Maharastra Politics And Ajit Pawar NCP News : મહારાષ્ટ્રના રાજકારણમાં એક સમયે અશક્ય લાગતી ઘટના હવે વાસ્તવિકતા બનવાની તૈયારીમાં હતી. અજિત પવાર અને શરદ પવારના જૂથો ફરી એક થવાના હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.
8 ફેબ્રુઆરીએ થવાની હતી ઐતિહાસિક જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં મોટો ઉલટફેર થવાની શક્યતા હતી. અહેવાલ મુજબ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથો 8 ફેબ્રુઆરીએ ફરીથી એક થવાની સત્તાવાર જાહેરાત કરવાના હતા. આ વિલય અંગેની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી અને જિલ્લા પરિષદની ચૂંટણી બાદ આ જાહેરાત થવાની હતી. જોકે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અકાળ અવસાનને કારણે આ પ્રક્રિયા અત્યારે અનિશ્ચિતતામાં મુકાઈ ગઈ છે.
નેતાઓની સતત બેઠકો અને એક થવાની તૈયારી
NCP (SP) ના ધારાસભ્ય જયંત પાટીલ અને નેતા શશિકાંત શિંદેએ પુષ્ટિ કરી છે કે બંને જૂથો વચ્ચે વિલયને લઈને વાતચીત અંતિમ તબક્કામાં હતી. જયંત પાટીલે જણાવ્યું હતું કે, "અમે તાજેતરમાં સતત મળી રહ્યા હતા. 16 જાન્યુઆરીએ મારા નિવાસે અને 17 જાન્યુઆરીએ શરદ પવાર સાહેબના ઘરે બેઠક થઈ હતી, જેમાં સાથે મળીને ચૂંટણી લડવા અંગે અંતિમ મહોર મારવાની વાત હતી". પુણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને જૂથોએ સાથે મળીને ચૂંટણી લડી ત્યારે જ આ અટકળો તેજ બની હતી.
શું હતો મર્જરનો માસ્ટર પ્લાન?
સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) સરકારમાં સામેલ થવાની દિશામાં આ એક મોટું કદમ હતું. અત્યારે અજિત પવારની NCP મહાયુતિ સરકારનો ભાગ છે, જ્યારે શરદ પવારની NCP મહાવિકાસ આઘાડીમાં સામેલ છે. અજિત પવાર પોતે પણ ઈચ્છતા હતા કે શરદ પવારની તબિયત સારી હોય ત્યારે જ બંને જૂથો એક થઈ જાય. મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સંભવિત ફેરબદલ અને નવા નેતાઓના સમાવેશ અંગે પણ અનૌપચારિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
અજિત પવારના નિધન બાદ હવે શું?
અજિત પવારના અવસાનને જયંત પાટીલે મોટું નુકસાન ગણાવ્યું છે. શશિકાંત શિંદેએ કહ્યું કે, "અજિત દાદાએ કહ્યું હતું કે અમે સ્થાનિક ચૂંટણીઓ બાદ સાથે આવી જઈશું. હવે અમે એ જ દિશામાં આગળ વધીશું". જોકે, અજિત પવારના નિધન બાદ હવે આ જૂથનું નેતૃત્વ કોણ સંભાળશે અને શું વિલયની પ્રક્રિયા એ જ ગતિએ આગળ વધશે કે કેમ, તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.


