India

દિલ્હીમાં વધુ એક આંદોલન! ઈથેનોલ મુદ્દે 4 ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારીમાં ટ્રાન્સપોર્ટ યુનિયન

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે મોરચો માંડ્યો છે. 4 ઓગસ્ટે સંસદ ભવન તરફ માર્ચ યોજાશે. તેમની માંગ છે કે, E20 પેટ્રોલ પાછું ખેંચવામાં આવે અને ગ્રાહકોને સામાન્ય પેટ્રોલનો વિકલ્પ મળે. એન્જિનને નુકસાન અને માઇલેજ ઘટવાની ફરિયાદો વચ્ચે, આ વિરોધ સાંસદોને જગાડવા માટે છે, તેમ સંજય સમ્રાટે જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં વધુ એક આંદોલન! ઈથેનોલ મુદ્દે 4 ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારીમાં ટ્રાન્સપોર્ટ યુનિયન

Delhi Transport Union Protest : દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20 Fuel)ના ફરજિયાત ઉપયોગ સામે મોરચો માંડ્યો છે. 'દિલ્હી ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશન' સહિતના સંગઠનોએ આ નીતિના વિરોધમાં અને E20 પેટ્રોલ પાછું ખેંચવાની માંગ સાથે આગામી 4 ઓગસ્ટના રોજ સંસદ ભવન તરફ માર્ચ યોજવાની જાહેરાત કરી છે. એસોસિએશનના પ્રમુખ સંજય સમ્રાટે જણાવ્યું હતું કે, 'દેશભરમાંથી વાહનોમાં ઇથેનોલ મિશ્રિત ઇંધણના કારણે એન્જિન ખરાબ થવા અને માઇલેજ ઘટવાની ફરિયાદો આવી રહી છે. આ મુદ્દે સુતેલા સાંસદોને જગાડવા માટે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ કોઈ રાજકીય ચળવળ નથી કે, તેઓ કોઈ ચોક્કસ પક્ષ સાથે જોડાયેલા નથી.'

ગ્રાહકોને પસંદગીનો વિકલ્પ આપવાની માંગ

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ હરીશ સભરવાલે જણાવ્યું કે, 'સરકાર દ્વારા વાહનચાલકો પર E20 ફ્યુઅલ જબરદસ્તીથી લાદવામાં આવી રહ્યું છે. ગ્રાહકો પાસે સામાન્ય પેટ્રોલ ખરીદવાનો કોઈ વિકલ્પ રાખવામાં આવ્યો નથી, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મોટર એન્ડ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ રાજેન્દર કપૂરે પણ આ મુદ્દાને ગંભીર ગણાવતા કહ્યું કે, આ ઇંધણથી વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે, અને સરકારે સામાન્ય પેટ્રોલ અને E20 વચ્ચે પસંદગીનો વિકલ્પ આપવો જોઈએ.'

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર પણ E20 ફ્યુઅલ સામે મોટું અભિયાન ચાલી રહ્યું છે, જેમાં એન્જિનમાં આવતી ખામીઓ અને માઇલેજ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સરકારે આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે, આ ઇંધણ સુરક્ષિત, સ્વચ્છ અને ખેડૂતો માટે ફાયદાકારક છે.