Get The App

Explainer: આધાર અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી, તો જાણો માન્ય દસ્તાવેજો કયા

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
Explainer: આધાર અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી, તો જાણો માન્ય દસ્તાવેજો કયા 1 - image


Aadhar Card: ભારતના મોટાભાગના નાગરિકો પોતાની સાથે આધાર કાર્ડ લઈને ફરતા હોય છે, કેમ કે ઘણાં સરકારી અને બિનસરકારી કામમાં આધાર કાર્ડ રજૂ કરવું જરૂરી હોય છે. તેથી મોટાભાગના લોકો એમ જ સમજતા હોય છે કે આધાર કાર્ડ તેમની નાગરિકતાનો પુરાવો છે. પણ શું તમે જાણો છો કે આ માન્યતા ભૂલભરેલી છે? કાયદેસર રીતે જોઈએ તો આધાર કાર્ડ તમારી નાગરિકતાના પુરાવા તરીને માન્ય નથી ગણાતો. શા માટે? ચાલો, વિષયના ઊંડાણમાં ઉતરીને સમજીએ. 

આધાર કાર્ડ નહીં પણ આ દસ્તાવેજો નાગરિકતાના પુરાવા ગણાય છે

ભારતમાં વ્યક્તિનો પાસપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો નાગરિકતાના પુરાવા ગણાય છે, પરંતુ એ દસ્તાવેજોના આધારે બનાવેલું આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો ગણાતું નથી. આધાર કાર્ડમાં વ્યક્તિની ફિંગર પ્રિન્ટ, રેટિના સ્કેનિંગ જેવી બાયોમેટ્રિક વિગતો અને વ્યક્તિગત માહિતી સંગ્રહાયેલી હોય છે.

આ પણ વાંચોઃ Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે 'સંમતિ વય'ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક્કી થઈ

બિહારમાં ચૂંટણી પહેલાં ઊભા થયા નાગરિકતાના પ્રશ્નો

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીની સઘન સમીક્ષા થઈ રહી છે, જેમાં નાગરિકતા સંબંધિત અનેક પ્રશ્નો ઊભા થયા છે. બિહારના છેવાડાના વિસ્તારોના લોકોને નવી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં પણ પોલીસ અને સરકારી સંસ્થાઓ શંકાસ્પદ વ્યક્તિઓની નાગરિકતા ચકાસી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણા સ્થાયી નિવાસીઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલી પડી રહી છે.

નોંધણી બાબતે સમસ્યા શા માટે ઊભી થઈ?

મતદાર યાદીમાં નોંધણી બાબતે સમસ્યા ઊભી થઈ છે, કારણ કે ચૂંટણી પંચે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવા દસ્તાવેજોને નાગરિકતા સાબિત કરવા માટે માન્યા રાખ્યા નથી. આ નિયમ અન્ય રાજ્યોમાં પણ લાગુ પડે છે.

કયા દસ્તાવેજો નાગરિકતા સાબિત કરી શકે છે?

ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીના ‘વિશેષ સુધારણા અભિયાન’ (SIR – સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) માટે નીચેના 11 દસ્તાવેજોને માન્યતા આપી છે:

  1. કોઈ પણ કેન્દ્ર/રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના ઉપક્રમના નિયમિત કર્મચારી/પેન્શનરને અપાતું ઓળખપત્ર/પેન્શન ચૂકવણી આદેશ
  2. 01/07/1987 પહેલાં સરકાર/સ્થાનિક સત્તા/બેંક/પોસ્ટ ઓફિસ/LIC/જાહેર ઉપક્રમો દ્વારા અપાતું ઓળખપત્ર/પ્રમાણપત્ર
  3. સક્ષમ અધિકારી દ્વારા અપાતું જન્મ પ્રમાણપત્ર
  4. પાસપોર્ટ
  5. માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા અપાતું મેટ્રિક/શૈક્ષણિક પ્રમાણપત્ર
  6. સક્ષમ રાજ્ય સત્તા દ્વારા અપાતું કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
  7. વન અધિકાર પ્રમાણપત્ર
  8. ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા અપાતું જાતિ પ્રમાણપત્ર
  9. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (જ્યાં લાગુ પડે)
  10. રાજ્ય/સ્થાનિક સત્તા દ્વારા તૈયાર કરાયેલું કુટુંબ રજિસ્ટર
  11. સરકાર દ્વારા અપાતું જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
  12. બિહારમાં આ મુદ્દે રાજકારણ ખેલાઈ રહ્યું છે 

બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની પહેલ રાજકીય વિવાદમાં ફસાઈ ગઈ છે. વિપક્ષે ચૂંટણી પંચ પર ચૂંટણી પહેલાં આ પ્રક્રિયા દ્વારા રાજ્યના નાગરિકોને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ Explainer: 15 લાખ વર્ષ જૂનો બરફ પીગાળીને પૃથ્વીના રહસ્યો શોધાશે, એન્ટાર્કટિકામાં 2.8 કિ.મી. ઊંડેથી બરફ કઢાયો

આધાર કાર્ડ: ઓળખપત્ર કે નાગરિકતાનો પુરાવો?

હાલ આધાર કાર્ડ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સરકારી દસ્તાવેજ છે. બેંક ખાતું ખોલવા, ઓળખ સાબિત કરવા કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ દરેક જગ્યાએ કામ આવે છે. આમ, આધાર કાર્ડ એ ઓળખ કાર્ડ જરૂર છે, પણ કાયદાની કલમ 9 મુજબ આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી ગણાતો.

આધાર કાર્ડ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો કયા? 

આધાર કાર્ડ મેળવવા માટે ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો હોવો જોઈએ. પાસપોર્ટ, પાન કાર્ડ, રેશન કાર્ડ, પીડીએસ ફોટો કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ફોટો ધરાવતું સરકારી ઓળખ કાર્ડ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા મંજૂર કરાયેલો ફોટો આધાર કાર્ડ મેળવવા માટે માન્ય છે. જન્મ તારીખ સાબિત કરવા માટે જન્મ પ્રમાણપત્ર, 10મા ધોરણની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વગેરે જમા કરાવી શકાય. 

મતદાર કાર્ડ શું છે?

ચૂંટણી પંચ અનુસાર મતદાર કાર્ડ એક ફોટો ઓળખ કાર્ડ છે, જેનો ઉપયોગ કરીને વ્યક્તિને ચૂંટણીઓમાં મતદાન કરી શકે છે. આ દસ્તાવેજ એ વાતની સાબિતી આપે છે કે મતદાર સ્થાનિક નિવાસી હોવા બાબતની ચકાસણી થઈ ચૂકી છે અને તે તેના મતવિસ્તારમાં મતદાન કરવા માટે પાત્ર છે.

મતદાર કાર્ડ નાગરિકતાનો પુરાવો કેમ નથી ગણાતું?

બિહારમાં SIR દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે કે શક્ય છે કે ભૂતકાળમાં કોઈએ છેતરપિંડીથી મતદાર કાર્ડ મેળવ્યું હોય તેથી નવી મતદાર યાદી તૈયાર કરવા માટે તે જ મતદાર કાર્ડને આધાર તરીકે સ્વીકારી શકાય નહીં. ખોટી રીતે મેળવેલું મતદાર ઓળખ કાર્ડ રદ કરવાને ઈરાદે ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીની સમીક્ષામાં મતદાર કાર્ડને માન્યતા આપી નથી. તેથી મતદાર કાર્ડ નાગરિકતાનો પુરાવો ગણાતું નથી. 

