India

વિજય થલપતિ બાદ વધુ એક સુપરસ્ટારની રાજકારણમાં એન્ટ્રી? ફેન્સને આપેલા નિવેદન બાદ ચર્ચા

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતા ધનુષની રાજકારણમાં એન્ટ્રી અંગે ફરી અટકળો તેજ બની છે. રવિવારે ચેન્નઈમાં ફેન્સ ક્લબ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં તેમણે સમાજસેવાની અપીલ કરી. ધનુષે કહ્યું કે, આ એકતાનો ઉપયોગ લોકકલ્યાણ માટે થવો જોઈએ. આ નિવેદન બાદ અભિનેતા વિજયની જેમ તેઓ પણ રાજકીય પક્ષની જાહેરાત કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિજય થલપતિ બાદ વધુ એક સુપરસ્ટારની રાજકારણમાં એન્ટ્રી? ફેન્સને આપેલા નિવેદન બાદ ચર્ચા

તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને નેશનલ એવોર્ડ વિનર ધનુષની રાજકારણમાં એન્ટ્રીને લઈને અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. રવિવારે તેમના ફેન્સ ક્લબ દ્વારા આયોજિત એક ભવ્ય રક્તદાન શિબિરમાં ધનુષ દ્વારા આપવામાં આવેલા ભાષણે આ ચર્ચાઓને જોરશોરથી હવા આપી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધનુષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ પ્રકારની ભીડ માત્ર ફિલ્મોની ઉજવણી માટે ભેગી ન થવી જોઈએ, પરંતુ આ એકતાનો ઉપયોગ સમાજ સેવાના કાર્યો માટે પણ થવો જોઈએ.

ધનુષે કહ્યું લોકોપયોગી પ્રવૃતિ કરો

કાર્યક્રમ દરમિયાન પ્રશંસકોને સંબોધિત કરતા ધનુષે જણાવ્યું હતું કે આપણા આસપાસના લોકોની જરૂરિયાતોને સમજવી અત્યંત આવશ્યક છે. તેમણે ઉમેર્યું હતું કે આટલી મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ ભેગા થયા છે અને આ પ્રકારની એકતામાં મોટી શક્તિ હોય છે. આપણે આ એકતાને એક યોગ્ય ઉદ્દેશ્ય આપવો પડશે. માત્ર ઓડિયો લોન્ચ અને ફેન્સ મીટઅપથી આગળ વધીને આપણે વધુને વધુ લોકકલ્યાણના કાર્યોમાં સામેલ થવું જોઈએ. પોતાના વિસ્તાર અને આસપાસના પરિવારોની જરૂરિયાતો સમજીને શક્ય હોય તે દરેક પ્રકારે તેમની મદદ કરવી જોઈએ તેવી પ્રેરણાદાયી અપીલ તેમણે કરી હતી.

ધનુષની રાજકારણમાં એન્ટ્રીની ફરી અટકળો

અગાઉ પણ અનેકવાર ધનુષના રાજકારણમાં આવવાની અટકળો લગાડવામાં આવતી રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર ધનુષના આ ભાષણનો વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ એવી ચર્ચા કરી રહ્યા છે કે તમિલનાડુમાં પોતાની રાજકીય સફર શરૂ કરનાર અભિનેતા વિજયની જેમ ધનુષ પણ ટૂંક સમયમાં પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. જોકે, અભિનેતા તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.