India

VIDEO : 10 લાખના હીરા અને સોનાના દાગીના ચોરી ગયો ઉંદર, જ્વેલરી શોપના માલિકના હોશ ઉડી ગયા

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
કર્ણાટકના તુમકુરુમાં આવેલી 'વિશ્વાસ જ્વેલરી શોપ'માં અનોખી ઘટના બની. દુકાનમાંથી આશરે 10 લાખ રૂપિયાના હીરા અને સોનાના દાગીના ગાયબ થતાં સૌ ચોંકી ઉઠ્યા. CCTV ફૂટેજ તપાસતા ચોર કોઈ માણસ નહીં, પરંતુ એક ઉંદર નીકળ્યો! ઉંદર મોં વડે દાગીના ઢસડીને દરમાં લઈ ગયો હતો. બાદમાં દર ખોદીને 10 વીંટી અને 3 નેકલેસ સહિતના તમામ દાગીના સુરક્ષિત મળી આવ્યા. આ વીડિયો વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : 10 લાખના હીરા અને સોનાના દાગીના ચોરી ગયો ઉંદર, જ્વેલરી શોપના માલિકના હોશ ઉડી ગયા

Karnataka News : કર્ણાટકના તુમકુરુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જ્વેલરી શોપમાંથી રાતોરાત આશરે 10 લાખ રૂપિયાના હીરા અને સોનાના દાગીના ગાયબ થઈ ગયા હતા. શરૂઆતમાં માલિકને લાગ્યું કે કોઈ ચોરે ચોરી કરી છે, પરંતુ જ્યારે CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે અસલી ચોરને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. ફૂટેજમાં એક ઉંદર દાગીના ઢસડીને લઈ જતો દેખાયો હતો.

દુકાનમાંથી ગાયબ થયા 50 ગ્રામના કિંમતી દાગીના

આ ઘટના તુમકુરુ શહેરના કૈલટેક્સ સર્કલ પાસે આવેલી 'વિશ્વાસ જ્વેલરી શોપ'ની છે. બીજા દિવસે જ્યારે કર્મચારીઓ દુકાને પહોંચ્યા ત્યારે આશરે 50 ગ્રામ વજનના કિંમતી દાગીના ગાયબ હતા. જેમાં હીરાજડિત વીંટીઓ અને સોનાના હાર સામેલ હતા. જોકે, દુકાનનું શટર સુરક્ષિત હતું અને ચોરીનો કોઈ સંકેત નહોતો, જેથી પોલીસે ફરિયાદ નોંધતા પહેલા CCTV તપાસવાનું નક્કી કર્યું હતું.

CCTVમાં કેદ થઈ ઉંદરની 'ચોરી'

CCTV ફૂટેજમાં જે દૃશ્યો સામે આવ્યા તેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વીડીયોમાં એક ઉંદર એક પછી એક હીરા અને સોનાના દાગીનાને મોં વડે ઢસડીને લઈ જતો દેખાયો હતો. ઉંદર ખૂબ જ સફાઈથી દાગીનાને દુકાનના એક ખૂણા તરફ લઈ ગયો અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયો હતો.

દર ખોદતાં જ મળી આવ્યા તમામ દાગીના

ફૂટેજના આધારે કર્મચારીઓએ ઉંદરની અવરજવરનો રસ્તો શોધ્યો અને તેનું દર શોધી કાઢ્યું હતું. સાવચેતીપૂર્વક દરનું ખોદકામ કરવામાં આવતાં અંદરથી ગાયબ થયેલા તમામ દાગીના મળી આવ્યા હતા. જેમાં 10 વીંટી અને 3 નેકલેસનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પર વીડીયો વાયરલ

10 લાખ રૂપિયાના તમામ દાગીના સુરક્ષિત મળી આવતાં જ્વેલરી શોપના માલિક અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અનોખી ઘટનાના CCTV વીડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને કોઈ દિલચશ્પ ફિલ્મી વાર્તા જેવો ગણાવી રહ્યા છે.