ખાડારાજ વચ્ચે મોટી મુસીબત, ભૂસ્ખલન થતાં દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વે ઠપ, તંત્ર ધંધે લાગ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Dehradun Expressway Closed : દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે ઉદ્ઘાટનના ટૂંક સમયમાં જ સવાલોના ઘેરામાં આવી ગયો છે. પહેલાં રસ્તા પર ખાડાઓનો વીડિયો વાઈરલ થયો હતો, અને હવે ભારે વરસાદ બાદ પહાડ પરથી મોટો કાટમાળ ધસી આવવાને કારણે એક્સપ્રેસવે બંધ કરવો પડ્યો છે. દહેરાદૂનથી દિલ્હી તરફ જતો, દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે ફરી એકવાર ખોરવાઈ ગયો છે. ગત મોડી રાત્રે થયેલા ભારે વરસાદ બાદ પહાડો પરથી મોટી માત્રામાં કાટમાળ એક્સપ્રેસવે પર આવી પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યો છે. હાલમાં દહેરાદૂનથી દિલ્હી જતા વાહનોને જૂના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.
NHAIની ટીમ કાટમાળ હટાવવામાં વ્યસ્ત
NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની ટીમ અને મશીનો વહેલી તકે વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા માટે સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરીમાં લાગેલા છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે, એક્સપ્રેસવે સવાલોના ઘેરામાં આવ્યો હોય. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ વે પર ખાડાઓનો વીડિયો પણ વાઈરલ થયો હતો. હવે ઉદ્ઘાટનના માત્ર 2 મહિનાની અંદર જ વરસાદ દરમિયાન કાટમાળ આવી જતાં, તેની સુરક્ષા વ્યવસ્થા, પહાડોનું કટીંગ અને બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
વીડિયો વાઈરલ થયા બાદ બે અધિકારીઓ સસ્પેન્ડ
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનો એક હિસ્સો બેસી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ કડક કાર્યવાહી કરી છે. NHAIએ ઓથોરિટી એન્જિનિયરની ટીમના વડા અને કોન્ટ્રાક્ટરના પ્રોજેક્ટ મેનેજરને સસ્પેન્ડ કરી દીધા છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, વરસાદ બાદ પાણી ભરાવાને કારણે રસ્તાનો એક ભાગ બેસી ગયો હતો. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સંબંધિત પ્રોજેક્ટ ડાયરેક્ટર, ઓથોરિટી એન્જિનિયર અને EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.
વરસાદી પાણી ભરાવાને કારણે પડ્યો હતો ખાડો
ઓથોરિટીએ જણાવ્યું હતું કે, 1 જુલાઈ 2026ના રોજ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોર પર રોડની સપાટી બેસી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટના 30 જુનની રાત્રે પડેલા વરસાદને કારણે એક જગ્યાએ પાણી ભરાઈ જવા અને ત્યાં કાયમી ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત ન હોવાને કારણે બની હતી.









