હવામાં પક્ષીની જેમ વિમાનના પાંખિયા આકાર બદલશે : આઇઆઇટીની શોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચેન્નાઇ : આઇઆઇટી મદ્રાસ દ્વારા ઉડ્ડયન ક્ષેત્રે એક મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. આઇઆઇટીએ બે દસકાના સંશોધન બાદ વિમાન માટે ફ્લેક્સિબલ પાંખિયા તૈયાર કર્યા છે. જે પહાડો જેવા વિસ્તારોમાં વિમાનોને ઉડવામાં વધુ મદદરૂપ થશે અને અકસ્માતો ટાળી શકાશે. પક્ષીઓની પાંખો પરથી પ્રેરણા લઇને વિમાનના આ પાંખિયા તૈયાર કરાયા છે.
પક્ષીઓ આકાશમાં ઉડતા હોય ત્યારે પોતાની અનુકુળતા મુજબ પોતાની પાંખોને વાળી લેતા હોય છે. તેનાથી પ્રેરણા લઇને વિમાનના એવા પાંખિયા તૈયાર કરવામાં આવ્યા છે કે જેનાથી હવાનો ફ્લો મુક્ત રીતે વહી શકે અને વિમાનને પણ કોઇ અવરોધ ઉભો ના થાય, ખાસ કરીને સંકટની સ્થિતિમાં આ પાંખિયા મદદરૂપ માનવામાં આવે છે.
જેને મોર્ફિંગ સ્કિન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવાના ફ્લોમાં જ્યારે અચાનક ફેરફાર થાય છે ત્યારે વિમાનની ઉડાન પર અસર થાય છે. જેને એરોડાયનેમિક સ્ટાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં વિમાન અસંતુલિત થવાની ભીતી રહે છે.
એરોડાયનેમિક સ્ટાલ એ ગંભીર સ્થિતિ છે કે જ્યારે વિમાનના પાંખિયાથી હવાનો પ્રવાહ એટલે કે એરફ્લો અલગ થઇ જાય છે. પરિણામે વિમાનને ઉપર ઉઠાવવાની જે તાકાત હોય છે તે અચાનક જ ઘટવા લાગે છે. સાથે જ હવાનો પ્રતિરોધ વધી જાય છે. એવામાં વિમાન પોતાનું સંતુલન ખોઇને નીચે પડવાની ભીતિ રહે છે. આ જોખમ સામે પહોંચી વળવા માટે જ આઇઆઇટી મદ્રાસ દ્વારા બહારના પાંખિયા માટે એસેમ્બલી એટેચમેન્ટ (મોર્ફિંગ સ્કિન) તૈયાર કરી છે જે ખુદને હવાના પ્રવાહ મુજબ ઢાળી શકશે. તેનાથી વિમાનના નીચે પડવાની શક્યતાઓ નહીવત થઇ જશે. હાલ આ ટેક્નોલોજીની પેટન્ટ પણ કરાવી લેવામાં આવી છે અને તે ઉપયોગમાં લેવા માટે તૈયાર છે.