પાન કાર્ડ પણ ફક્ત ઓળખ કાર્ડ છે

પાન કાર્ડ (કાયમી ખાતા નંબર) એ ભારત સરકારના આવકવેરા વિભાગ દ્વારા અપાતું 10-અંકનો આલ્ફાન્યુમેરિક નંબર છે, જેનો નાણાકીય અને બિન-નાણાકીય ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે જેથી નકલી પાન કાર્ડ ન બની શકે અને કરચોરી અટકાવી શકાય. પાન કાર્ડ પણ ઓળખ કાર્ડ ગણાય છે, નાગરિકતાનો પુરાવો નહીં. 

રેશન કાર્ડ શા માટે નાગરિકતાનો પુરાવો નથી?

રેશન કાર્ડ એ ભારત સરકાર દ્વારા મંજૂર કરાતો સત્તાવાર દસ્તાવેજ છે, જે ગરીબ પરિવારોને રાહત દરે ખાદ્ય પદાર્થો મેળવવા માટે અપાય છે. પરિવારની ઓળખ અને આર્થિક સ્થિતિ દર્શાવતું રેશન કાર્ડ સરનામાના પુરાવા તરીકે વાપરી શકાય છે, પણ તે નાગરિકતાનો પુરાવો નથી ગણાતું. બિહાર, બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં દર વર્ષે હજારોની સંખ્યામાં નકલી રેશન કાર્ડ પકડાતા હોવાથી તેને નાગરિકતાનો પુરાવો નથી ગણવામાં આવ્યું. 

આ પણ વાંચોઃ Explainer: દલાઈ લામાએ ભારતમાં શરણ કેમ લેવી પડી? ચીને વિદ્રોહ બાદ હજારો તિબેટીયન લોકોને ઉતાર્યા હતા મોતને ઘાટ

નાગરિકતા સાબિત કરવા માટે માન્ય દસ્તાવેજો કયા છે? 

1. ભારતીય પાસપોર્ટ 

પાસપોર્ટ એ ભારતીય નાગરિકતાનો સૌથી મજબૂત પુરાવો છે, કારણ કે તે ફક્ત ભારતીય નાગરિકોને જ મળી શકે. પાસપોર્ટ આપતા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનનો એક અધિકારી અરજદારના ઘરે આવીને અરજદારની નાગરિકતા ચકાસે છે.

2. જન્મ પ્રમાણપત્ર

  • નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 3 મુજબ 26 જાન્યુઆરી, 1950થી લઈને 30 જૂન, 1987 સુધીમાં ભારતમાં જન્મેલ વ્યક્તિ જન્મથી જ ભારતીય નાગરિક ગણાય છે. 
  • 1 જુલાઈ, 1987 થી લઈને 2 ડિસેમ્બર, 2004 સુધીમાં ભારતમાં જન્મેલ વ્યક્તિના માતા કે પિતા બેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ, તો તે વ્યક્તિ ભારતીય નાગરિક ગણાય.
  • 3 ડિસેમ્બર, 2004 પછી જન્મેલી વ્યક્તિના માતા અને પિતા બંને ભારતીય નાગરિક હોવા જોઈએ અથવા જો બે પૈકી એક જ ભારતીય નાગરિક હોય તો બીજો ગેરકાયદે નાગરિક ન હોવો જોઈએ. એટલે કે તેમણે કાયદાકીય રીતે ભારતનું નાગરિકત્વ લીધેલું હોવું જોઈએ.

3. નાગરિકતા પ્રમાણપત્ર 

નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 5, 6 હેઠળ વિદેશી નાગરિક પણ ભારતની નાગરિકતા લઈ શકે છે. આ માટેનું પ્રમાણપત્ર ગૃહ મંત્રાલય દ્વારા અપાય છે. પાકિસ્તાની ગાયક અદનાન સામીને આ રીતે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું.

4. નિવાસ પ્રમાણપત્ર 

અમુક કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા અપાતું નિવાસ પ્રમાણપત્ર નાગરિકતા સાબિત કરવામાં મદદરૂપ થાય છે. આસામમાં NRC (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) આ સંદર્ભમાં ઉપયોગી દસ્તાવેજ સાબિત થયો છે.

Tags :