Airline Crisis : જેટ ફ્યૂલના ભાવમાં વધારો અને કિંમતોમાં અનિશ્ચિતતાના કારણે દેશની એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી આર્થિક સંકટમાં મુકાઈ ગઈ છે. જો સ્થિતિ નહીં સુધરે તો ફ્લાઈટ સેવાઓ ઠપ થવાનો ખતરો વધી ગયો છે. આ મામલે ભારતીય એરલાઈન્સ કંપનીના સંગઠન ફેડરેશન ઑફ ઈન્ડિયન એરલાઈન્સ (FIA)એ ગંભીર ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.
ATFની કિંમતમાં સહાય આપો : FIAએ મંત્રાલયને પત્ર લખ્યો
FIAએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને તાત્કાલિક સહાયની માંગ કરી છે. FIAએ ચેતવણી આપી છે કે, ‘જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ઘણી એરલાઈન્સ કામકાજ બંધ કરવા પડશે અથવા ફ્લાઈટ્સ ઓપરેશન અટકાવવાની નોબત ઉભી થશે.’
ભારતીય એરલાઈન્સ કંપનીઓ પર અનેક સંકટ
એરલાઈન ઈન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર હાલમાં જેટ ફ્યુઅલના ભાવ ઉથલ-પાથલની આશંકા ચાલી રહી છે, જેની સીધી અસર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઓપરેશનલ પર પડી રહી છે. એડ-હોક પ્રાઈસિંગ સિસ્ટમની ટીકા કરતા એફઆઈએએ કહ્યું કે, આ પદ્ધતિથી નેટવર્કનું સંચાલન કરવું અસ્થિર અને અવ્યવહારુ બની રહ્યું છે. ખાસ કરીને વિદેશી રૂટ પર એટીએફના ભાવમાં પ્રતિ લિટર 73થી 75 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જેના કારણે અનેક રૂટ પર વિમાન ઉડાડવા આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે. આ સ્થિતિના કારણે ભારતીય એરલાઈન્સ માટે વિદેશી કંપનીઓ સામે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.
FIAએ એક્સાઈઝ ડ્યૂટી સ્થગિત કરવા માંગ કરી
આ સંકટમાંથી ઉગારવા માટે FIAએ સરકાર પાસે કેટલીક મહત્વની માંગણીઓ મૂકી છે. સંગઠને વિનંતી કરી છે કે, ઘરેલુ ઓપરેશન માટે એટીએફ પર લાગતી 11 ટકા એક્સાઈઝ ડ્યુટીને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવે. આ ઉપરાંત અગાઉની સ્ટાન્ડર્ડ ક્રેક બેન્ડ પ્રાઈસિંગ મિકેનિઝમ ફરી લાગુ કરવા અને મુખ્ય એવિએશન હબ પર વેટના દરમાં ઘટાડો કરવાની માંગ પણ કરવામાં આવી છે. હાલનું ટેક્સ માળખું એરલાઈન્સના ખર્ચના ભારણને વધારી રહ્યું છે જે લાંબો સમય સહન કરી શકાય તેમ નથી.
...તો ફ્લાઈટોનું સંચાલન બંધ કરવું પડશે
જો ઈંધણના ભાવમાં અસ્થિરતા ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. એરલાઈન કંપનીઓએ સ્પષ્ટ કહ્યું કે, આર્થિક નુકસાન વધવાને કારણે વિમાનોની ઉડાન રદ કરવાની ફરજ પડી શકે છે. આનાથી માત્ર કનેક્ટિવિટીમાં ઘટાડો થશે એવું નથી પરંતુ મુસાફરો માટે હવાઈ ભાડામાં પણ મોટો ઉછાળો આવી શકે છે અને ફ્લાઈટના શિડ્યુલમાં મોટી અનિશ્ચિતતા સર્જાઈ શકે છે. હાલની આ પરિસ્થિતિ એરલાઈન સેક્ટર માટે અસ્તિત્વની લડાઈ સમાન બની ગઈ છે જેમાં સરકારના હસ્તક્ષેપ વગર સામાન્ય મુસાફરો અને ઉદ્યોગ બંનેને મોટું નુકસાન થવાની પૂરી શક્યતા છે.


