'બેલેટ પેપરથી ચૂંટણી થઈ તો કોંગ્રેસ કેટલી બેઠકો જીતી?', ચાર રાજ્યોના MLC ચૂંટણીના પરિણામો બાદ PM મોદીનો વ્યંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi On MLC Election Results : ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદ(MLC) ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની કુલ 28 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. ખાસ વાત એ છે કે આ ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાઈ હતી, જેને લઈને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને કોંગ્રેસના પ્રદર્શન પર કટાક્ષ કર્યો છે.
4 રાજ્યોની 28 બેઠકો પર ચૂંટણી અને મતદાન પ્રક્રિયા
આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 11, બિહારની 8, મહારાષ્ટ્રની 5 અને કર્ણાટકની 4 વિધાન પરિષદ બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો માટે મતદાન 23 ઑક્ટોબરના રોજ થયું હતું અને મતગણતરી 27 ઑક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી. આ ચૂંટણીઓ મુખ્યત્વે શિક્ષક અને સ્નાતક મતવિસ્તારો માટે યોજાઈ હતી, જેમાં સામાન્ય જનતાને બદલે માત્ર સંબંધિત ક્ષેત્રના નોંધાયેલા મતદારો જ મતદાન કરે છે.
કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસનો સફાયો
કર્ણાટકની તમામ 4 બેઠકો પર ભાજપ અને JDS ગઠબંધને ક્લીન સ્વીપ કરીને ભવ્ય જીત નોંધાવી છે. ભાજપે પોતાની 3 બેઠકો જાળવી રાખી છે, જ્યારે જેડીએસે બેંગલુરુ શિક્ષક બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. કર્ણાટકમાં હાલ કોંગ્રેસની પોતાની સરકાર હોવા છતાં તેને એક પણ બેઠક મળી નથી.
ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સપા વચ્ચે કાંટાની ટક્કર
ઉત્તર પ્રદેશની 11 બેઠકો પર મુખ્ય મુકાબલો ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોવા મળ્યો હતો. અત્યાર સુધીના પરિણામો અનુસાર ભાજપે 4 બેઠકો અને સપાએ 2 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે બાકીની બેઠકો પર હજુ પણ મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે.
EVM વિવાદ વચ્ચે PM મોદીએ કર્યું ટ્વિટ
વિપક્ષ દ્વારા લાંબા સમયથી EVMની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, તેવા સમયે જ પીએમ મોદીનું આ નિવેદન સામે આવ્યું છે. બેલેટ પેપરથી થયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસ ખાતું ખોલાવી ન શકતાં હવે ફરી એકવાર EVM અને બેલેટ પેપર અંગે દેશભરમાં નવો રાજકીય ગરમાવો આવી ગયો છે.




