Get The App

‘જો ન્યાયતંત્ર ન હોત તો...’ લિકર પોલિસી કેસમાં કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ અન્ના હજારેની પ્રતિક્રિયા

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
‘જો ન્યાયતંત્ર ન હોત તો...’ લિકર પોલિસી કેસમાં કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ અન્ના હજારેની પ્રતિક્રિયા 1 - image

Delhi Excise Case : દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર થયા છે. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી કેજરીવાલ અને સિસોદિયાનો મોટી રાહત મળી છે. કોર્ટ દ્વારા સીબીઆઈની ચાર્જશીટ રદ કરાતા અને કેજરીવાલને ક્લીન ચિટ મલ્યા બાદ એક મહત્ત્વની પ્રતિક્રિયા સામે આવી છે. એક સમયે કેજરીવાલના રાજકીય ગુરુ રહેલા અને ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલનના પ્રણેતા અન્ના હજારેએ કેસના નિર્ણયનું સ્વાગત કરી ન્યાયપાલિકા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

‘જો ન્યાયતંત્ર ન હોય તો...’ : અન્ના હજારે

અન્ના હજારેએ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપી ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આપણો દેશ તેની ન્યાયિક અને સુરક્ષા વ્યવસ્થાની તાકાત પર ચાલે છે. આટલી બધી વિવિધ પાર્ટીઓ, જ્ઞાતિઓ, ધર્મો અને સમુદાયો ધરાવતો આટલો મોટો દેશ ન્યાયતંત્રને કારણે જ સુચારૂ રીતે ચાલી રહ્યો છે. જો ન્યાયતંત્ર ન હોય તો દેશમાં ભારે અરાજકતા અને અશાંતિ ફેલાઈ જાય.’ અન્નાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘હવે જ્યારે અદાલતે પોતાનો ચુકાદો આપી દીધો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલની કોઈ ભૂલ નથી, તો આ નિર્ણયનો સંપૂર્ણપણે સ્વીકાર થવો જોઈએ.’

આ પણ વાંચો : ‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર

લિકર પોલિસી કેસમાં કેજરીવાલને રાહત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને 'ક્લિનચીટ' મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી... કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર