Aandhra Pradesh Bus Accident News : આંધ્રપ્રદેશના માર્કાપુરમ જિલ્લાના રાયવરમ પાસે આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. તેલંગાણાના નિર્મલથી નેલ્લોર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને માલસામાન ભરેલા ટીપર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બસમાં સવાર 8થી વધુ મુસાફરો જીવતા ભૂંજાયાની માહિતી મળી રહી છે.
ઘટનાની વિગતો અને જાનહાનિ
મળતી માહિતી મુજબ, હરિકૃષ્ણા ટ્રાવેલ્સની આ બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા. હૈદરાબાદથી પામુર જઈ રહેલી આ બસ રાયવરમ પાસે પહોંચી ત્યારે સામેથી આવતા ટ્રક સાથે તેની અથડામણ થઈ હતી. ટક્કર બાદ બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી અને તરત જ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. મુસાફરોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 18 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
બચાવ કામગીરી અને મુખ્યમંત્રીનો શોક
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, કેટલાક મુસાફરોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને અધિકારીઓને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા તેમજ અકસ્માતની ઊંડી તપાસ કરવાના આદેશ આપ્યા છે.


