'અકવાન' મહા વાવાઝોડામાં ફેરવાયું: આગામી કલાકોમાં ત્રાટકશે, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશને પણ હવામાન ખાતાની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cyclone Akvan Landfall Andhra Pradesh Odisha: બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું ભીષણ ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' (Cyclone Akvan) હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત અકવાન 20 નવેમ્બર 2026ના રોજ બપોર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક અને વરસાદી ઝાપટા 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે. 19 નવેમ્બરથી આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદની ચેતવણી હોવાથી લોકોને ઘરની બહાર ન નીકળવા અને લોકડાઉન જેવી સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
દરિયાકાંઠાના રાજ્યોમાં અતિભારે વરસાદ અને ઊંચા મોજાનું ઍલર્ટ
આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ખતરો: 18 નવેમ્બરની સવારે આ વાવાઝોડું ઓડિશાના ગોપાલપુરથી 710 કિલોમીટર અને પુરીથી 770 કિલોમીટર દૂર હતું. 19 અને 20 નવેમ્બરે તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને ઓડિશામાં અત્યંત ભારે વરસાદ પડશે. પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા, કાકીનાડા, વિશાખાપટ્ટનમ, ગંજમ, ખુર્દા અને પુરી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં 0.5થી 1.2 મીટર ઊંચા તોફાની મોજાં ઉછળવાને કારણે પાણી ભરાવાની આશંકા છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.
ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં અસર: 20 અને 21 નવેમ્બરે ઝારખંડ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
દિલ્હી-NCRમાં ધુમ્મસ અને UP-બિહારમાં વરસાદની આગાહી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ: IMD એ 19થી 22 નવેમ્બર દરમિયાન દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની ચેતવણી આપી છે, જેના કારણે સવારના સમયે વિઝિબિલિટી ઓછી રહેશે.
UP અને બિહારમાં બદલાશે હવામાન: પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં 21 અને 22 નવેમ્બરે હળવાથી છૂટાછવાયા વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
MPમાં પણ વાતાવરણમાં આવશે પલટો
બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડા 'અકવાન'(Akwan)ની અસર મધ્યપ્રદેશમાં પણ જોવા મળશે. આ માટે હવામાન વિજ્ઞાન કેન્દ્ર, ભોપાલ દ્વારા આંધી અને વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે. ત્યારબાદ 2-3 ડિગ્રીનો વધારો થશે.
‘અકવાન’ વાવાઝોડાની અસર ક્યારે જોવા મળશે?
IMDની પ્રાદેશિક કચેરીના જણાવ્યા અનુસાર 'અકવાન' વાવાઝોડાની સૌથી વધુ અસર 21 નવેમ્બરે જોવા મળશે. રાજ્યના બાલાઘાટ અને ડિન્ડોરીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ એવું પણ અનુમાન લગાવવામાં આવ્યુ છે કે ચાર ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે. આ દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 20 અને 21 નવેમ્બરે જબલપુર, રીવા, શહડોલ, નર્મદાપુરમ અને ઇન્દોર સંભાગમાં આંધી-વરસાદનું ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.




