India

લોકસભા બાદ રાજ્યસભામાં પણ 'એન્ટી પેપર લીક બિલ' પસાર: કાયદો બનવાથી હવે માત્ર એક ડગલું દૂર

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
દેશભરમાં NEET પેપર લીકના વિવાદ વચ્ચે, સંસદમાં 'એન્ટી પેપર લીક બિલ' પસાર થતા કાયદા બનવાની તૈયારીમાં છે. લોકસભા બાદ વિરોધ પક્ષના વોકઆઉટ વચ્ચે રાજ્યસભામાં પણ આ બિલ ધ્વનિમતથી પસાર થયું. સરકારે આને લાખો વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો, જ્યારે વિપક્ષે કાયદાની કડકાઈ સામે પ્રશ્નો ઉઠાવ્યા. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ આ નવો કાયદો અમલમાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકસભા બાદ રાજ્યસભામાં પણ 'એન્ટી પેપર લીક બિલ' પસાર: કાયદો બનવાથી હવે માત્ર એક ડગલું દૂર

Anti Paper Leak Bill : દેશભરમાં NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક અંગે ચાલી રહેલા ભારે વિવાદ અને વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે સંસદમાં પેપર લીક સામેનો નવો કાયદો બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લોકસભા બાદ હવે વિપક્ષના ભારે હોબાળા અને વોકઆઉટ વચ્ચે રાજ્યસભામાં પણ 'એન્ટી પેપર લીક બિલ' ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યું છે. સરકારે આ બિલને દેશના લાખો વિદ્યાર્થીઓ અને પરિવારો માટે ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે, જ્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે કડક કાયદાથી સમસ્યા ઉકેલાશે નહીં. રાજ્યસભાની લીલી ઝંડી મળવાની સાથે જ આ બિલ હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનવાથી માત્ર એક કદમ દૂર છે.

વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ

રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષના આ વલણ પર ગૃહના નેતા જે. પી. નડ્ડાએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે વિપક્ષ પાસે હવે કોઈ મુદ્દો બચ્યો નથી અને તેઓ જવાબ સાંભળવાને બદલે ભાગી રહ્યા છે.

સરકારનો દાવો: વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય

સંસદીય કાર્યમંત્રી ડો. જિટેન્દ્ર સિંહે બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે આ મુદ્દો દેશના દરેક પરિવાર સાથે જોડાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે મેનેજમેન્ટ કોટા નાબૂદ કરીને તબીબી શિક્ષણ સૌ માટે સરળ બનાવ્યું છે. સાંસદ રાઘવ ચઢ્ઢાએ ઉમેર્યું હતું કે સરકારે માત્ર 75 દિવસમાં ચાર્જશીટ દાખલ કરીને ઝડપી કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં નીટ (NEET) પરીક્ષા કોમ્પ્યુટર આધારિત સિસ્ટમથી લેવામાં આવશે.

રાજ્યસભામાં નેતાઓએ શું કહ્યું?

મલ્લિકાર્જુન ખડગે: વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં 152 પરીક્ષાઓના પેપર લીક થયા છે. તેમણે અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી.

સંજય સિંહ: આમ આદમી પાર્ટીના સાંસદોએ સવાલ ઉઠાવ્યો હતો કે પરીક્ષા રદ થવાના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે.

સંજય રાઉત: શિવસેનાના સાંસદે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રમાં પેપર લીકમાં પકડાયેલા મોટાભાગના આરોપીઓ શાસક પક્ષ સાથે જોડાયેલા છે.

પ્રો. રામગોપાલ યાદવ: સપા સાંસદે કડક કાયદા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે માત્ર દંડ વધારવાથી ગુનાઓ અટકતા નથી. તેમણે મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવાનો અધિકાર ફરીથી રાજ્યોને સોંપવાની માંગ કરી હતી.

લોકસભામાં 'વંદે માતરમ્ બિલ' પણ પસાર

રાજ્યસભામાં પેપર લીક બિલ પસાર થવાની સાથે જ લોકસભામાં પણ હંગામા વચ્ચે 'વંદે માતરમ્ બિલ' પસાર કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને ગૃહની કાર્યવાહી 31 જુલાઈ, શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.