Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે 'સંમતિ વય'ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક્કી થઈ
History of Women Consent Age: શારીરિક સંબંધ બાંધવા માટે 'સંમતિ વય' કેટલી હોવી જોઈએ, એ બાબતે દેશભરમાં વખતોવખત ચર્ચા થતી રહેતી હોય છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, શારીરિક સંબંધો માટે સંમતિની ઉંમર 18 વર્ષથી ઘટાડી શકાશે નહીં. આ નિર્ણયની પાછળ ભારતના ઈતિહાસનો એક કરુણ અને ચેતવણીભર્યો પ્રસંગ છે.
ફૂલમણિ દાસની દારુણ ઘટનાથી સર્જાઈ કાયદામાં પરિવર્તનની જરૂરિયાત
1889માં બંગાળમાં 10 વર્ષની બહેરી-મૂંગી ફૂલમણિ દાસના લગ્ન 35 વર્ષના પુરુષ સાથે કરાવાયા હતા. લગ્ન થયાના 13 જ કલાક પછી ફૂલમણિનું મૃત્યુ થઈ ગયું, કારણ કે લગ્નની રાતે જ તેના પતિએ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કારણસર ફૂલમણિના અવિકસિત અંગોને ગંભીર ઈજા થઈ અને તેનું મૃત્યુ થયું. આ ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા અને શારીરિક સંબંધ બાંધવા માટેની સંમતિની ઉંમર નક્કી કરવાની માંગ ઊઠી.
કટ્ટરપંથીઓના વિરોધ છતાં કાયદો અમલમાં આવ્યો
આ બાબતે જનતાએ બ્રિટિશ શાસનની સરકાર સાથે મોટાપાયે પત્રવ્યવહાર કર્યો. કટ્ટરપંથીઓએ એને સંસ્કૃતિમાં અયોગ્ય હસ્તક્ષેપ માનીને માંગનો વિરોધ કર્યો. પ્રગતિશીલોએ તેને ટેકો આપ્યો. ચર્ચા અને લાંબા સંઘર્ષ પછી આખરે 29 માર્ચ 1891ના રોજ કાયદો પસાર કરીને શારીરિક સંબંધ બાંધવા માટેની સંમતિની ઉંમર 12 વર્ષ નક્કી કરાઈ. એવું નક્કી કરાયું કે, 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પત્ની હોય તો પણ તેની સાથે સંબંધ બાંધવાને બળાત્કાર ગણાશે અને એની સજા થશે. ત્યારથી ભારતમાં 'સંમતિ વય' (Age of Consent) કાયદો શરૂ થયો હતો. આજે આ મર્યાદા 18 વર્ષ છે.
‘સંમતિ વય’નું કાયદાકીય અર્થઘટન
‘સંમતિ વય’ એટલે કાયદા દ્વારા માન્ય કરાયેલી (વર્તમાનમાં 18 વર્ષ) સ્ત્રીની શારીરિક સંબંધ બાંધવા માટેની સક્ષમતાની લઘુતમ ઉંમર. જો સ્ત્રી સગીર હોય એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરની હોય, તો તે શારીરિક સંબંધ બાંધવા માટે 'હા' કહી શકતી નથી, આમ કરવાનો તેને હક હોતો નથી. કાયદો માને છે કે 18 વર્ષથી ઓછી ઉંમરમાં પૂરતી પરિપક્વતા નથી હોતી કે, તે શારીરિક સંબંધ બાંધવા માટેનો નિર્ણય લઈ શકે. તેથી જો કોઈ પુખ્ત વયની વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે શારીરિક સંબંધ બાંધે છે, તો તે બળાત્કાર ગણાય છે. સંબંધ માટે છોકરીએ સંમતિ આપી હોય, પોતાની ઈચ્છાથી જોડાઈ હોય, તો પણ કાયદો એને POCSO (પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ) ઍક્ટ હેઠળ ગુનો જ ગણે છે.
આ મુદ્દો હાલમાં શા માટે ચર્ચાઈ રહ્યો છે?
આજકાલ ભારતમાં આ મુદ્દો ચર્ચામાં છે કારણ કે એક કેસમાં સુપ્રીમ કોર્ટે સરકારને સંમતિની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવા કહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે આમ કરવાનો નકાર ભણ્યો છે. સુપ્રીમ કોર્ટના વકીલે દલીલ કરી હતી કે, ‘આધુનિક જમાનાના કિશોરો વહેલા પરિપક્વ થઈ જતા હોવાથી તેમને તેમની પસંદગી મુજબના રોમેન્ટિક અને જાતીય સંબંધો બાંધવાનો હક હોવો જોઈએ. 70 વર્ષથી વધુ સમય સુધી આ વય 16 વર્ષ જ રહી છે તો એને ફરી 16 કરી દેવામાં વાંધો નથી. વર્ષ 2017થી 2021 દરમિયાન 16 થી 18 વર્ષની વયના સગીરોને સંડોવતા POCSO હેઠળના કેસોમાં 180 ટકાનો વધારો થયો હતો. તેથી આ વય મર્યાદા ઘટાડીને ગુનાઓમાં ઘટાડો કરી શકાય એમ છે. આ માટે કિશોરોને જાતીય શિક્ષણ આપીને એમની જાગૃતતા વધારી શકાશે.’
