Get The App

માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી, સુપ્રીમનો મહત્ત્વનો ચુકાદો

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી, સુપ્રીમનો મહત્ત્વનો ચુકાદો 1 - image


- એજન્સીઓ, પોલીસ દ્વારા આડેધડ ધરપકડોના વિવાદ વચ્ચે સુપ્રીમનો ચુકાદો

- 7 વર્ષથી ઓછી કેદના કિસ્સાઓમાં ધરપકડ એ નિયમ નહીં પણ અપવાદ છે, પહેલા નોટિસ મોકલવી પડે : સુપ્રીમ

- કાર્યવાહી પહેલા પોલીસ અધિકારી ખૂદને સવાલ પૂછે કે શું આ મામલામાં ધરપકડ કરવી જરૂરી છે કે નહીં

Supreme Court News : પોલીસ અથવા એજન્સીઓ દ્વારા કરવામાં આવતી ધરપકડોને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર સવાલો કરવા કે પૂછપરછ કરવા માટે જ કોઇની ધરપકડ ના કરી શકાય. તપાસ એજન્સીઓ કે પોલીસ અધિકારીને એમ લાગે કે પૂછપરછ કરવા માટે ધરપકડ કરવી અત્યંત જરૂરી છે તો તેવા કેસમાં જ આ છૂટ આપી શકાય. પરંતુ પૂછપરછ માટે જ ધરપકડ કરવી ફરજિયાત નથી. સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા 7 વર્ષથી ઓછી કેદ સાથે સંકળાયેલા મામલાઓને લઇને કરવામાં આવી છે.  

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ એમ સુંદ્રેશ અને એન કે સિંહની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવામાં આવી હતી, બેંચે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસની વિવિધ કલમો અંગે સ્પષ્ટતા પણ કરી હતી. અને કહ્યું હતું કે સાત વર્ષની કેદ સાથે જોડાયેલા ક્રિમિનલ મામલામાં કોઇ પણ આરોપીને કાયદાની કલમ ૩૫(૩) હેઠળ નોટિસ જારી કરવી નિયમ છે. બીએનએસએસની કલમ ૩૫(૬) અને કલમ ૩૫ (૧)ને સાથે મેળવીને આપવામાં આવેલી ધરપકડની સત્તા એક અત્યંત જરૂરી પાસા તરીકે જોવી જોઇએ. આ સત્તાનો અર્થ એવો બિલકુલ નથી થતો કે પોલીસ અધિકારી માત્ર પૂછપરછ માટે જ કોઇની ધરપકડ કરી લે. 

બેંચે કહ્યું હતું કે પોલીસ અધિકારી એ વાતથી સંતુષ્ટ થવા જોઇએ કે સાત વર્ષની કેદ સાથે સંકળાયેલા ગુનામાં આરોપી વ્યક્તિની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાંસુધી તપાસ આગળ વધી નહીં શકે, આવા સંજોગોમાં જ ધરપકડ થઇ શકે. સુપ્રીમ કોર્ટમાં એમિકસ ક્યૂરી અને વરીષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કલમ ૩૫(૩) હેઠળ નોટિસ જારી કરવી ફરજિયાત છે, અને માત્ર ધરપકડના કારણો નોંધીને તેને ટાળી ના શકાય.  

7 વર્ષથી ઓછી કેદના મામલામાં આરોપીને ધરપકડ કરતા પહેલા બીએનએસએસની કલમ ૩૫(૩) હેઠળ નોટિસ જારી કરવી ફરજિયાત છે. આવા મામલામાં નોટિસ મોકલવી એ નિયમ છે. ધરપકડ કરતા પહેલા પોલીસ અધિકારીએ પોતાને જ સવાલ કરવો જોઇએ કે શું મામલામાં આરોપીની ધરપકડ કરવી ફરજિયાત છે કે નહીં?