India

બિઝનેસ ક્લાસની ખરાબ સીટ ભારે પડી! એર ઈન્ડિયાએ ચૂકવવું પડશે 20 લાખનું વળતર

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
એર ઈન્ડિયાને ખરાબ બિઝનેસ ક્લાસ સીટ આપવી મોંઘી પડી છે. રાષ્ટ્રીય ગ્રાહક પંચે 73 વર્ષીય મુસાફરને ટિકિટના પૂરા પૈસા, ₹20 લાખ વળતર અને કાનૂની ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો છે. મેરઠના નિવૃત્ત જસ્ટિસ રાજેશ ચંદ્રને સેન ફ્રાન્સિસ્કોથી દિલ્હીની 15 કલાકની ફ્લાઇટમાં ખરાબ સીટ મળી હતી, જેનાથી તેમની તબિયત બગડી હતી. પંચે એર ઈન્ડિયાની અપીલ ફગાવી, સેવામાં ખામી હોવાનું ઠેરવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિઝનેસ ક્લાસની ખરાબ સીટ ભારે પડી! એર ઈન્ડિયાએ ચૂકવવું પડશે 20 લાખનું વળતર

એર ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરને ખરાબ બિઝનેસ ક્લાસ સીટ આપવી મોંઘી પડી છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC)એ એરલાઇનને આદેશ આપ્યો છે કે, તે 73 વર્ષીય સિનિયર સિટીઝન મુસાફરને બિઝનેસ ક્લાસ ટિકિટના પૂરા પૈસા પાછા આપે. આ સાથે જ 20 લાખ રૂપિયાનું વળતર અને કાનૂની લડાઈનો ખર્ચ પણ ચૂકવે. પંચે માન્યું કે, 15 કલાકની લાંબી આંતરરાષ્ટ્રીય ઉડાનમાં આવી ખરાબ સીટ આપવી એ, સેવામાં ગંભીર ખામી (Deficiency in Service) છે.

શું હતો આખો મામલો?


મેરઠ (ઉત્તર પ્રદેશ)ના રહેવાસી નિવૃત્ત જસ્ટિસ રાજેશ ચંદ્ર અને તેમના પત્નીએ નવી દિલ્હીથી સેન ફ્રાન્સિસ્કો જવા-આવવા માટે પહેલા ઈકોનોમી ક્લાસની ટિકિટ ખરીદી હતી. જોકે, જસ્ટિસ ચંદ્રને 1978થી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ અને સાયટીકાની ગંભીર સમસ્યા હોવાથી, તેમણે વધારાનું પેમેન્ટ કરીને બંને ટિકિટો બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ કરાવી હતી.

22 સપ્ટેમ્બર 2022ના રોજ સેન ફ્રાન્સિસ્કોથી દિલ્હી પરત ફરતી વખતે તેમને બિઝનેસ ક્લાસમાં સીટ નંબર 08D ફાળવવામાં આવી હતી. ફ્લાઈટ શરૂ થયા પછી ખબર પડી કે, સીટ ખરાબ છે, અને તે પાછળની તરફ નમી (Recline) શકતી નથી. કેબિન ક્રૂની ઘણી કોશિશો છતાં, સીટ ઠીક થઈ શકી નહોતી, અને ફ્લાઈટ ફૂલ હોવાને કારણે તેમને બીજી સીટ પણ મળી શકી નહોતી. પરિણામે, તેમણે 15 કલાકની આખી સફર તે જ સીટ પર બેસીને કરવી પડી હતી, જેના લીધે તેમની તબિયત વધુ બગડી ગઈ હતી, અને દિલ્હી આવીને ફિઝિયોથેરાપી તેમજ લાંબો ઈલાજ કરાવવો પડ્યો હતો.

ગ્રાહક પંચે યથાવત રાખ્યો ચુકાદો

જસ્ટિસ ચંદ્રએ આ મામલે ગ્રાહક ફોરમનો આશરો લીધો હતો. 16 જાન્યુઆરી 2024ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્ય ગ્રાહક પંચે એર ઈન્ડિયાને ટિકિટના પૈસા રિફંડ કરવા, અને 20 લાખ વળતર આપવાનો આદેશ કર્યો હતો. એર ઈન્ડિયાએ આ ફેંસલા વિરુદ્ધ રાષ્ટ્રીય પંચ (NCDRC) માં અપીલ કરી હતી. જોકે, 12 જૂન 2026ના રોજ NCDRC એ એર ઈન્ડિયાની અપીલ ફગાવી દઈને, રાજ્ય પંચનો ચુકાદો યથાવત રાખ્યો છે, અને સ્પષ્ટ કર્યું છે કે, બિઝનેસ ક્લાસનું ભાડું વસૂલ્યા પછી આવી સુવિધા આપવી એ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન છે.