Get The App

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
Bengal elections 2026

Bengal Elections 2026: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિના પાયાની ચીજ એવી 'માછલી'ને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. બંગાળની ચૂંટણીમાં સત્તાપક્ષ મમતા બેનર્જી દાવો કરે છે કે ભાજપની સરકાર આવશે તો રાજ્યમાં ભાત-માછલી ખાવા પર પ્રતિબંધ મુકાઈ જશે.

ભાજપ તમને માછલી ખાવા નહીં દે: મમતા

તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિ માટે ખતરો છે. મચ્છી-ભાત સાથે કોઈ સમજૂતી નહીં થાય. ભાજપ તમને માછલી ખાવા દેશે નહીં. ભાજપ તમને ઈંડા અને માંસ પણ ખાવા દેશે નહીં. બંગાળ માછલી-ભાત પર નિર્ભર છે. જો આપણે એ નહીં ખાઈએ તો શું ખાશું? બંગાળની માછલીની જરૂરિયાતમાંથી 80 ટકા જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી થાય છે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં માછલી ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હીમાં પણ દુકાનો બંધ કરવામાં આવી રહી છે.

બંગાળની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા 'થ્રી-એમ' (3M)

તૃણમૂલ કોંગ્રેસના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પહેલાં ત્રણ એમના મુદ્દે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. 

પહેલો M એટલે માછલી: બંગાળમાં જેને મચ્છી કહેવામાં આવે છે. ભાજપ આવશે તો માછલી ખાવા દેશે નહીં.

બીજો M એટલે મા દુર્ગા: ભાજપના હિન્દુત્વ સામે બંગાળની અસ્મિતા સાથે વણાયેલા માતા દુર્ગાને સાંસ્કૃતિક ઓળખ તરીકે રજૂ કર્યા છે.

ત્રીજો M એટલે માટી: મમતા બેનર્જી માટીનો અર્થ બંગાળની ધરતીના અર્થમાં કરે છે અને ભાજપને બહારની ગણે છે.


તૃણમૂલે બંગાળને માછલીમાં આત્મનિર્ભર ન બનાવ્યું: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માછલીના મુદ્દાને ચૂંટણી સભામાં સમાવ્યો. માછલીના મુદ્દે ચાલી રહેલા આરોપો વચ્ચે મોદીએ કહ્યું કે, 15 વર્ષ સત્તામાં રહેવા છતાં ટીએમસીની સરકાર તમને માછલી જેવી જરૂરી ચીજમાં આત્મનિર્ભર બનાવી શકી નહીં. માછલી પણ રાજ્યની બહારથી આયાત કરવી પડે છે.

ભાજપનો માછલી કેન્દ્રિત પ્રચાર

ભાજપે વિવાદ વધતો જોઈને તેમના ઉમેદવારોના પ્રચારનો વ્યૂહ બદલાવ્યો હતો. ભાજપના ઘણાં ઉમેદવારો માછલીઓ હાથમાં લઈને કે માછલીઓનું પ્રતીક સાથે લઈને પ્રચાર કરતા થયા હતા. ભાજપે એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી કે ઉમેદવાર પણ બંગાળી છે અને એ પણ એ જ સંસ્કૃતિ અને ખાનપાનનો ભાગ છે જે આખા બંગાળમાં છે. ભાજપે બંગાળના સોશિયલ મીડિયામાં ધારાસભાના ઉમેદવારો માછલી સાથે પ્રચાર કરતા હોય તેવા વીડિયો વાયરલ કર્યા હતા.

બંગાળના 65 ટકા લોકો માછલી આરોગે છે

2024માં એક સંશોધનમાં જણાયું હતું કે પશ્ચિમ બંગાળના 65.7 ટકા લોકો સપ્તાહમાં ઓછામાં ઓછા એકથી વધુ વાર માછલી ખાય છે. અહીં કુલ વસ્તીના 80 ટકાથી વધુ લોકો માછલી આરોગે છે. ભારતમાં માછલી ખાનારા લોકોની સંખ્યા વધીને 70 ટકા થઈ ગઈ હોવાનો પણ અંદાજ છે.

ભાજપે માછલીની દુકાનો બંધ કરાવી: મોઈત્રા

ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ એક દાવો કર્યો તેનાથી આ મુદ્દાને વધારે હવા મળી હતી. મોઈત્રાએ દાવો કર્યો કે દિલ્હીમાં જ્યાં બંગાળીઓની વધારે વસ્તી છે એ ચિતરંજન પાર્કમાં ભાજપ માછલીઓની દુકાનો બંધ કરાવે છે. ટીએમસી સાંસદે એક વીડિયો શેર કર્યો એ બંગાળમાં ખૂબ વાયરલ થયો હતો. ભાજપે આ દાવાનું ખંડન કર્યું હતું.

બંગાળના ફૂટબોલમાં પણ માછલીનું મહત્ત્વ 

પશ્ચિમ બંગાળના ફૂટબોલ ચાહકોમાં પણ માછલીની સ્પર્ધા રહે છે. ઇસ્ટ બંગાળી ફૂટબોલ ક્લબના સમર્થકોમાં હિલ્સા માછલી પ્રિય છે જ્યારે બંગાળની વિખ્યાત ફૂટબોલ ક્લબ મોહન બગાનના સમર્થકો પ્રોન્સ (ઝિંગા) ખાવાની તરફેણમાં છે. આમ બંગાળના સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ માછલી પોતાનું આગવું સ્થાન ધરાવે છે.