NTAની વધુ એક ગંભીર બેદરકારી: કેન્દ્ર પર બત્તી ગુલ થતાં નકલનો માહોલ બન્યો, હવે ફરી લેવાશે પરીક્ષા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NTA AIAPGET Exam Cancelled: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત વધુ એક પરીક્ષામાં ગેરવ્યવસ્થાના કારણે હોબાળો મચ્યો છે. આ મામલો જયપુરમાં યોજાયેલી 'ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રી ટેસ્ટ' (AIAPGET) નો છે. અહીંના સત્ય સાઈ કોલેજ કેન્દ્ર પર પ્રથમ શિફ્ટની પરીક્ષા દરમિયાન અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પેપરની ગોપનીયતા ભંગ થવાનો આરોપ
પરીક્ષાર્થીઓએ આરોપ લગાવ્યો કે, વીજળી ગુલ થવા દરમિયાન પરીક્ષાની ગોપનીયતા ખોરવાઈ હતી. તેમનો દાવો છે કે, અંધારામાં પ્રશ્નપત્રને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ હતી, જેથી એક રીતે ચોરી (નકલ)ની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ઉમેદવારોનું કહેવું છે કે, બાદમાં વધારાનો સમય આપવાથી તે વિદ્યાર્થીઓને કોઈ વાસ્તવિક ફાયદો થયો નથી, જેમણે અગાઉથી પરીક્ષા પૂર્ણ કરી લીધી હતી.
ફરીથી પરીક્ષા યોજવાની માંગ અને NTAનો નિર્ણય
ઉમેદવારોએ પ્રથમ શિફ્ટની પરીક્ષા રદ કરીને નવેસરથી યોજવાની માંગ કરી હતી. જાણકારી મુજબ સવારે 10:20 વાગ્યે પાવર કટ થયો હતો. જનરેટર શરૂ કરવામાં સમય લાગતાં પરીક્ષા પ્રભાવિત થઈ હતી. આ મામલે સખત સંજ્ઞાન લેતા NTA એ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જાણકારી આપી કે, AIAPGET પરીક્ષા 22 ઓગસ્ટ 2026 ના રોજ દેશભરના 200 કેન્દ્રો પર 35,837 ઉમેદવારો માટે યોજાઈ હતી, જેમાંથી 35,788 ઉમેદવારો સફળતાપૂર્વક પરીક્ષા આપી શક્યા હતા. પરંતુ જયપુરના શ્રી સત્ય સાઈ પીજી કોલેજ કેન્દ્ર પર 192 માંથી 49 ઉમેદવારો વીજળી ગુલ થવાના કારણે પરીક્ષા પૂર્ણ કરી શક્યા નહોતા. આ ખામી એજન્સી M/S Eduquity Career Technologies Private Limited ના સ્તરે થઈ હતી.
NTA એ અસરગ્રસ્ત ઉમેદવારોને પડેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે, અને આ ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. હવે આ પરીક્ષા 1 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 10 વાગ્યે રાજસ્થાન કોલેજ ઓફ એન્જિનિયરિંગ ફોર વુમેન, જયપુર ખાતે યોજાશે. આ માટે નવેસરથી એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે.









