નેપાળમાં ભયાનક ત્રાસદી બાદ ભારતના બે રાજ્યોમાં એલર્ટ, નદીઓમાં જળસ્તર વધવા લાગ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flood Bihar UP Alert : નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારત બાદ બિહાર અને ઉત્તર પ્રદેશની સરહદો પર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલા વાલ્મીકિનગર ગંડક બેરાજ ખાતે પાણીનો બહાવ ઘટીને 81,000 ક્યુસેક પર આવી જતાં બિહાર અને યુપીના સીમાવર્તી વિસ્તારોને ક્ષણિક રાહત મળી હતી. નેપાળની ત્રિશૂલી નદીનું પાણી નારાયણી નદી દ્વારા આગળ વધતાં ગંડક નદી પરનું દબાણ ઘટ્યું હતું. જોકે, નેપાળના દેવઘાટ ક્ષેત્રમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ગંડક નદીના જળસ્તરમાં ફરી એકવાર વધારો નોંધાઈ રહ્યો છે, જેથી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ગૃહ મંત્રાલય સક્રિય: અમિત શાહે બિહાર અને યુપીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જે સીમાવર્તી વિસ્તારોમાં પૂરની અસર થવાની ભીતિ છે, ત્યાં સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત-બચાવ ટીમો સહિત એનડીઆરએફ (NDRF) ને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે.
બિહારના 8 જિલ્લા અને યુપીના નીચલા વિસ્તારોમાં એલર્ટ
નેપાળથી નીકળતી ગંડક નદીના કારણે બિહારના 8 જિલ્લાઓ જેવા કે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. ગોપાલગંજ, મુઝફ્ફરપુર અને બેતિયામાં એનડીઆરએફ અને એસએસબી (SSB) ની બટાલીયનો તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ, કુશીનગર, સિદ્ધાર્થનગર અને ગોરખપુર સહિતના જિલ્લાઓમાં નીચલા વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે અને ગંડક તથા રોહિણ નદીઓના જળસ્તર પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
નેપાળમાં ફસાયેલા નાગરિકો માટે યુપી સરકારે 1070 હેલ્પલાઇન જાહેર કરી
નેપાળમાં અચાનક સર્જાયેલી કુદરતી આફતમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના નાગરિકોની મદદ માટે યુપી સરકારે હેલ્પલાઇન નંબર 1070 જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશ રાહત આયુક્ત કાર્યાલયના જણાવ્યા મુજબ, જો કોઈ પ્રદેશવાસી નેપાળમાં ફસાયો હોય કે તેને સહાયતાની જરૂર હોય, તો તેના પરિવારજનો તાત્કાલિક આ નંબર પર સંપર્ક કરી શકે છે. સરકારે નાગરિકોની સુરક્ષિત વાપસી માટે દૂતાવાસ સ્તરે પણ સંપર્ક સાધ્યો છે.




