Get The App

Explainer: 15 લાખ વર્ષ જૂનો બરફ પીગાળીને પૃથ્વીના રહસ્યો શોધાશે, એન્ટાર્કટિકામાં 2.8 કિ.મી. ઊંડેથી બરફ કઢાયો

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
Explainer: 15 લાખ વર્ષ જૂનો બરફ પીગાળીને પૃથ્વીના રહસ્યો શોધાશે, એન્ટાર્કટિકામાં 2.8 કિ.મી. ઊંડેથી બરફ કઢાયો 1 - image

Image: 

PNRA:IPEV


Climate Change: એન્ટાર્કટિકાની હિમચાદર નીચે લિટલ ડોમ સી (Little Dome C) નામના વિસ્તારમાંથી વિજ્ઞાનીઓએ આશરે 2,800 મીટર ઊંડે (2.8 કિલોમીટર)થી દુર્લભ બરફ કાઢવામાં સફળતા મેળવી છે. લગભગ 15 લાખ વર્ષ જૂના આ બરફને પીગાળીને તેની અંદર છુપાયેલા પૃથ્વીના હવામાનના ઈતિહાસના રહસ્યો જાણી શકાશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત યુરોપમાં થઈ છે. 

મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની ભીતર

માનવવસ્તી વિહોણા ખંડ એન્ટાર્કટિકાની જાડી હિમચાદર અનેક જીવ, પર્યાવરણીય અને હવામાન સંબંધિત રહસ્યો ધરબીને બેઠી છે. એ રહસ્યોને ઉજાગર કરવા માટેની પહેલ Beyond EPICA (European Project for Ice Coring in Antarctica) નામની યુરોપિયનન સંસ્થા દ્વારા કરાઈ રહી છે, જેમાં 10 દેશોના સંશોધકો અને સંસ્થાઓ સંકળાયેલા છે. 2019થી શરૂ થયેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે યુરોપિયન કમિશન દ્વારા મોટું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

બરફનું શું કરવામાં આવશે?

હિમચાદર નીચેની મેળવાયેલા દુર્લભ બરફના કોરને એક મીટરના ચોરસ ટુકડામાં કાપીને યુકેના કેમ્બ્રિજ ખાતે લવાયો છે, જ્યાં તેને British Antarctic Survey નામની સંસ્થામાં -50°C જેટલા તાપમાને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. આ પરીક્ષણ માટે તેને લેબોરેટરીમાં ધીરે ધીરે પીગાળવામાં આવશે. આજ સુધી વિજ્ઞાનીઓ પાસે 8 લાખ વર્ષ જેટલા જૂના બરફના રેકોર્ડ ઉપલબ્ધ હતા. હવે આ નમૂનાથી તેઓ 15 લાખ વર્ષ જૂના બરફ પર સંશોધન કરી શકશે, જેને લીધે પૃથ્વીના હવામાનના ઈતિહાસ બાબતના અજાણ્યાં રહસ્યો જાણી શકાશે. 

બરફની અંદરથી શું મળવાની ધારણા છે?

આ બરફની અંદર કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન જેવા વાયુઓ, ધૂળના સૂક્ષ્મ કણો, દરિયાઈ ક્ષાર, દુર્લભ ધાતુઓ તથા ‘ડાયાટોમ્સ’ નામે ઓળખાતી દરિયાઈ શેવાળના અંશો હોવાની શક્યતા છે.

અધધધ ખર્ચે આવો પ્રોજેક્ટ કરવાનું કારણ શું?

લાખો વર્ષ જૂનો બરફ તેની અંદર પ્રાચીન સમયના તત્ત્વો સાચવીને બેઠો હોય છે. તેને પીગાળીને લાખો વર્ષે અગાઉ પૃથ્વીનું હવામાન કેવું હતું એની માહિતી મેળવી શકાય એમ છે. આ પરીક્ષણથી પ્રાચીન હિમયુગ દરમિયાન પૃથ્વીના હવામાનમાં ફેરબદલ કઈ રીતે થતો એ ચિત્ર સ્પષ્ટ બનશે.

પૃથ્વીના હવામાનમાં થયેલા મોટા ફેરફારોનું રહસ્ય ઉકેલાશે

વિજ્ઞાનીઓનું માનવું છે કે 8 લાખથી 12 લાખ વર્ષ પહેલાં ‘મિડ-પ્લેઈસ્ટોસીન ટ્રાન્ઝિશન’ દરમિયાન પૃથ્વીનું હવામાન ચક્ર આશ્ચર્યજનક રીતે બદલાઈ ગયું હતું. અગાઉ પૃથ્વી પર દર 41,000 વર્ષે ગરમ યુગ પૂરો થતો અને હિમ યુગની શરૂઆત થતી. પરંતુ બાદમાં આ પરિવર્તન અચાનક દર 100,000 વર્ષે થવા લાગ્યું. આવું શા માટે થયું હતું, એ આજે પણ રહસ્ય છે. વિજ્ઞાનીઓને આશા છે કે આ બરફના પરીક્ષણ પરથી પ્રાચીન પવનના ધોરણો, દરિયાઈ સ્તરમાં આવેલી વધઘટ અને તાપમાનમાં થયેલા ઐતિહાસિક ફેરફારો વિશે જાણવા મળશે.

પરીક્ષણથી ભવિષ્યના હવામાનના ફેરફારો પણ સમજાશે 

પૃથ્વીના ભૂતકાળના હવામાન ચક્રો સમજવાથી આગામી સમયનું હવામાન પરિવર્તન, ગ્રીનહાઉસ ગેસના હવામાન પરના દુષ્પ્રભાવ અને વધતી દરિયાઈ સપાટીના સંભવિત જોખમો વિશે મહત્ત્વની માહિતી મળશે. આપણી પૃથ્વી કરોડો વર્ષ દરમિયાન વિવિધ પર્યાવરણીય તબક્કામાંથી પસાર થઈ છે. ભવિષ્યમાં પૃથ્વીના હવામાનમાં કેવું પરિવર્તન આવી શકે, એ જાણવા માટે આપણે ભૂતકાળના હવામાન પરિવર્તનને સમજવું જરૂરી છે. 

બીજા દેશો પણ પરીક્ષણ કરશે

યુકે ઉપરાંત જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોને પણ દુર્લભ બરફના નમૂના મોકલાયા છે. એ દેશોમાં પણ એને લેબોરેટરીમાં પીગાળીને પરીક્ષણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં સંકળાયેલા અન્ય દેશોમાં બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, ઇટાલી, નોર્વે, સ્વીડન અને નેધરલેન્ડ સામેલ છે. 



Tags :