એક વખત ધડબડાટી બાદ હવે મેઘરાજા લેશે વિરામ! ગુજરાત સહિતના રાજ્યોમાં ગરમીની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Monsoon Break India 2026 : ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અને ખેતરોના પાકને મળેલી રાહત બાદ, હવે ચોમાસા પર બ્રેક વાગવા જઈ રહી છે. હવામાનશાસ્ત્રીઓના મતે, દેશના મોટા હિસ્સામાં સૂકો તબક્કો (ડ્રાય ફેઝ) શરૂ થશે, જેના કારણે આકાશ સ્વચ્છ રહેશે, પરંતુ અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડશે. ભારતીય હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, દેશે સતત 9 દિવસ સુધી સરેરાશ કરતાં વધુ વરસાદ જોયો છે. આ વરસાદના કારણે જૂન મહિનાની અછત સરભર થઈ શકી હતી, જે 126 વર્ષમાં દેશનો પાંચમો સૌથી સૂકો જૂન મહિનો રહ્યો હતો.
તાજેતરનો વરસાદ અને રાહત
જૂન મહિનો સૂકો રહ્યા બાદ, જુલાઈની શરૂઆતમાં જોરદાર વરસાદ પડ્યો. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે પાણી ભરાવા અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ સર્જાઈ. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો, જ્યાં જુલાઈ મહિનાના ક્વોટાનો મોટાભાગનો વરસાદ ગણતરીના દિવસોમાં જ પડી ગયો. ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફ્લેશ ફ્લડ, ભૂસ્ખલન અને ફ્લાઇટ-ટ્રેનમાં વિલંબના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચી લાવનારી લો-પ્રેશર સિસ્ટમને કારણે ચોમાસું ફરી સક્રિય થયું હતું, પરંતુ આ સ્થિતિ લાંબો સમય ટકે તેમ લાગતું નથી.
કયા વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે?
હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, 10 જુલાઈથી ચોમાસાનો મુખ્ય પટ્ટો હિમાલયની તળેટી તરફ સરકી રહ્યો છે. આ બદલાવને કારણે આગામી 5-7 દિવસ સુધી પશ્ચિમના સૂકા પવનો દેશના આંતરિક ભાગોમાં ઊંડે સુધી પ્રવેશ કરશે, જેનાથી વરસાદની ગતિ અટકી જશે. જે વિસ્તારોમાં વરસાદ નહિવત અથવા બિલકુલ નહીં થાય, તેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, અને હવામાં ભેજ તથા ગરમીના મિશ્રણને કારણે 'ફીલ્સ લાઇક' (અનુભવાતું) તાપમાન 45-50°C સુધી પહોંચી શકે છે, જે ખૂબ જ અસહ્ય હશે.
આનાથી વિપરીત, ચોમાસાની ધરી જે રાજ્યો તરફ સરકી છે, જેમ કે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યો(નોર્થ-ઈસ્ટ)માં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે.

શું IMDની ચેતવણી સાચી પડશે?
IMDએ પહેલાથી જ જુલાઈ મહિનામાં લાંબા ગાળાની સરેરાશના 94%ની આસપાસ એટલે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આગાહી કરી હતી. ચોમાસામાં આવો ટૂંકો વિરામ સામાન્ય છે, પરંતુ જુલાઈના મધ્યમાં વહેલા બ્રેક આવવાને કારણે, ડાંગર જેવા ખરીફ પાકો માટે ચિંતા ઊભી થઈ છે, જેને સતત ભેજની જરૂર હોય છે. સિંચાઈની સુવિધા વિનાના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. જુલાઈના અંતમાં વરસાદનો બીજો સક્રિય તબક્કો આવી શકે છે, પરંતુ હાલ પૂરતો ચોમાસા પર વિરામ રહેશે.









