મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની 13 કલાકની પૂછપરછ બાદ ધરપકડ

દિવાળીની ઉજવણી પહેલા ઠાકરે સરકારને જોરદાર ઝટકો
મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ પાંચ વખત સમન્સ આપ્યા છતાં હાજર રહ્યા નહોતા
કોર્ટે 6 નવેમ્બર સુધીની ઈડીની કસ્ટડી આપી
મુંબઈ : મહારાષ્ટ્રના 'નોટ રિચેબલ' માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ 13 કલાકની પૂછપરછ બાદ મધરાતે ધરપકડ કરતા ચકચાર જાગી છે. આમ દિવાળીની ઉજવણી પહેલા જ મહારાષ્ટ્રની સરકારને મહારાષ્ટ્રની સરકારને જોરદાર ઝટકો લાગ્યો છે.
વિશેષ કોર્ટમાં આજે દેશમુખને હાજર કરાતા તેમને 6 નવેમ્બર સુધી ઈડીની કસ્ટડી આપવામાં આવી હતી. આમ હવે દેશમુખની દિવાળી ઈડીની કસ્ટડીમાં જ પસાર થશે. મની લોન્ડ્રિગના કેસમાં ઈડીએ અગાઉ પાંચ વખત દેશમુખને સમન્સ આપ્યા હતા. આમ છતાં તે હાજર રહ્યા નહોતા.
મની લોન્ડ્રિંગ અને 100 કરોડ રૂપિયાની વસૂલ કરવાના આરોપ બાદ દેશમુખ વિવાદમાં સપડાયા હતા. ગત અનેક દિવસથી રહસ્યમયરીતે ગાયબ થઈ ગયેલા દેશમુખ ગઈકાલે ઈડીની ઓફિસમાં હાજર થયા હતા. તેમની સાથે વકીલ પણ આવ્યા હતા. બીજી તરફ ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યે દિલ્હીથી ઈડીના અમૂક અધિકારી પણ ઈડીની ઓફિસમાં દાખલ થયા હતા.
આમ કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ મધરાતે ઈડીએ દેશમુખની ધરપકડ કરી હતી. સ્પેશ્યિલ કોર્ટમાં દેશમુખને હાજર કરાયા ત્યારે તેમની વકીલ વિક્રમ ચૌધરી અને અનિકેત નિકમે જોરદાર દલીલ કરી હતી. ઈડીએ દેશમુખની 14 દિવસની કસ્ટડીની માગણી કરી હતી. મની લોન્ડ્રિગ કેસમાં દેશમુખની ઝીણવટ ભરી પૂછપરછ અને તપાસ જરૂરી હોવાનું ઈડી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દેશમુખની તબીયત સારી નથી. ફેબુ્રઆરીમાં તેમને કોરોના થઈ ગયો હતો. તેમને હૃદયની અને હાથ પર ટેન્શનની બીમારી છે. એવું તેમના વકીલે કહ્યું હતું. પણ તમેની દલીલ કોર્ટે માન્ય રાખી નહોતી અને નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
ઈડીની કસ્ટડીમાં દેશમુખની પૂછપરછ દરમિયાન અમૂક અંતરે વકીને હાજર રહેવાની પરવાનગી આપવાની એક અરજી દેશમુખ તરફથી કોર્ટમાં કરાઈ હતી. તેમ જ ઘરેથી જમવાનું અને દવા આપવાની પણ અરજી કરાઈ હતી. કોર્ટે તેમની બંને અરજી માન્ય કરી હતી. કોર્ટમાં હાજર કરવા પહેલા ઈડી દ્વારા દેશમુખને તબીબી તપાસ માટે જે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.




