India

'ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ', ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન

By GS TEAM
8 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ભારતના સંબંધો ફરી પાટા પર ચડતા દેખાઈ આવે છે. વેપાર કરાર બાદ હવે અમેરિકા દ્વારા ભારતને 'પેક્સ સિલિકા' પહેલમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે બંને દેશો વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. અમેરિકન વિદેશ ઉપમંત્રી જેકબ હેલબર્ગે નવી દિલ્હી સાથેના સંબંધોમાં 'સકારાત્મક ગતિ' હોવાનું જણાવી ભારતની યુવા અને તકનીકી પ્રતિભાના વખાણ કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ', ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન

Pax Silica: અમેરિકા અને ભારતના સંબંધો ફરી પાટા પર ચડતા દેખાઈ આવે છે. વેપાર કરાર બાદ હવે અમેરિકા દ્વારા ભારતને 'પેક્સ સિલિકા' પહેલમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે બંને દેશો વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. અમેરિકન વિદેશ ઉપમંત્રી જેકબ હેલબર્ગે નવી દિલ્હી સાથેના સંબંધોમાં 'સકારાત્મક ગતિ' હોવાનું જણાવી ભારતની યુવા અને તકનીકી પ્રતિભાના વખાણ કર્યા છે.

'પેક્સ સિલિકા'નું આમંત્રણ આપશે અમેરિકા

ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ કરાર પર અમેરિકન વિદેશ ઉપમંત્રી જેકબ હેલબર્ગે કહ્યું હતું કે, ભારતને 'પેક્સ સિલિકા'માં ભળવા માટે આમંત્રિત કરવામાં આવશે, જેના માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ પહેલ હેઠળ આગામી થોડા અઠવાડિયામાં જ ભારત સરકાર સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. હેલબર્ગ ખુદ આ પ્રક્રિયા માટે ભારતનો પ્રવાસ ખેડવાના છે.

શું છે 'પેક્સ સિલિકા' પહેલ? 

અમેરિકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં 'પેક્સ સિલિકા' લોન્ચ કરી હતી. આ એક એવી વ્યુહાત્મક પહેલ છે જેનો હેતુ સુરક્ષિત અને સમૃદ્ધ 'સિલિકોન સપ્લાય ચેઈન' બનાવવાનો છે. તેમાં મહત્વપૂર્ણ ખનિજો, સેમિકન્ડક્ટર્સ, AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. હાલમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, યુએઈ અને બ્રિટન જેવા દેશો આ પહેલના સભ્ય છે.

'પ્રતિભાના મામલે ભારત ચીનને ટક્કર આપી શકે છે'

જેકબ હેલબર્ગે ખાસ નોંધ્યું હતું કે, ભારત કદાચ પૃથ્વી પરનો એકમાત્ર એવો દેશ છે જે યુવા અને ટેકનિકલ રીતે પ્રશિક્ષિત પ્રતિભાની બાબતમાં ચીનને બરાબરની ટક્કર આપી શકે છે. ભારત પાસે મોટા પાયે ખાણકામ અને પ્રોસેસિંગની ક્ષમતા છે, જે વૈશ્વિક સપ્લાય ચેઈન ઇકોસિસ્ટમમાં મોટું યોગદાન આપી શકે છે. આથી જ ભારત સાથેની આ ભાગીદારી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે.

આ પણ વાંચો: 'અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં', ટ્રમ્પની શરતોને લઈને પિયૂષ ગોયલનો જવાબ

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા હેલબર્ગે કહ્યું કે, અમેરિકા ભારતને ખૂબ જ સકારાત્મક રીતે જુએ છે. બંને નેતાઓ વચ્ચેના શ્રેષ્ઠ સંબંધોને કારણે દ્વિપક્ષીય સહયોગ સુધારા સાથે આગળ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભારત અને અમેરિકાએ પરસ્પર ફાયદાકારક વેપાર માટેના વચગાળાના કરારના માળખા પર સહમતી સધાઈ હોવાનું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.