India

વિમાનો બનાવવાથી લઈને ડિલિવરી સુધીનો સમય ઘટાડવો જ પડશે: તેજસના વિલંબ વચ્ચે વાયુસેના પ્રમુખનું મહત્વનું નિવેદન

By GS Team
24 May 20263 mins read
TukuTouch Logo
ભારતીય વાયુસેનામાં ફાઈટર પ્લેનની ઘટતી જતી સ્ક્વોડ્રનની સંખ્યા અને જૂના થઈ રહેલા લડાકુ વિમાનોને નિવૃત્ત કરવાની પ્રક્રિયા વચ્ચે એર ચીફ માર્શલ એ.પી. સિંહે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્વદેશી સૈન્ય વિમાનો અને સિસ્ટમ્સને વાયુસેનામાં સામેલ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિમાનો બનાવવાથી લઈને ડિલિવરી સુધીનો સમય ઘટાડવો જ પડશે: તેજસના વિલંબ વચ્ચે વાયુસેના પ્રમુખનું મહત્વનું નિવેદન

Tejas Mk-1A delivery delay 2026: ભારતીય વાયુસેનામાં ફાઈટર પ્લેનની ઘટતી જતી સ્ક્વોડ્રનની સંખ્યા અને જૂના થઈ રહેલા લડાકુ વિમાનોને નિવૃત્ત કરવાની પ્રક્રિયા વચ્ચે એર ચીફ માર્શલ એ.પી. સિંહે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્વદેશી સૈન્ય વિમાનો અને સિસ્ટમ્સને વાયુસેનામાં સામેલ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે.

ઝડપી ડિલિવરી પર મુક્યો ભાર

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને લઈને એક મોટો આદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભારતીય વાયુસેના હાલમાં ફાઈટર સ્ક્વોડ્રનની અછતનો સામનો કરી રહી છે અને જૂના થઈ ગયેલા લડાકુ વિમાનોને તબક્કાવાર નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્વદેશી લડાકુ વિમાનોના ડિઝાઇનથી લઈને તેની ડિલિવરી સુધીના સમય ચક્રને ટૂંકાવવો જ પડશે.

AFTPSના ફ્લાઇટ ટેસ્ટ કોર્સના ગ્રેજ્યુએટ્સને સંબોધ્યા

વાયુસેના દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, એર ચીફ માર્શલે શનિવારે બેંગલુરુ સ્થિત એરફોર્સ ટેસ્ટ પાઇલટ્સ સ્કૂલ (AFTPS) ખાતે 48મા ફ્લાઇટ ટેસ્ટ કોર્સના ગ્રેજ્યુએટ થઈ રહેલા અધિકારીઓને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી. તેમણે સુરક્ષા અને ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખીને આ પ્રક્રિયા ઝડપી બનાવવા હાકલ કરી છે.

આ પણ વાંચો : IPL-2026 પ્લેઓફનું ચિત્ર સાફ : રાજસ્થાન ચોથી ટીમ બની, મુંબઈ હારતા વધુ બે ટીમો બહાર

તેજસ Mk-1A ના પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ વચ્ચે મોટું નિવેદન

વાયુસેના પ્રમુખનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વાયુસેના પોતાના સ્ક્વોડ્રનની ઘટતી સંખ્યાને રોકવા માટે સ્વદેશી તેજસ Mk-1A લડાકુ વિમાનોની સમયસર ડિલિવરી માટે સતત પ્રયાસ કરી રહી છે. આ પ્રોગ્રામ પહેલેથી જ તેના નિર્ધારિત શેડ્યૂલ કરતાં બે વર્ષ કરતાં વધુ મોડો ચાલી રહ્યો છે. આ વિમાનોની શરૂઆતની ડિલિવરી ગયા વર્ષે ઓક્ટોબરમાં થવાની હતી, જે લંબાવીને પહેલા માર્ચ અને પછી જૂન-જુલાઈ કરવામાં આવી હતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) ગયા અઠવાડિયે જ જણાવ્યું છે કે હવે તેઓ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં આ વિમાનોની ડિલિવરી શરૂ કરવાની આશા સેવી રહ્યા છે. 

એન્જિનની અછતથી વધી મુશ્કેલી

લડાકુ વિમાનની ડિલિવરીમાં વિલંબ પાછળ અમેરિકન કંપની GE એરોસ્પેસ દ્વારા F404 એન્જિનની ઓછી સપ્લાય પણ એક મુખ્ય કારણ છે. હાલમાં HAL પાસે આવા માત્ર 6 એન્જિન જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિમાનમાં એડવાન્સ રડાર (EL/M-2052 AESA) અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમને સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.

આત્મનિર્ભરતા કોઈ વિકલ્પ નથી પરંતુ વ્યૂહાત્મક જરૂરિયાત છે

એર ચીફ માર્શલ એ.પી. સિંહે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને ભારતની વ્યૂહાત્મક જરૂરિયાત ગણાવી છે. તેમણે દેશની એરોસ્પેસ ક્ષમતા અને સ્વદેશી સંરક્ષણ શક્તિને મજબૂત કરવા માટે ફ્લાઇટ-ટેસ્ટ પર્સનલ એટલે કે પરીક્ષણ કરનારા અધિકારીઓની ભૂમિકાને અતિ મહત્વની ગણાવી હતી. નોંધનીય છે કે, આ 48 અઠવાડિયાના કઠિન કોર્સમાંથી કુલ 17 અધિકારીઓ પાસ આઉટ થયા છે, જેમાં ભારતીય વાયુસેનાના 14, આર્મીના 1 અને નેવીના 2 અધિકારીઓ સામેલ છે. આ તમામ અધિકારીઓ હવે વાયુસેનાની પ્રીમિયર ફ્લાઇટ-ટેસ્ટ સંસ્થા એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ સાથે (ASTE) જોડાશે.