Congress Rally In Assam: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આસામ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કાર્બી આંગલોંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, 'આસામ ફૂલોનો એક ગુલદસ્તો છે, જેમાં અલગ-અલગ ધર્મ, જાતિ અને વિચારધારાના લોકો સાથે રહે છે. કોંગ્રેસની વિચારધારા છે કે હિન્દુસ્તાનની જનતાના હાથમાં અસલી તાકાત હોય અને દેશ ચલાવવામાં દરેક વર્ગને ભાગીદારી મળે. બીજી તરફ ભાજપની વિચારધારા છે કે આસામને દિલ્હીથી ચલાવવામાં આવે. મારા મતે, અત્યારે આ જ લડાઈ ચાલી રહી છે.’
'આસામના નિર્ણયો દિલ્હીથી લેવાય છે'
રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું કે, 'અમે અનુચ્છેદ 244A એટલા માટે લાગુ કર્યો કારણ કે અમારું માનવું છે કે નિર્ણયો સ્થાનિક સ્તરે લેવાવા જોઈએ. આ નિર્ણયો ગુવાહાટી કે દિલ્હીથી નહીં, પરંતુ અહીં તમારા નેતાઓ અને પરિષદો લે. આ જ અમારી અને તેમની વચ્ચેનો તફાવત છે. તમને લાગે છે કે નિર્ણયોનો સિલસિલો ગુવાહાટીથી શરૂ થાય છે, પરંતુ એવું નથી.'
'દિલ્હીના નિર્ણયો અમેરિકાથી..'
રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, 'આજે જો ભારત રશિયા, ઈરાન કે ઈરાક જેવા દેશો પાસેથી ઓઇલ ખરીદવા માંગતું હોય, તો તેણે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા પાસેથી મંજૂરી લેવી પડે છે. આપણે પૂછ્યા વગર ઓઇલ ખરીદી શકતા નથી. નરેન્દ્ર મોદીએ ભારતનો ડેટા ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધો છે. હવે તેઓ પોતાની મરજીથી આ ડેટાનો ઉપયોગ કરી શકે છે અથવા તેને જમા રાખી શકે છે.'
'આ સોદો કેમ થયો?'
તેમણે એમ પણ કહ્યું કે 'મોદીએ વચન આપ્યું છે કે ભારત દર વર્ષે અમેરિકન કંપનીઓ પાસેથી 9 લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદશે. આનાથી આપણા નાના વ્યવસાયો અને ઉદ્યોગોને ભારે નુકસાન થશે. ભારતે અમેરિકાને ઘણું આપ્યું છે, પરંતુ બદલામાં આપણને કંઈ મળ્યું નથી. અહીં ટેક્સ વધી ગયો છે, આપણો ડેટા શેર થઈ ગયો છે અને ઓઇલ ખરીદવાના વિકલ્પો ઘટી ગયા છે. સવાલ એ છે કે આ સોદો કેમ થયો? રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, આવું એટલા માટે થયું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નિયંત્રિત કરે છે.'
'તમારી જમીન મોટા ઉદ્યોગપતિઓને આપી દેવાઈ'
વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો કે 'તમારી જમીન છીનવીને અદાણી, અંબાણી અને પતંજલિને આપી દેવામાં આવી છે. હજારો વીઘા જમીન બીજી મોટી કંપનીઓને પણ મળી છે. તમારે એ સમજવું પડશે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તમે વિચારતા હશો કે હું અહીં આની વાત કેમ કરી રહ્યો છું. તમારે એ સમજવું પડશે કે દબાણ ક્યાંથી આવી રહ્યું છે. તે કરારમાં ભારતની ખેતી-ખેડૂતોના રસ્તાઓ એવી રીતે ખોલવામાં આવ્યા છે, જેની ખરાબ અસર આપણા ખેડૂતો પર પડી રહી છે.'


