Get The App

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત 1 - image


તસ્વીર IANS


Bengaluru Tragic Incident : કર્ણાટકની રાજધાની બંગલૂરુના રસ્તાઓ પર શુક્રવારે વહેલી સવારે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. બંગલૂરુના હોસકોટે પાસે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એમ. સત્યવર ગામ પાસે હોસકોટે-ડાબાસ્પેટ નેશનલ હાઈવે પર થયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, હોસકોટેથી દેવનહલ્લી તરફ જઈ રહેલી એક એસયુવી કારે પાછળથી એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. મોટરસાયકલ સાથેની આ ટક્કર બાદ એસયુવીના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર પૂરપાટ ઝડપે એક કેન્ટર વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વધુ એક કાર પણ અડફેટે ચડી હતી. જેના કારણે હાઈવે પર અકસ્માતની વણઝાર થઇ હતી. કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. 

7 લોકોના ઘટનાસ્થળે જ મોત

આ ભયાનક ટક્કરમાં એસયુવીમાં બેઠેલા છ લોકો અને મોટરસાયકલ સવાર એક વ્યક્તિ સહિત કુલ સાત લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, SUV ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઉપરાંત બાઇક પણ કડુસલો વળી ગયો હતો. મૃતકો બંગલૂરુના કોથનૂર વિસ્તારના રહેવાસી હોવાની શક્યતા છે. જો કે પોલીસ હજી સત્તાવાર ઓળખ કરી શકી નથી.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસકોટેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. ઉપરાંત મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારને જાણ કરવા માટેની કાર્યવાહી આરંભી છે.