પીએમસી કૌભાંડની અસર, ટૂંકમાં બેન્ક એફડીનું વીમા કવચ વધારાશે : સિતારામન

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 15 નવેમ્બર, 2019, શુક્રવાર
નાણામંત્રી નિર્મલા સિતારામને શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં બેન્ક ડીપોઝીટ પર વર્તમાન રૂ. 1 લાખ સુધીનું વીમા કવચ વધારવા અને અનેક રાજ્યોમાં ફેલાયેલી સહકારી બેન્કો માટે કડક નિયમો બનાવવા અંગે કાયદો બનાવશે. પીએમસી બેન્કના કૌભાંડના કારણે લાખો થાપણદારોને થયેલી અસરને પગલે કેન્દ્રે આ નિર્ણય કર્યો છે.
સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સત્રમાં આ અંકે ખરડો રજૂ કરવામાં આવશે તેમ સિતારામને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ અંગે કામ ચાલી રહ્યું છે અને અમે શિયાળુ સત્રમાં ખરડો રજૂ કરવા કેબિનેટની મંજૂરી મેળવીશું.
સૂચિત ખરડામાં કાયદામાં જરૂરી સુધારો કરાશે. ઉપરાંત સહકારી ક્ષેત્રની બેન્કોના બેન્કિંગ કામકાજ કાયદા મુજબ સંચાલન માટે તેમને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ લાવવામાં આવશે.
વ્યવહારૂ નિયમો અપનાવવામાં નહીં આવે ત્યાં સુધી પીએમસી બેન્ક કટોકટી વખતે ઉભી થઈ તેવી અનેક સમસ્યાઓનો ક્યારેય ઉકેલ લાવી શકાશે નહીં અને ભવિષ્યમાં પીએમસી જેવી ઘટના ન થાય તેની ખાતરી આ ખરડો કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ડીપોઝીટ ગેરેન્ટી વીમા મર્યાદા વધારવાના સંદર્ભમાં સિતારામને જણાવ્યું હતું કે આ નિયમ સહકારી બેન્કોના કાયદાના ભાગરૂપ કદાચ ન હોય પરંતુ તે અન્ય કાયદાઓનો ભાગ હશે. અમે ડીપોઝીટ કવર રૂ. 1 લાખની લઘુત્તમ રકમથી વધારવા માગીએ છીએ.
સરકારની શિયાળુ સત્ર દરમિયાન આ ખરડો લાવવાની યોજના છે. પીએમસી બેન્કના કૌભાંડને પગલે આ ખરડો ખૂબ જ મહત્વનો મનાય છે. આ કૌભાંડમાં લાખો ગ્રાહકોએ આરબીઆઈ દ્વારા લદાયેલા નિયંત્રણોને કારણે તેમની સંપૂર્ણ રકમ ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
હાલમાં બેન્ક થાપણદારોને ડીપોઝીટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન દ્વારા તેમની રકમ પર રૂ. 1 લાખ સુધીનું વીમા કવચ મળે છે. સોમવારથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્રમાં ભાજપ સિટિઝનશિપ બીલ રજૂ કરવા તૈયારી કરી રહ્યો છે. આ બીલનો આશય પડોશી દેશોમાંથી આવતા બીન મુસ્લિમ વસાહતીઓને ભારતનું નાગરિક્તવ આપવાનો છે.