આ પણ વાંચોઃ 'પાકિસ્તાન સાથે મિત્રતા નહોતી તો આવો સિંધુ કરાર કેમ કર્યો...?', જયશંકરનો વિપક્ષને સવાલ
સરકારે શું કહીને વિરોધ કર્યો?
આ દલીલના જવાબમાં સરકારે કોર્ટને કહ્યું છે કે ‘સંમતિ વય’ છોકરીઓને જાતીય શોષણથી રક્ષણ આપે છે અને આ ઉંમર ઘટાડવાથી જાતીય પ્રવૃત્તિની આડમાં બળાત્કાર જેવા ગુનાનું પ્રમાણ વધી જશે.
‘સંમતિ વય’ ઘણીવાર બદલાઈ છે
વર્ષ 1891માં સંમતિની વય 12 વર્ષ નક્કી કરાયેલી. એ જમાનામાં બાળલગ્ન થતાં, તેથી બાળકીઓ કિશોરાવસ્થામાં પહોંચતા જ મા બની જતી. માતાનાં અંગો પૂર્ણવિકસિત ન હોવાથી એ સમયે બાળકના જન્મ સમયે ઘણી સમસ્યાઓ સર્જાતી. ડૉક્ટરોનો મત હતો કે, શારીરિક સંબંધ બાંધવા માટે શારીરિક પરિપક્વતા મહત્ત્વની છે, ઉંમર નહીં, અને દરેક છોકરી 12 વર્ષની ઉંમરે શારીરિક સંબંધ બાંધવા માટે પૂરતી પરિપક્વ હોય તે જરૂરી નથી. આ ઉપરાંત સામાન્ય રીતે છોકરીઓનો માસિક સ્રાવ પણ 12 થી 13 વર્ષની ઉંમરે જ શરૂ થતો હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સંમતિની વય 1925માં વધારીને 14 વર્ષ કરાઈ હતી. 1940માં વળી સુધારો કરીને 16 વર્ષની મર્યાદા કરાઈ, જે 2012 સુધી ચાલી. એ પછી 18 વર્ષની નવી મર્યાદા લાગુ કરાઈ હતી.
દુનિયાના અન્ય દેશોમાં 'સંમતિ વય' કેટલી છે?
- વિશ્વભરમાં 'સંમતિ વય' અલગ અલગ છે. મોટાભાગના દેશોમાં, આ વય 14 વર્ષ નક્કી કરાઈ છે, પરંતુ કેટલાક દેશોમાં તેનાથી ઓછી છે. જેમ કે, સુદાન, કોમોરોસ અને નાઈજરમાં છોકરીઓ માટે 'સંમતિ વય' 13 વર્ષ છે.
- બાંગ્લાદેશ, જર્મની, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, ઈક્વાડોર અને ચીન - 14 વર્ષ.
- ફ્રાન્સ, પોલેન્ડ, ચેક રિપબ્લિક, સ્વીડન, ગ્રીસ, ડેનમાર્ક અને આઈસલેન્ડ - 15 વર્ષ.
- બ્રિટન, સ્પેન, સ્વિટ્ઝર્લૅન્ડ, નેધરલેન્ડ, કેનેડા, દક્ષિણ આફ્રિકા, નામિબિયા, ઘાના અને જાપાન - 16 વર્ષ.
- આયર્લેન્ડ - 17 વર્ષ.
- ભારત, પાકિસ્તાન, વિયેતનામ, તુર્કી, કેન્યા, ઝિમ્બાબ્વે અને વેટિકન સિટી - 18 વર્ષ.
અમેરિકાનો કિસ્સો અનોખો છે
અમેરિકામાં ફેડરલ કાયદા અનુસાર ‘સંમતિ વય’ 18 વર્ષ છે, પરંતુ ત્યાં દરેક રાજ્યને પોતાના નિયમો બનાવવાની છૂટ હોવાથી 31 રાજ્યોમાં આ વય 16 વર્ષ, 8 રાજ્યોમાં 17 વર્ષ અને 11 રાજ્યોમાં 18 વર્ષ છે.
કયા દેશોમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવો ગુનો બને છે?
ઘણાં એશિયન અને આફ્રિકન દેશોમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવા ગુનો છે, પછી ભલેને વ્યક્તિની ઉંમર ગમે તે હોય. આવા દેશોમાં લીબિયા, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે.