India

હવામાં ધ્રૂજી એર ઈન્ડિયાની ફ્લાઇટ! દિલ્હી પહોંચતા પહેલાં જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
ભોપાલથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 1886 માં ટેકનિકલ ખામી સર્જાતા અફડાતફડી મચી હતી. એન્જિનમાં ગડબડ જણાતા પાઈલટે સમયસૂચકતા વાપરી, અને વિમાનને દિલ્હીને બદલે રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. એર ઈન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરી, વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

હવામાં ધ્રૂજી એર ઈન્ડિયાની ફ્લાઇટ! દિલ્હી પહોંચતા પહેલાં જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

Air India Bhopal Delhi Flight AI1886 Emergency Landing: ભોપાલથી નવી દિલ્હી માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 1886 માં તે સમયે ભારે અફડાતફડી મચી ગઈ, જ્યારે આકાશમાં પહોંચતા જ વિમાનના એન્જિનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ. પાઈલટે હવામાં જોખમ લેવાને બદલે તાત્કાલિક સૂઝબૂઝ બતાવી અને દિલ્હી જવાને બદલે ફ્લાઈટનો રૂટ બદલીને રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળી દીધો હતો. ભોપાલથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 1886 ને રવિવારે સવારે ટેકનિકલ ખામી બાદ જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. પ્રારંભિક માહિતી મુજબ, એન્જિનમાં ગડબડ હોવાની જાણ થતાં પાઈલટે જયપુર એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

AI 1886 ભોપાલના રાજા ભોજ એરપોર્ટથી ઉડ્યુ હતું

પ્રાપ્ત વિગતો અનુસાર, AI 1886 એ ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પરથી સવારે 8:47 વાગ્યે ઉડાન ભરી હતી (જેનો નિર્ધારિત સમય સવારે 8:25 નો હતો). આ ફ્લાઈટ સવારે 9:55 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી, પરંતુ રસ્તામાં ખામી સર્જાતા તેને જયપુર મોકલવામાં આવી. જયપુર પહોંચ્યા બાદ સુરક્ષાના તમામ નિયમો સાથે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

એર ઈન્ડિયાનું નિવેદન

એર ઈન્ડિયાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 'ભોપાલથી દિલ્હી જતી ફ્લાઈટ AI 1886 ને 13 સપ્ટેમ્બરે ટેકનિકલ સમસ્યાના કારણે નિર્ધારિત પ્રોટોકોલ મુજબ જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે. પ્લેન જયપુરમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું છે. મુસાફરોને પડેલી અસુવિધા બદલ ખેદ છે, અને તેમને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને તમામ સહયોગ આપી રહી છે.'

અગાઉ ઈન્ડિગો ફ્લાઈટને પણ થવું પડ્યું હતું રિટર્ન

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 11 સપ્ટેમ્બરે નાગપુરથી હૈદરાબાદ જઈ રહેલી IndiGo ની ફ્લાઈટ (ATR 72) ને પણ ટેકનિકલ ખામીના કારણે ટેકઓફના થોડા સમય બાદ જ નાગપુર એરપોર્ટ પર સુરક્ષિત પરત લાવવામાં આવી હતી. ત્યારબાદ મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા હૈદરાબાદ રવાના કરાયા હતા.