Get The App

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ 1 - image

- મુખ્યમંત્રી વિજયનો નિર્ણય, વિપક્ષનું પણ સમર્થન

- ટીવીકેના માત્ર એક મતથી જીતેલા ધારાસભ્યને વિશ્વાસમતમાં સામેલ થતા હાઇકોર્ટે રોક્યા, સુપ્રીમ કોર્ટમાં અપીલ

- એઆઇએડીએમકેમાં બળવો, જયલલિતા સમર્થક જૂથના ૩૦ ધારાસભ્યોનો વિજયને ટેકો 

- વિજયે અત્યાર સુધીમાં દારૂની ૭૧૭ દુકાનો પર તાળા મરાવ્યા, કમલ હાસને પણ દારૂબંધીને આવકારી

ચેન્નાઇ: તમિલનાડુના મુખ્યમંત્રી બનતા જ વિજયે ૨૦૦ યુનિટ વીજળી ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી હવે વધુ એક મોટો નિર્ણય લીધો છે. વિજયે તમિલનાડુમાં તમામ સ્કૂલ-કોલેજો, બસ સ્ટેશનો, ધાર્મિક સ્થળોથી ૫૦૦ મીટર સુધીના વિસ્તારમાં ક્યાંય પણ દારુ વેચવા પર પ્રતિબંધ મુકી દીધો છે. એટલુ જ નહીં વિજયે પોતાના જ પક્ષ ટીવીકેના બેનરો, પોસ્ટરો લોકોને નડતરરૂપ થાય તેવી રીતે નહીં લગાવવા પણ કાર્યકર્તાઓ નેતાઓને કહ્યું છે. 

મુખ્યમંત્રી બન્યા બાદ વિજયે તમિલનાડુમાં દારૂની આશરે ૭૧૭ દુકાનો બંધ કરાવી દીધી છે. આ તમામ દુકાનો એવા સ્થળે આવેલી હતી કે જ્યાં આસપાસ સ્કૂલ, કોલેજો કે ધાર્મિક સ્થળો આવેલા છે. વિજયના આ નિર્ણયને વિપક્ષ દ્વારા પણ આવકારવામાં આવ્યો હતો, જ્યારે વરીષ્ઠ અભિનેતા કમલ હાસને પણ સમર્થન કર્યું હતું અને દારુ બંધી હજુ વધારવા કહ્યું હતું. બીજી તરફ વિજયના પક્ષ ટીવીકેના એક ધારાસભ્ય આર સીનિવાસા સેતુપતિને વિશ્વાસમત પ્રક્રિયામાં સામેલ થતા મદ્રાસ હાઇકોર્ટે અટકાવ્યા છે. તેથી આ ધારાસભ્ય દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી જેની સુનાવણી માટે સુપ્રીમ તૈયાર થઇ ગઇ છે. 

ડીએમકેના ઉમેદવાર કે આર પેરિઆકરુપ્પન કે જેઓ માત્ર એક મતથી ચૂંટણી હારી ગયા તેમણે કરેલી અરજી પર મદ્રાસ હાઇકોર્ટે આ નિર્ણય લીધો હતો. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે, સુપ્રીમ કોર્ટ અપીલની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે. 

   વિજયના મુખ્યમંત્રી બનતા જ વિપક્ષ એઆઇએડીએમકેમાં બે ફાટા પડી ગયા છે. 

જયલલિતા સમર્થક જુથે ખુલ્લેઆમ વિજયના પક્ષને સરકારમાં ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. એસપી વેલુમની અને સી શાંમુગમના જુથમાં ૩૦ જેટલા બળવાખોર ધારાસભ્યો હોવાની શક્યતાઓ છે. આ તમામ ધારાસભ્યો વિજયના પક્ષ ટીવીકેને સમર્થન આપવા તૈયાર હોવાના અહેવાલો છે. આ જુથ વર્તમાન એઆઇએડીએમકેના અધ્યક્ષ પલાનીસ્વામીથી નારાજ છે કેમ કે તેમણે ડીએમકે સાથે ગઠબંધનનો નિર્ણય લીધો હતો.    

પક્ષના બેનરો આડેધડ નહીં લગાવવા વિજયનો આદેશ

ચેન્નાઇ: વિજયના પક્ષ ટીવીકેએ એક્સ (ટ્વિટર) પર કરેલી પોસ્ટમાં કહ્યું છે કે ટીવીકેની સ્થાપનાનો ઉદ્દેશ્ય તમિલનાડુની જનતાનું કલ્યાણ કરવાનો છે, તમામે એ યાદ રાખવું જોઇએ કે આપણા મુખ્યમંત્રી કે જેઓ એક વિજયી નેતા છે, તેમને બહુ મોટી જવાબદારી સોંપીએ છીએ. તમામને જાણ કરવામાં આવે છે કે જો કોઇ પણ બેનર, ઉત્સવ કે અન્ય માધ્યમથી જનતા સામે અડચણ ઉભી કરશે તો તેની સામે આકરા પગલા લેવામાં આવશે. 

ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ કે એવા કોઇ પણ જાહેર સ્થળ પર પોતાના પક્ષના કાર્યકર્તાઓને બેનર લગાવવાની વિજયે ના પાડી છે કે જેનાથી જનતાને અડચણ ઉભી થાય.