ઝારખંડ સરકારને મોટો ઝટકો, CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેક આવતા નિધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sudivya Kumar Died : રવિવારની સવાર ઝારખંડના રાજકારણ માટે અત્યંત દુઃખદ સમાચાર લઈને આવી હતી. ગિરીડીહના ધારાસભ્ય અને હેમંત સોરેન સરકારના કેબિનેટ મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું અચાનક હૃદયરોગના હુમલા (હાર્ટ એટેક)ના કારણે અવસાન થયું છે. તબિયત લથડતાં તેમને ગિરીડીહની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર ફેલાતાં જ ગિરીડીહથી લઈને સમગ્ર ઝારખંડમાં શોકની લહેર દોડી ગઈ છે.
ગિરીડીહથી સતત બીજી વાર બન્યા હતા ધારાસભ્ય
સુદિવ્ય કુમાર સોનુ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ની ટિકિટ પર ગિરીડીહ વિધાનસભા સીટ પરથી સતત બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સ્થાનિક વિસ્તારમાં તેમની પકડ ખૂબ મજબૂત હતી અને તેઓ જનતા વચ્ચે સતત સક્રિય રહેતા નેતા તરીકે જાણીતા હતા.
મુખ્યમંત્રીના ખાસ નજીકના નેતા અને સરકારમાં મહત્ત્વની જવાબદારીઓ
રાજકારણમાં તેમની ઓળખ માત્ર એક ધારાસભ્ય પૂરતી સીમિત નહોતી. તેઓ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના અત્યંત નજીકના અને વિશ્વાસુ નેતાઓમાં ગણાતા હતા. હેમંત સોરેન સરકારમાં તેમની પાસે નગર વિકાસ જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ વિભાગની જવાબદારી હતી. આ ઉપરાંત તેઓ યુવા, રમતગમત, કલા અને સંસ્કૃતિ, પ્રવાસન તેમજ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ જેવા અનેક મહત્વના મંત્રાલયો પણ સંભાળી રહ્યા હતા.
JMM એ ભાવુક પોસ્ટ દ્વારા આપી શ્રદ્ધાંજલિ
મંત્રીના અચાનક થયેલા અવસાનથી ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને સરકારને મોટો આંચકો લાગ્યો છે. પક્ષે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. JMM એ લખ્યું કે, "જેએમએમ પરિવાર તેમના અકાળ નિધનથી સ્તબ્ધ અને અત્યંત દુઃખી છે." પક્ષે તેમને સમર્પિત સાથી ગણાવતા ઉમેર્યું કે, તેમનું જવું એ પક્ષ, સરકાર અને સમગ્ર ઝારખંડ માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે. પક્ષે તેમના સંઘર્ષ અને યોગદાનને યાદ કરીને લખ્યું – "અંતિમ જોહાર".
સમર્થકો અને કાર્યકરોમાં ભારે શોક
સુદિવ્ય કુમાર સોનુના નિધનના સમાચાર ગિરીડીહ પહોંચતા જ તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરોમાં ભારે શોક વ્યાપી ગયો હતો. જે નેતાને લોકો થોડા કલાકો પહેલાં સુધી પોતાની વચ્ચે જોતા હતા, તેમના અચાનક ચાલ્યા જવાથી લોકો માટે આઘાત સહન કરવો મુશ્કેલ બની રહ્યો છે. ઝારખંડની સક્રિય રાજનીતિએ એક યુવા અને ઊર્જાવાન નેતા ગુમાવ્યા છે.




