશ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે ગંડક (નારાયણી) નદીના જળસ્તરમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. વાલ્મીકિનગર બેરેજ પર પાણીનો પ્રવાહ ઘટીને 81,000 થી 1.5 લાખ ક્યુસેકની વચ્ચે આવી ગયો છે. નેપાળની ત્રિશૂલી નદીનું પાણી નારાયણી નદીના માર્ગે સુરક્ષિત રીતે વહી જતાં પૂરનું મોટું જોખમ હાલ પૂરતું ટળી ગયું છે.

જિલ્લા વહીવટી તંત્રને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરવા આદેશ

બિહારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે તમામ જિલ્લા કલેક્ટરોને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ સંપૂર્ણ તૈયારી રાખવા સૂચના આપી છે. કોઈપણ સ્થળે અચાનક પૂરની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રાહત-બચાવ શરૂ કરવા સાધનો તૈયાર રાખવા, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને પૂરતી રાહત સામગ્રી ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપ્યા છે.