મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં કચરાનો પહાડ ધરાશાયી, 3 માળની ઈમારત દબાઈ, ફસાયેલા 16થી વધુનું રેસ્ક્યૂ ઓપરેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pimpri Chinchwad Garbage Collapse : મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કચરાનો એક વિશાળ ઢગલો ત્રણ માળની ઈમારત પર ધરાશાયી થતાં અંદાજે 16 જેટલા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે મોટા પાયે બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ ઘટના મોશી વિસ્તારમાં બની હતી. જે ઈમારત પર કચરો પડ્યો છે, તે પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) માટે વેસ્ટ પ્રોસેસિંગ (કચરાના નિકાલ)નું કામ કરતી એક ખાનગી કંપનીની વહીવટી ઓફિસ (એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ) તરીકે ઉપયોગમાં લેવાતી હતી.
PCMC કમિશનર વિજય સૂર્યવંશીના જણાવ્યા અનુસાર, આ ઈમારત વર્ષો જૂના કચરાના એક મોટા પહાડની બિલકુલ બાજુમાં આવેલી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સતત પડી રહેલા ભારે વરસાદને કારણે કચરાનો આ આખો ઢગલો ઢીલો થઈ ગયો હતો, જેના લીધે તે સરકીને સીધો ઈમારત પર ખાબક્યો હતો, અને સમગ્ર માળખું ધરાશાયી થઈ ગયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે ઈમારતની અંદર અંદાજે 16 જેટલા કર્મચારીઓ હાજર હોવાનું માનવામાં આવે છે, જેથી તેઓ કાટમાળ નીચે દબાયા હોવાની ભારે આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી મેડિકલ સર્વિસિસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી કાઢવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. પડકારજનક હવામાન અને વરસાદ વચ્ચે બચાવ કામગીરી ચાલુ હોવાથી વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.









