- લોકસભા સ્પીકરને પત્ર લખી રજૂઆત કરી
- બંગાળનાં વિકાસ માટે તૃણમૂલનાં 20 સાંસદોનો એનડીએને સમર્થન આપવાનો નિર્ણય : દસ્તીદાર
- અલગ જૂથ તરીકે લોકસભામાં બેસવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી
- હાલમાં લોકસભામાં તૃણમૂલનાં 28 સાંસદો જે પૈકી નુરુલ ઇસ્લામનાં અવસાન પછી એક બેઠક ખાલી
નવી દિલ્હી : મમતા બેનર્જીને વધુ એક આંચકો લાગ્યો છે. ચીફ વ્હિપ કાકોલી ઘોષ દસ્તીદારનાં નેતૃત્ત્વમાં ૨૦ લોકસભા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખી ભાજપનાં નેતૃત્ત્વવાળા એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
આ ઘટનાક્રમ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમુલ નેતૃત્ત્વને લાગેલા આંચકાનાં થોડાક દિવસ પછી થયો છે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા તૃણમુલનાં ૮૦માંથી ૫૮ ધારાસભ્યોએ પાર્ટી હાઇકમાન્ડની વાત માનવાનો ઇનકાર કરીને સોવનદેવ ચટ્ટોપાધ્યાયને બદલે બરતરફ કરવામાં આવેલા ધારાસભ્ય રિતાબ્રતા બેનર્જીને વિપક્ષનાં નેતા બનાવવાનું સમર્થન કર્યુ હતું.
મમતા બેનર્જી એક તરફ વિપક્ષને મજબૂત કરવા ઇન્ડિયા બ્લોકની બેઠકમાં સામેલ થયા હતાં તો બીજી તરફ તેમના પક્ષનાં જ લોકસભાનાં ૨૦ સાંસદોએ ઓેમ બિરલાને પત્ર લખી ભાજપનાં નેતૃત્ત્વવાળા એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું કે ૨૦ સાંસદોએ એનડીએને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
ચાર વખત સાંસદ રહેલા અને ગયા સપ્તાહમાં પક્ષનાં તમામ પદોથી રાજીનામું આપનારા ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું કે મારા સહિત ૨૦ તૃણમુલ સાંસદોએ બંગાળના વિકાસ માટે એનડીએને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. અમે એક અલગ જૂથ તરીકે અલગ બેસવા માટેની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર સાંસદોએ તાત્કાલિક તૃણમુલમાંથી રાજીનામું ન આપવા અને ભાજપમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. તેના બદલે તે એનડીએનું સમર્થન કરીને એક અલગ સંસદીય જૂથ તરીકે કાર્ય કરવા માંગે છે.
હાલમાં લોકસભામાં તૃણમુલનાં ૨૮ સાંસદો છે. બશીરહાટનાં સાંસદ હાજી નુરુલ ઇસ્લામનાં અવસાન પછી એક બેઠક ખાલી પડી છે. ૨૦ સાંસદોનો ટેકો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ રક્ષણ માટે જરૂરી બે તૃતિયાંશ બહુમતીથી વધુ થઇ જશે.


