India

આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી! ટ્રમ્પની નીતિઓ અને પાકિસ્તાન પર જયશંકરનું મોટું નિવેદન

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
વિદેશમંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્કમાં જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધોમાં વેપારની જટિલતાઓ અને સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ પડકારરૂપ છે. તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે, ભારત માટે સુરક્ષા સર્વોપરી છે. જો સહયોગી દેશ સુરક્ષા ચિંતાઓને ગંભીરતાથી નહીં લે તો સંબંધો પર અસર પડશે. આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ છે અને રશિયન ઓઇલ મુદ્દે પણ ચર્ચાઓ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી! ટ્રમ્પની નીતિઓ અને પાકિસ્તાન પર જયશંકરનું મોટું નિવેદન

Jaishankar America Visit :ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં સતત મજબૂત બન્યા છે. બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ અને ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધી રહ્યો છે. જોકે, કેટલાક મુદ્દાઓ એવા છે જેના કારણે બંને દેશો વચ્ચે અપેક્ષા મુજબનો વિશ્વાસ અને ગર્મજોશી જોવા મળતી નથી. વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ન્યૂયોર્કમાં એશિયા સોસાયટીના કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું કે વેપાર સાથે જોડાયેલી જટિલતાઓ ઉપરાંત સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માટે એક પડકાર છે.

‘ભારત માટે સુરક્ષા સૌથી મહત્વની છે’

જયશંકરે કોઈ દેશનું નામ લીધા વિના કહ્યું કે ભારતનો એક પાડોશી દેશ લાંબા સમયથી આતંકવાદનો ઉપયોગ પોતાની નીતિના એક સાધન તરીકે કરતો આવ્યો છે. તેમના આ નિવેદનને પાકિસ્તાનના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે.જયશંકરે કહ્યું કે ભારત માટે સુરક્ષા ખૂબ જ મહત્વ ધરાવે છે. જો કોઈ સહયોગી દેશ ભારતની સુરક્ષા ચિંતાઓને ગંભીરતાથી નહીં સમજે અથવા તેના પ્રત્યે પૂરતી સંવેદનશીલતા નહીં દાખવે તો તેની અસર બંને દેશોના સંબંધો પર પડી શકે છે.તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કોઈ બાબત ભારત માટે ખૂબ મહત્વની હોય અને સહયોગી દેશ તેની ચિંતા સાથે સહમત ન હોય તો તેનાથી સમસ્યા ઊભી થઈ શકે છે અને સંબંધો પર પણ તેની અસર પડે છે.

આતંકવાદ મુદ્દે ભારતનું જૂનું સ્ટેન્ડ

ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતું આવ્યું છે. નવી દિલ્હી વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર પણ આ મુદ્દો ઉઠાવતું રહ્યું છે. જયશંકરના તાજેતરના નિવેદનથી ફરી એક વખત સ્પષ્ટ થાય છે કે ભારત માટે આતંકવાદનો મુદ્દો અમેરિકા સાથેના સંબંધોમાં પણ મહત્વનો છે. ભારત ઈચ્છે છે કે તેના સુરક્ષા મુદ્દાઓને તેના સહયોગી દેશો ગંભીરતાથી લે.

ટ્રેડ અને રશિયન ઓઇલનો મુદ્દો પણ મહત્વનો

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ટ્રેડ અને રશિયન ઓઇલનો મુદ્દો પણ ચર્ચામાં છે. અમેરિકાની રશિયા સંબંધિત નીતિઓને કારણે ભારતની ઊર્જા સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે.તાજેતરમાં જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ન્યૂયોર્કમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રશિયા સંબંધિત અમેરિકન પ્રતિબંધો અને ભારતની ચિંતાઓ અંગે ચર્ચા થઈ હતી. ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતો અને રશિયા સાથેના વેપારને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

ભારત-અમેરિકા સંબંધોમાં પડકારો યથાવત

એક તરફ બંને દેશો વચ્ચે સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ સુરક્ષા, સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ, ટ્રેડ અને રશિયન ઓઇલ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જયશંકરના નિવેદનથી એટલું સ્પષ્ટ થાય છે કે ભારત માટે પોતાની સુરક્ષા ચિંતાઓ અને રાષ્ટ્રીય હિતો સાથે કોઈ સમાધાનનો પ્રશ્ન નથી. આ મુદ્દાઓ પર અમેરિકાના વલણની અસર બંને દેશોના સંબંધો પર પડી શકે છે.