અયોધ્યા-કાશી બાદ હવે મથુરાનો વારો? ભાજપની ચિંતન બેઠકમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુદ્દે મોટી જાહેરાતની અટકળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP Assembly Election 2027 : ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ મથુરાથી એક મોટો રાજકીય મેસેજ આપવાની તૈયારી કરી રહી છે. મથુરાના પરખમ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર ખાતે બે દિવસીય 16 અને 17 નવેમ્બરે ભાજપની બે દિવસીય ચિંતન બેઠક યોજાવાની છે, જેમાં સંગઠન અને ચૂંટણી રણનીતિની સાથે શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે. બીજી તરફ, બેઠકમાં પહોંચેલા ભાજપના વરિષ્ઠ નેતાઓએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના દલિત સંમેલન પર સવાલો ઉઠાવતા સપા પર આકરા પ્રહારો કર્યા છે.
મથુરાને રાજકીય એજન્ડામાં સામેલ કરવાની માંગ
પ્રાપ્ત માહિતી અનુસાર, લખનૌથી દિલ્હી સુધી ભાજપના કેટલાક નેતાઓ ઈચ્છે છે કે, અયોધ્યામાં રામ મંદિર અને કાશીમાં વિશ્વનાથ ધામ બાદ હવે મથુરાને પણ ભાજપના રાજકીય એજન્ડામાં પ્રમુખતાથી સામેલ કરવામાં આવે. આ વર્ગ બે દિવસીય બેઠકમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના મુદ્દે વિસ્તૃત મંથન કરીને તેને પાર્ટીના એજન્ડામાં સામેલ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવાની માંગ કરી રહ્યો છે, જેથી 2027ની વિધાનસભા અને 2029ની લોકસભા ચૂંટણીની રણનીતિમાં તેની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જ લેશે.
મોહન યાદવના નિવેદન અને યોગીના દિલ્હી પ્રવાસની ચર્ચા
તાજેતરમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે વારાણસીમાં ગોવર્ધન પૂજા ઉત્સવ દરમિયાન નિવેદન આપ્યું હતું કે, જે રીતે અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજમાન થયા છે, તેવી જ રીતે ટૂંક સમયમાં ભગવાન ગોપાલ કૃષ્ણ પણ મથુરામાં બિરાજમાન થશે. પાર્ટી વર્તુળોમાં મથુરા અંગે ચાલી રહેલી ચર્ચાને આ નિવેદન સાથે જોડવામાં આવી રહી છે. ઉપરાંત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના ગત દિલ્હી પ્રવાસ દરમિયાન વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠકમાં મથુરા અંગેની આગામી રણનીતિનો મુદ્દો ઉઠાવ્યો હોવાની ચર્ચા છે.
પશ્ચિમી યુપી અને યાદવ મતદારોને સાધવાની રણનીતિ
ભાજપના રણનીતિકારો મથુરાના મુદ્દા દ્વારા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પાર્ટીની રાજકીય સક્રિયતા વધારવા અને સમાજવાદી પાર્ટીનો મજબૂત જનાધાર ગણાતા યાદવ સમાજ સુધી સંદેશ પહોંચાડવાની સંભાવના પર વિચાર કરી રહ્યા છે. પાર્ટીના એક વર્ગનું માનવું છે કે શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ઉઠાવીને યાદવ સમાજ વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખના આધારે સંવાદ વધારી શકાય છે.
મથુરામાં મંદિર નિર્માણ અંગે કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન
નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવને ગરીબો, પછાતો અને દલિતોના દુશ્મન ગણાવતા કહ્યું કે, અયોધ્યા જવાને બદલે અખિલેશ યાદવે મથુરા આવીને ભગવાન કૃષ્ણનું મંદિર બનાવડાવવું જોઈએ. મૌર્યએ ભારપૂર્વક જણાવ્યું કે, અયોધ્યાની જેમ જ ન્યાયિક પ્રક્રિયાથી કે પરસ્પર વાતચીતના માધ્યમથી શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર પણ મંદિરનું નિર્માણ ચોક્કસ થશે. જો અખિલેશ યાદવ કારસેવા કરવા આવવા માંગતા હોય, તો અમે તેમની સાથે મળીને મંદિર બનાવીશું.
સપાના દલિત સંમેલન પર ભાજપના નેતાઓના પ્રહારો
એક દિવસ પહેલા આગ્રામાં 'દલિત સંમેલન'માં અખિલેશ યાદવે PDAમાં 'ડી' નો અર્થ 'દમદાર દલિત' ગણાવી દલિત સમુદાય ભાજપને હરાવશે તેવો દાવો કર્યો હતો. તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે સપાના શાસનમાં હંમેશા દલિતો પર અત્યાચાર થયા છે. રાજ્યના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ પણ આરોપ લગાવ્યો કે સપાના કાર્યકાળમાં દલિતો પર અત્યાચાર, તેમના મહાપુરુષોનું અપમાન અને જમીન પર કબજા જેવા ગુનાઓ થયા છે, તેથી જનતા સપાની અસલિયત સારી રીતે જાણે છે.
બે દિવસીય બેઠકનો એજન્ડા અને નેતાઓની ઉપસ્થિતિ
રાજ્યના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ જણાવ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના માર્ગદર્શનમાં કાર્યયોજના તૈયાર થશે. જિલ્લા મીડિયા પ્રભારી શ્યામ ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સતત ત્રીજી વખત જીત સુનિશ્ચિત કરવા અને બ્રજ ક્ષેત્રમાં પાર્ટીની વૈચારિક-સંગઠનાત્મક પકડ મજબૂત કરવા આશરે 48 વરિષ્ઠ નેતાઓ મંથન કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન (17 નવેમ્બરે સામેલ થવાની સંભાવના), બીએલ સંતોષ, પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી, પ્રભારી વિનોદ તાવડે, બંને નાયબ મુખ્યમંત્રીઓ, સાંસદ હેમા માલિની, તમામ 6 ક્ષેત્રીય પ્રભારીઓ અને રાજ્ય કોર કમિટીના સભ્યો સામેલ થઈ રહ્યા છે. બેઠકના મુખ્ય એજન્ડામાં બૂથ સ્તરે સંગઠન મજબૂત કરવું, પન્ના પ્રમુખોની સમીક્ષા, નવા મતદારો, યુવાનો, મહિલાઓ અને લાભાર્થીઓ સુધી પહોંચ વધારવી, સરકાર-સંગઠન સંકલન, કાર્યકરોની નારાજગી અને વિપક્ષની રણનીતિ પર ચર્ચાનો સમાવેશ થાય છે.




