India

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

By GS Team
26 May 20262 mins read
યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

- ઈટાવા દુનિયાનું સૌથી ગરમ શહેર : વેધર મોનિટરિંગ પ્લેટફોર્મ એક્યૂઆઈ

- ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના 20 શહેરોનું તાપમાન 45 ડિગ્રીથી વધુ : બહાર લૂ, ઘરમાં ઉકળાટથી જનજીવન ત્રસ્ત

- અલ નીનોનું આગ ઓકતું મુખ યુરોપ પછી હવે ભારતને દઝાડશે અનાજ, ચોખા, મકાઈનો પાક બચાવવાનો ખેડૂતો સામે પડકાર

નવી દિલ્હી : ઉત્તર ભારતના શહેરો ગરમીથી શેકાઈ રહ્યા છે. બે ડઝનથી વધુ શહેરોનું તાપમાન ૪૪થી ૪૮ની વચ્ચે નોંધાયું હતું. આકરી લૂથી લોકો પરેશાન થઈ ગયા હતા. દિવસ ઉપરાંત દેશના અસંખ્ય શહેરોમાં રાતનું તાપમાન પણ ૩૦ ડિગ્રીથી નીચે ન જતું હોવાથી પરેશાની બમણી થઈ ગઈ છે. એમાં વળી અલ નીનોની વ્યાપક અસર શરૂ થઈ ચૂકી છે. યુરોપમાં તરખાટ મચાવ્યા પછી હવે ભારતમાં પણ અલ નીનોના કારણે ઉભા પાક સામે જોખમ સર્જાયું છે.

ઉત્તર પ્રદેશનું બાંદા અને મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી ૪૭.૬ ડિગ્રી તાપમાનથી શેકાયા હતા. આ વિસ્તારમાં ઓનલાઈન વેધર પ્લેટફોર્મ્સના કહેવા પ્રમાણે તાપમાન ફીલ તો ૪૮ ડિગ્રીથી વધારે થતું હતું. એર મોનિટરિંગ પ્લેટફોર્મ્સ એક્યૂઆઈના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશનું ઈટાવા ૪૮ ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ બન્યું હતું. ઉત્તર પ્રદેશના છ શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીથી વધારે નોંધાયું હતું. ૪૫ ડિગ્રી તાપમાન હોય ત્યારે હવામાન વિભાગ હિટવેવની આગાહી કરે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, હમીરપુર, આગ્રા, ઓરાઈ જેવા શહેરોમાં તાપમાનનો પારો ૪૫ કે એનાથી વધારે ઉપર ગયો હતો.

મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં પણ તાપમાન ઊંચું ગયું હતું. ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્વિમ ભારતના રાજ્યોના ઓછામાં ઓછા ૨૦ શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રીની નજીક જતાં જનજીવનને વ્યાપક અસર થઈ હતી. મધ્યપ્રદેશના ખજુરાહોમાં તાપમાન ૪૭.૨ નોંધાતા ગરમીનો રેકોર્ડ તૂટયો હતો.હરિયાણાના સિરસામાં ૪૬, રાજસ્થાનના અલ્વરમાં ૪૪ ડિગ્રી તાપમાન દર્જ થયું હતું. આગામી ચાર દિવસ હજુય હીટવેવની હવામાન વિભાગે ચેતવણી આપી છે.

દરમિયાન અલ નીનોની ઘાતક અસર ભારતમાં થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુરોપમાં અલ નીનોએ ગરમીનો તરખાટ મચાવ્યા પછી હવે ભારતમાં તેની અસર શરૂ થઈ છે. વેધર પેટર્ન બદલાઈ ગઈ હોવાથી આકરી ગરમી પડી રહી છે. કેન્દ્ર સરકારે ખરીફ પાકોને અલ નીનોની અસરથી બચાવવા માટેના પગલા ભરવાની તાકીદ રાજ્યોના કૃષિ વિભાગોને કરી દીધી છે. ચોખા, અનાજ અને મકાઈના પાકને બચાવવાનો ખેડૂતો સમક્ષ મોટો પડકાર સર્જાયો છે. જો અલ નીનોના કારણે દેશના અમુક હિસ્સામાં વરસાદ ઓછો પડશે તો ઉભો પાક બળી જાય એવી દહેશત છે. જિલ્લા સ્તરે બીજ ભંડારથી લઈને જળ વ્યવસ્થાપન સુધીની યોજનાઓ માટે તાકીદ કરવામાં આવી છે. નિર્ધારિત સમય કરતાં વરસાદે ખેંચાશે તો ભારતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ જાય તેવી શક્યતા છે.