India

'કોકરોચ' બાદ CJIની વધુ એક ટિપ્પણી વિવાદોમાં, સુનાવણી દરમિયાન કહ્યું - 'તમે પરજીવી છો..'

By GS Team
17 Jun 20263 mins read
TukuTouch Logo
CJI સૂર્યકાંત ફરી વિવાદમાં આવ્યા છે. સાયબર ફ્રોડ કેસમાં આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા તેમણે કહ્યું કે, "આવા લોકો પરજીવી જેવા હોય છે અને તેમનું જેલમાં રહેવું જ યોગ્ય છે." સુપ્રીમ કોર્ટમાં સાયબર ગુનેગારોને "પરજીવી" ગણાવી, કરોડોની છેતરપિંડી કરનારાઓને જેલમાં રાખવા સમાજના હિતમાં હોવાનું CJIએ ભારપૂર્વક જણાવ્યું. આ પહેલા "કોકરોચ" ટિપ્પણી પર પણ વિવાદ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'કોકરોચ' બાદ CJIની વધુ એક ટિપ્પણી વિવાદોમાં, સુનાવણી દરમિયાન કહ્યું - 'તમે પરજીવી છો..'

Another Comment Of CJI In Controversy : દેશના મુખ્ય ચીફ જસ્ટિસ સૂર્યકાંતની 'કોકરોચ' વાળી ટિપ્પણીને લઈને દેશભરમાં થયેલા વિવાદ બાદ હવે ફરી એકવાર તેમણે આવી જ એક ટિપ્પણી કરી છે. CJI સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું કે, 'આ પ્રકારના લોકો પરજીવી જેવા હોય છે અને તેથી જ તેમનું જેલમાં રહેવું વધુ યોગ્ય છે.'
સાયબર ગુનેગારો 'પરજીવી' છે
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં સાયબર ફ્રોડના એક કેસ પર સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન CJIની અધ્યક્ષતાવાળી પીઠે ગુનેગારને જામીન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. અરજીને ફગાવી દેતા પીઠે અત્યંત કડક ટિપ્પણીઓ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સાયબર ગુનેગારો 'પરજીવી' છે જે લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરે છે અને તેમને પકડવા પણ સરળ નથી હોતા. આવા ગુનેગારોને જેલના સળિયા પાછળ રાખવા જ સમાજના હિતમાં છે.
શું બોલ્યા CJI?
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આરોપીને ફટકાર લગાવતા કહ્યું કે, 'તમે પરજીવી છો જે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરો છો. સાયબર ગુનેગારો પ્રત્યે અમારે ખૂબ જ કડક વલણ અપનાવવું જ પડશે.'

CJIએ આગળ સાયબર ગુનાના વ્યાપ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે આગળ કહ્યું કે, 'તમે લોકો કોઈ એક રાજ્ય પૂરતા સીમિત નથી રહેતા. તમિલનાડુમાં કોઈની સાથે છેતરપિંડી કરો છો અને પછી ત્યાંથી જમ્મુ જતા રહો છો. સમાજનું હિત એમાં જ છે કે તમારા જેવા લોકો જેલની અંદર જ રહે.'
કોકરોચ વાળા નિવેદન પર વિવાદ
નોંધનીય છે કે, આ પહેલા CJI સૂર્યકાંતે એક કેસમાં આ પ્રકારની ટિપ્પણી કરી હતી, ત્યારે તેમના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. CJI સૂર્યકાંતે ગત મહિને એક અરજી પર સુનાવણી કરતી વખતે કથિત રીતે બેરોજગાર યુવાનોની સરખામણી 'કોકરોચ' સાથે કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, 'બેરોજગાર યુવાનો આગળ જતાં મીડિયા, સોશિયલ મીડિયા અને આરટીઆઈ કાર્યકર્તા બની જાય છે અને પછી સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.'
વિવાદ વધતા સ્પષ્ટતા આપી
તેમના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે, દેશના ચીફ જસ્ટિસે યુવાઓ માટે આવા શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈતો હતો. ત્યારબાદ CJI સૂર્યકાંતે સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે, મારા નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, મને એ જાણીને દુઃખ થયું કે મીડિયાના એક વર્ગે ગઈકાલે એક સામાન્ય કેસની સુનાવણી દરમિયાન મારા દ્વારા કરવામાં આવેલી મૌખિક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરી છે. મારું આ નિવેદન નકલી અને બોગસ ડિગ્રીઓ દ્વારા કાનૂની ક્ષેત્રમાં પ્રવેશ કરી રહેલા લોકો માટે હતું, પરંતુ મીડિયાના એક વર્ગે તેને ખોટા સંદર્ભમાં રજૂ કર્યું.

જો કે, ત્યાં સુધીમાં વિવાદ ઘણો વધી ચૂક્યો હતો. નારાજ યુવાનોએ વિરોધ નોંધાવવા માટે એક પાર્ટીની પણ રચના કરી છે, જેને 'કોકરોચ જનતા પાર્ટી' નામ આપવામાં આવ્યું છે અને તેને દેશવ્યાપી આંદોલનમાં બદલવાની તૈયારીઓ ચાલી રહી છે.