India

ફોર્મ-6 વિવાદમાં મોટો વળાંક! રાહુલ ગાંધીના દાવાને ચૂંટણી પંચે ગણાવ્યો ભ્રામક, કહ્યું- SIRનો આદેશ સર્વસંમતિથી થયો હતો

By GS Team
5 Oct 20263 mins read
TukuTouch Logo
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના ફોર્મ-6 વિવાદ અંગેના દાવાને ભ્રામક ગણાવ્યો છે. રાહુલે આરોપ લગાવ્યો હતો કે, મુખ્ય ચૂંટણી કમિશનરે ગેરકાયદેસર રીતે ફોર્મ-6 માં ફેરફાર કર્યો છે. પંચે સ્પષ્ટતા કરી કે, બિહારમાં મતદાર યાદી સુધારણા માટેનો આદેશ સર્વાનુમતે મંજૂર કરાયો હતો, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે. પંચે કહ્યું કે, મૂળ ફોર્મ-6 માં કોઈ સુધારો કરાયો નથી, માત્ર વધારાનું ડિક્લેરેશન જોડવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફોર્મ-6 વિવાદમાં મોટો વળાંક! રાહુલ ગાંધીના દાવાને ચૂંટણી પંચે ગણાવ્યો ભ્રામક, કહ્યું- SIRનો આદેશ સર્વસંમતિથી થયો હતો

EC Slams Rahul Gandhi Over Form 6 Row : મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન ફોર્મ-6 માં કરાયેલા કથિત ફેરફારોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સોમવારે એક 'ફેક્ટ ચેક' જારી કર્યું છે. ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એ દાવાને ભ્રામક ગણાવ્યો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગેરકાયદે અને એકતરફી રીતે ફોર્મ-6 માં ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ માટે 24 જૂન 2025ના રોજ જારી કરાયેલા આદેશને પંચની સર્વાનુમતે મંજૂરી મળી હતી અને બાદમાં 27 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં તેને માન્ય રાખ્યો હતો.

ચૂંટણી પંચે જૂના પ્રેસ નોટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આપ્યો હવાલો

ચૂંટણી પંચે 26 સપ્ટેમ્બર 2026ની પોતાની પ્રેસ નોટ નંબર 120ના મુદ્દા નંબર 1(iii)નો ઉલ્લેખ કર્યો હતો. પંચે જણાવ્યું કે, SIR પ્રક્રિયા માટે ફોર્મ-6 સાથે જોડવામાં આવેલા ડિક્લેરેશનને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચનો આ ખુલાસો રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટ બાદ આવ્યો છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણીનો હવાલો આપીને આરોપ લગાવ્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનરે ગેરકાયદે અને મનસ્વી રીતે ફોર્મ-6 માં ફેરફાર કરી દીધો છે.

રાહુલ ગાંધીના દાવા સામે ભાજપનો પલટવાર

ભાજપના નેતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર ફોર્મ-6 અને બિહાર SIR મામલે દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે ભાજપને ફાયદો પહોંચાડવા માટે ચૂંટણી પંચે ફોર્મ-6 માં ગેરકાયદેસર બદલાવ કર્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં આવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. સંબિત પાત્રાએ ખાસ વાંધો ઉઠાવતા કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એકપક્ષીય રીતે કોઈ ફેરફાર કર્યો નથી અને સુપ્રીમ કોર્ટે પણ ફોર્મ-6 ને ગેરકાયદે જાહેર કર્યું નથી.

ફોર્મ-6 માં કોઈ ફેરફાર કરાયો નથી: ચૂંટણી પંચના અધિકારીઓ

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ચૂંટણી પંચના અધિકારીઓએ વિગત આપતાં કહ્યું કે મૂળ ફોર્મ-6 માં કોઈ સંશોધન કે સુધારો કરવામાં આવ્યો નથી. માત્ર બિહાર SIR આદેશ હેઠળ આ ફોર્મ સાથે વધારાનું એક ડિક્લેરેશન (બાંહેધરી પત્ર) જોડવામાં આવ્યું છે. આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટની સોમવારની એ ટિપ્પણી બાદ સામે આવી છે, જેમાં કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વિવિધ રાજ્યોમાં SIR પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ઉપયોગમાં લેવાતા ફોર્મ-6 માં કોઈપણ સુધારાને કોર્ટે મંજૂરી આપી નથી.

કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમારને સુપ્રીમ કોર્ટની નોટિસ

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'અમે ફોર્મ-6 માં કોઈપણ ફેરફારને મંજૂરી આપી નથી, આ બાબત સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે રેકોર્ડ રજૂ કરવામાં આવશે ત્યારે અમે તપાસ કરીશું કે આ સંશોધન કોણે કર્યું છે.' આ મામલે ખંડપીઠે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નોટિસ પાઠવી છે અને 1 અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.